વડોદરામાં ગરબાના સૌથી મોટા આયોજનમાં કેમ સર્જાયો વિવાદ? હિંદુ સંગઠનોએ ઉઠાવ્યો વાંધો

0
53
ગરબા વિવાદ
ગરબા વિવાદ

શહેરમાં લક્ષ્મી વિલાસ પેલેસ અને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબાનું આયોજન વિવાદમાં આવ્યું છે. આયોજકોએ મુસ્લિમ વ્યક્તિની માલિકીની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કામ સોંપતા હિંદુ સંગઠનોએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે.વડોદરા શહેરમાં નવરાત્રિ દરમિયાન ગરબાના જે મોટા આયોજન થાય છે, તેમાંથી એક છે લક્ષ્મી વિલાસ પેલેસ અને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબા. આ ગરબા યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય છે. યુવાનો અત્યારથી જ ગરબાના પાસ ખરીદવા લાઈન લગાવીને ઉભા છે. જો કે નવરાત્રિ પહેલાં જ આ બંને આયોજન સામે વિવાદ ઉભો થયો છે. જેનું કારણ છે બંને આયોજન માટે વિધર્મીઓને સોંપાયેલા કામ. 

લક્ષ્મી વિલાસ પેલેસ ગરબાના આયોજકોએ શિહાબ પઠાણની કંપની બોયઝોન ઈવેન્ટ એન્ડ પ્રમોશનને ઈવેન્ટના પ્રમોશનને લગતું કામ સોંપ્યું છે, જ્યારે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના આયોજકોએ મંડપને લગતું કામ વિધર્મી વ્યક્તિને સોંપ્યું છે, જેની સામે સાધુ  સંતોએ વાંધો ઉઠાવ્યો છે. જ્યોતિર્નાથ મહારાજે આ અંગે કલેક્ટરને પણ જાણ કરી છે. તેમણે વિશ્વ હિંદુ પરિષદને વિરોધનું આહ્વાહન કરવાની સાથે બીજું ઘણું કહી દીધું છે. જો કે આ મામલે વીએચપી અને બજરંગ દળની કાર્યવાહી વાંધો ઉઠાવવા અને રજૂઆત કરવા પૂરતી મર્યાદિત રહી છે. 

વિધર્મીઓને ગરબાનાં આયોજનનું કામ સોંપવા સામે જ્યાં બજરંગ દળનો વાંધો શાબ્દિક છે, ત્યાં ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી સામે સંગઠનના હોદ્દેદારોએ ગર્જના કરી છે. રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશ્વ હિંદુ પરિષદની શૌર્ય જાગરણ યાત્રા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વીએચપીના રાષ્ટ્રીય અને સ્થાનિક હોદ્દેદારો તેમજ ભાજપનાં કેટલાક ધારાસભ્યોએ ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી રોકવા હુંકાર કર્યો હતો. જો કે વડોદરાના મુદ્દે વિરોધ હજુ સ્થાનિક સાધુસંતો પૂરતો મર્યાદિત છે. તેની પાછળ કેટલાક કારણો પણ ચર્ચાઈ રહ્યા છે.

એક તરફ જ્યાં ગરબાના આયોજન પર વિવાદ સર્જાયો છે, ત્યાં લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના આયોજકોને આ મામલે વિવાદનું કોઈ કારણ નથી જણાતું. ધર્મના નામે ઉભા થતા વિવાદમાં ઘણી વાર સગવડને પણ ધ્યાનમાં લેવાતી હોય છે. ત્યારે આગળ જતાં આ મામલો શું વળાંક લે છે, તે જોવું રહેશે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.