મણિપુર માં આગ કેમ નથી થતી શાંત- જાણો સમગ્ર ઇતિહાસ,શુ છે વિવાદ,અને કેવી રહી છે સરકારોની ભુમિકા

0
231
મણિપુર
મણિપુર
1

છેલ્લા 80 દિવસથી મણિપુર સળગી રહ્યુ છે, વિપક્ષો આના  માટે ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબદાર ગણે છે,, પણ જ્યારે 19મી જુલાઇએ મણિપુરનો વિભત્સ વીડિયો સામે આવ્યો ત્યારે સમગ્ર દેશ હચમચી ગયો, સુપ્રિમ કોર્ટે મણિપુરને લઇને કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોને ફટકાર લગાવી,,ત્યારે આ મુદ્દે ચુપ રહેનારા પીએમ મોદીને  પણ બોલવું પડ્યું,,અને તેઓએ જવાબદારો સામે પગલા લેવાની વાત કહી, ચોંકાવનારી બાબત એ છેકે જ્યારે ઘટનાનો વિડીયો સામે આવ્યો ત્યારે જ પહેલી ધરપકડ થઇ,, મણિપુરમાં બે કુકી મહિલાઓના નગ્ન પરેડના વીડિયોની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. આ વીડિયોએ સુપ્રીમ કોર્ટ સહિત સમગ્ર દેશનું ધ્યાન મણિપુર તરફ ખેંચ્યું છે, જે છેલ્લા 80 દિવસથી હિંસાની ઝપેટમાં છે.

2

જાણો કેવી રીતે મણિપુરમાં હિંસાની ચિંગારી ફાટી નીકળી
મૈતેઈ ટ્રાઈબ યુનિયન પણ છેલ્લા એક દાયકાથી મૈતેઈ માટે આદિવાસી દરજ્જાની માગ કરી રહ્યું હતું. આ સંબંધમાં તેણે મણિપુર હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સાંભળીને મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને 19 એપ્રિલે 10 વર્ષ જૂની કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયની ભલામણ રજૂ કરવા કહ્યું હતું. આ ભલામણમાં મૈતેઈ સમુદાયને આદિજાતિનો દરજ્જો આપવાનું કહેવામાં આવ્યું છે.

આ સિવાય મણિપુર સરકાર વન જમીન સર્વેક્ષણ કરી રહી છે, જેમાં ગેરકાયદેસર અતિક્રમણ કરનારાઓને દૂર કરવામાં આવી રહ્યા છે. આ બંને કારણોસર કુકી આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. તેના વિરોધમાં 28 એપ્રિલે ધી ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે ચુરાચંદપુરમાં 8 કલાકના બંધનું એલાન આપ્યું હતું. જેના કારણે મુખ્યમંત્રી એન. બિરેન સિંહે તેમનો અગાઉનો પ્રસ્તાવિત કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.

મણિપુરમાં હિંસા રાજધાની ઈમ્ફાલથી લગભગ 63 કિમી દક્ષિણમાં આવેલા ચુરાચંદપુર જિલ્લામાંથી શરૂ થઈ હતી. 28 એપ્રિલે મોડી રાત સુધી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ ચાલુ રહી હતી. તે જ રાત્રે બદમાશોએ તુઇબોંગ વિસ્તારમાં ફોરેસ્ટ રેન્જ ઓફિસને આગ લગાવી દીધી હતી. 27-28 એપ્રિલની હિંસામાં મુખ્યત્વે પોલીસ અને કુકી આદિવાસીઓ સામસામે હતા.

3 મેના રોજ, મણિપુરના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયને ‘આદિવાસી એકતા માર્ચ’ કાઢી હતી. તે મૈતેઇ સમુદાયને એસટીનો દરજ્જો આપવા વિરુદ્ધ હતા. આ કૂચ દરમિયાન પરિસ્થિતિ વધુ વણસી હતી અને જાતિ સંઘર્ષનું સ્વરૂપ લીધું હતું. એક તરફ મૈતેઈ સમાજના લોકો અને બીજી બાજુ કુકી સમાજના લોકો.

મહિલાઓના નગ્ન પરેડના વીડિયો પર મણિપુરના મુખ્યમંત્રી એ. બિરેન સિંહે કહ્યું કે આ માત્ર એક વીડિયો છે જે વાયરલ થયો છે, આવી સેંકડો ઘટનાઓ બની છે.

3

હિંસામાં સંડોવાયેલા મણિપુરની આવી 6 મોટી ઘટનાઓ…

1. ટોળાએ એમ્બ્યુલન્સમાં આગ લગાવી, એક બાળક સહિત બે મહિલાઓના મોત
4 જૂનના રોજ, મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ટોળાએ એમ્બ્યુલન્સને સળગાવી દીધી હતી. એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહેલા 8 વર્ષના છોકરા, તેની માતા અને અન્ય એક સંબંધીનું મૃત્યુ થયું હતું.

એક અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગની ઘટના દરમિયાન બાળકને માથામાં ગોળી વાગી હતી. તેની માતા અને એક સંબંધી તેને ઈમ્ફાલની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા. પીડિતાની માતા મૈતેઈ સમુદાયની હતી અને તેના લગ્ન કુકી સાથે થયા હતા.

4

2. ધારાસભ્યનો ગાર્ડ કપાયેલું માથું લઈને ફરતો હતો
મણિપુરના બીજેપી ધારાસભ્ય શાંતિ કુમાર ઉર્ફે સનિસમ પ્રેમચંદ્ર સિંહના સુરક્ષા ગાર્ડ મેરેમ્બમ રોમેશ મંગાંગ પર કુકી સમુદાયના ડેવિડ થીકની હત્યા કરવાનો આરોપ છે.
વાયરલ થઈ રહેલા એક ફોટામાં, મૈગંગ એક હાથમાં ડેવિડ થીકનું કપાયેલું માથું અને બીજા હાથમાં ચાકુ પકડીને જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે 2 જુલાઈની સવારે 12 વાગે બિષ્ણુપુર જિલ્લામાં અથડામણ દરમિયાન ડેવિડ થીક માર્યો ગયો હતો. આ અથડામણમાં કુલ ત્રણ લોકો માર્યા ગયા હતા.

3. મહિલાને ગોળી મારી અને પછી તેનો ચહેરો બગાડી નાખ્યો
ગયા શનિવારે, મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના સવોમ્બુંગ વિસ્તારમાં એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેનો ચહેરો બગાડી નાખવામાં આવ્યો હતો.

ફોટામાં, બીજેપી ધારાસભ્ય શાંતિ કુમારના સુરક્ષા ગાર્ડ મેરેમ્બમ રોમેશ મૈગાંગ કુકી ડેવિડ થીકની હત્યા કર્યા પછી તેનું માથું લઈ જઈ રહ્યા છે. મૈગેંગે એક હાથમાં છરો પણ પકડ્યો છે.

4. ભૂતપૂર્વ સૈનિકને ઘરની બહાર ઢસડીને માથામાં ગોળી મારી
4 જૂનના રોજ, ટોળાએ ઇમ્ફાલથી 17 કિમી દૂર મૈતેઈ ગામ ફાયેંગમાં ભૂતપૂર્વ સૈનિક રમેશ સિંહના ઘરને આગ ચાંપી દીધી હતી. રમેશ સિંહને ડર હતો કે કુકીઓ તેના પર હુમલો કરી શકે છે, તેથી તે લાયસન્સ બંદૂક સાથે ગામમાં પેટ્રોલિંગ કરતા હતા.

રમેશ સિંહના પુત્ર રોબર્ટે જણાવ્યું કે એક રાત્રે કુકી લોકોના ટોળાએ ગામ પર હુમલો કર્યો. અનેક ઘરોમાં આગ લાગી હતી. હુમલામાં તેમના પિતાને પગમાં ગોળી વાગી હતી, હુમલાખોરો તેમને એ જ હાલતમાં પહાડો પર ખેંચી ગયા હતા. રોબર્ટે કહ્યું કે બીજા દિવસે તેના પિતાની બંદૂક મળી, તેમના માથામાં ગોળી વાગી હતી.

5. શાળાની બહાર મહિલાને ગોળી મારી હત્યા
6 જુલાઈના રોજ, મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક શાળાની બહાર અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હિંસાને કારણે રાજ્યમાં બે મહિના પછી વર્ગો ફરી શરૂ થયાના એક દિવસ પછી ક્વાકિથેલ માયા કોઈબી વિસ્તારમાં આ ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે મહિલા કોઈ કામ માટે સ્કૂલ ગઈ હતી. જોકે તેનો કોઈ શાળા સાથે કોઈ સંબંધ નહોતો.

6. ફૂટબોલની જેમ લાત મારતા રહ્યા, બેહોશ થઈ તો મૃત સમજીને છોડી દીધી
એક યુવતીએ ટેલિગ્રાફ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે 4 મેના રોજ સાંજે 4 વાગ્યે 150 સશસ્ત્ર પુરુષો અને મહિલાઓ મારી સંસ્થામાં પ્રવેશ્યા. આ લોકો કુકી વિદ્યાર્થીઓના ઓળખ પત્ર જોઈને તેમને નિશાન બનાવતા હતા.

શયનગૃહમાં 90 વિદ્યાર્થીઓ હતા. યુવતીએ જણાવ્યું કે કુકીના 10 લોકો હતા. બેને પોલીસે બચાવી લીધા હતા. 6 નાસી ગયા હતા. મને અને મારા મિત્રને પકડ્યા. અડધા કલાકથી વધુ સમય સુધી તેઓ અમને ફૂટબોલની જેમ લાત મારતા રહ્યા. લોકો ટોળામાં અમારા પર કૂદકા મારતા હતા.

જ્યારે હું ફરીથી ભાનમાં આવ્યો, ત્યારે મને જવાહરલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ઇમ્ફાલના ICUમાં દાખલ કરવામાં આવી. મને કહેવામાં આવ્યું કે પોલીસકર્મીઓએ મને ઉપાડીને ત્યાં દાખલ કરી હતી.

6

મૈતેઈ અને કૂકી વચ્ચે  વિવાદનું મૂળ શું છે

મણિપુર એક ક્રિકેટ સ્ટેડિયમ જેવું છે. તે ઇમ્ફાલ ખીણની પીચની જેમ બરાબર મધ્યમાં છે. આ સમગ્ર રાજ્યના 10% છે, જેમાં રાજ્યની 57% વસતિ રહે છે. બાકીના 90% આસપાસના વિસ્તારો પહાડી વિસ્તારો છે, જ્યાં રાજ્યની 42% વસતિ રહે છે.

ઇમ્ફાલ ખીણ પ્રદેશમાં મૈતેઇ સમુદાયનું વર્ચસ્વ છે. આ મોટાભાગે હિન્દુઓ છે. મણિપુરની કુલ વસતિમાં તેમનો હિસ્સો લગભગ 53% છે. મણિપુરના કુલ 60 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો મૈતેઈ સમુદાયના છે.

પર્વતીય વિસ્તારોમાં 33 માન્યતા પ્રાપ્ત જાતિઓનું ઘર છે, જેમાં મુખ્યત્વે નાગા અને કુકી જાતિઓ છે. આ બંને જાતિઓ મુખ્યત્વે ખ્રિસ્તી છે. મણિપુરમાં કુલ 60 ધારાસભ્યોમાંથી 20 ધારાસભ્યો આદિજાતિના છે. મણિપુરમાં લગભગ 8% મુસ્લિમો અને લગભગ 8% સનમાહી સમુદાય છે.

ખીણ અને પહાડીના આ વિભાજનને કારણે મણિપુરમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે.

ભારતીય બંધારણની કલમ 371C હેઠળ, મણિપુરની પહાડી જાતિઓને વિશેષ બંધારણીય વિશેષાધિકારો મળ્યા છે, જે મૈતેઈ સમુદાયને મળ્યા નથી. ‘લેન્ડ રિફોર્મ એક્ટ’ને કારણે, મૈતેઈ સમુદાય જમીન ખરીદી શકતા નથી અને પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકતા નથી. જ્યારે ડુંગરાળ વિસ્તારોમાંથી આવીને ખીણમાં વસવાટ કરવા પર આદિવાસીઓ પર કોઈ પ્રતિબંધ નથી. મૈતેઈ માગ કરી રહ્યા છે કે તેમને પણ એસટીનો દરજ્જો મળવો જોઈએ, જેથી તેઓ પણ ડુંગરાળ વિસ્તારોમાં વસવાટ કરી શકે.

મૈતેઈ આદિવાસી ના દરજ્જા માટે કઈ દલીલો આપે છે ક્યારે  કુકી શા માટે તેનો વિરોધ કરે છે?
મૈતેઈ જનજાતિ સંઘ દલીલ કરે છે કે તેઓ 1949માં મણિપુરના રજવાડાના ભારતમાં વિલીનીકરણ પહેલા માન્ય આદિજાતિ હતા, પરંતુ વિલીનીકરણ પછી તેમની ઓળખ ગુમાવી દીધી હતી.

યુનિયને હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે એસટીના દરજ્જાની માગ નોકરીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત અને કરમુક્તિથી આગળ વધે છે. તેમણે કહ્યું કે સમુદાયને સાચવવાની અને મૈતેઈ લોકોની પૂર્વજોની જમીન, પરંપરા, સંસ્કૃતિ અને ભાષાને બચાવવાની જરૂર છે.

બીજી તરફ, કુકી અને નાગા જાતિઓ હંમેશા મૈતેઇને એસટીનો દરજ્જો આપવાનો વિરોધ કરતી રહી છે. તેઓ દલીલ કરે છે કે મૈતેઇ રાજ્યમાં પ્રબળ વસતિ છે અને તેઓ રાજકારણ પર પણ પ્રભુત્વ ધરાવે છે. તેઓ કહે છે કે મૈતેઈ લોકોની મણિપુર ભાષા પહેલાથી જ બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ છે.

તેમજ મૈતેઈ હિન્દુને પહેલાથી જ અનુસૂચિત જાતિ એટલે કે એસસી અથવા અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીનો દરજ્જો મળ્યો છે. એટલે કે, તેમની પાસે પહેલેથી જ ઉપલબ્ધ તકો છે. એક તરફ મૈતેઇના તરફેણમાં નિષ્ણાંતોનો દાવો છે કે મૈતેઈને તેમની સંસ્કૃતિ અને ઓળખના રક્ષણ માટે ST દરજ્જાની જરૂર છે.

જ્યારે આનો વિરોધ કરનારા નિષ્ણાંતોનું કહેવું છે કે જો મૈતેઈ પોતાને STની યાદીમાં સામેલ કરવામાં સફળ થશે, તો તેઓ ST, SC, OBC અને EWSના લાભ મેળવનાર ભારતમાં એકમાત્ર સમુદાય બની જશે.

5

મણિપુર હિંસા અને તેને લઇને સવાલો ક્યારે અટકશે
હિંસા ફાટી નીકળ્યા બાદ કેન્દ્ર સરકારે ચૂંટાયેલી ભાજપ સરકાર પાસેથી કાયદો અને વ્યવસ્થા સંભાળી લીધી હતી. રાજ્યમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. પ્રદર્શનકારીઓએ મુખ્ય હાઇવે બ્લોક કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહ રાજ્યની મુલાકાતે આવ્યા છે. આ પછી પણ તેમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. તમને જણાવી દઇએ કે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય રાજ્યોના સાસંદો મણિપુરમાં મુલાકાત કરીને તેની દયનિય સ્થિતિ અંગે ચિતાર રજુ કરી ચુક્યા છે,