વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની:PM

0
331
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની:PM
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની:PM

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૨૦ વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદમાં આયોજિત સમિટ ઓફ સક્સેસને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, બે દાયકા પહેલા વાવેલું નાનકડું બીજ આજે વિશાળ અને વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની ગઇ છે. દરેક વખતે આ સમિટ સફળતાની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાનો મંત્ર સમજાવતાં કહ્યું કે, આઈડિયા, ઈમેજીનેશન અને ઇમ્પ્લીમેન્ટેશન જેવા કોર એલીમેન્ટ આ સમિટની સફળતામાં સામેલ છે. તેમણે કહ્યું કે, યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોકસ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતે વિશ્વને બતાવ્યું છે. આ સમિટ ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મુકવાનું એક માધ્યમ બની છે. દેશના ટેલેન્ટનો વિશ્વને પરિચય આપવાનું અને ગુજરાતની દિવ્યતા, ભવ્યતા અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું માધ્યમ આ વાઇબ્રન્ટ સમિટ બની છે.

વડાપ્રધાનએ આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિતો અને દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકાસની નવી સંભાવનાઓ સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે એવા સેક્ટર શોધવા અને તે માટેનું વિચાર-મંથન આગામી સમિટમાં કરવા આહવાન કર્યું હતું.વડાપ્રધાનએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યું કે, સારા કાર્યને ઉપહાસ, વિરોધ અને ત્યાર પછી સ્વીકાર એમ ત્રણ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. આ સમિટની પરંપરા શરૂ કરી ત્યારે કહેવાતું કે આ તો માત્ર બ્રાન્ડિંગ ઇવેન્ટ છે. પરંતુ દુનિયા સમક્ષ વાઇબ્રન્ટ સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે આ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ માટેની ઇવેન્ટ છે. ગુજરાતના સાત કરોડ નાગરિકના સામર્થ્ય અને સ્નેહથી પાછલા ૨૦ વર્ષમાં વાઇબ્રન્ટ સમિટની દરેક શૃંખલા સફળ બની રહી છે.  વડાપ્રધાનએ સમિટની બે દાયકાની સફળતાનો ચિતાર આપતા કહ્યું કે, ૨૦૦૩માં અમુક સેંકડો પાર્ટીસિપન્ટસ આવ્યા હતા અને હવે ૪૦ હજારથી વધુ પાર્ટીસિપન્ટસ આ સમિટમાં જોડાય છે. ૨૦૦૩માં જૂજ દેશો ભાગીદાર બન્યા હતા જ્યારે હવે ૧૩૫થી વધુ દેશ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવે છે. ૨૦૦૩માં ૩૦ની આસપાસ એક્ઝિબિટર્સ જોડાયા હતા જ્યારે હવે ૨૦૦૦થી વધુ એક્ઝિબિટર્સ આ સમીટનો યોગ્ય મંચ તરીકે ઉપયોગ કરે છે. ગુજરાતે અલગ-યુનિક રીતે વિચાર્યુ. વાઇબ્રન્ટ સમીટમાં કોઇ ડેવલપ્ડ નેશનને પાર્ટનર કન્ટ્રી બનાવવાનું જ્યારે કોઈએ વિચાર્યું ન હતું પણ ગુજરાતે કરી દેખાડ્યું. એ જ ઓફિસર્સ અને એ જ રિસોર્સ સાથે ગુજરાતે એવું કરી દેખાડ્યું જેનું કોઈએ વિચાર કર્યો ન હતો.

દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે, તેમના રાજ્યની ક્ષમતાઓનું નિદર્શન કરવા માટે આપણે આમંત્રિત કરતા હતા. દેશના જુદા જુદા સંગઠનો, જુદા જુદા ઔદ્યોગિક મેળાઓ વગેરેને જોડીને એનેક વર્ટિકલને વાઇબ્રન્ટ સમિટ સાથે જોડતા ગયા, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, ૨૦ વર્ષ એક લાંબો સમય છે, આજની યુવા પેઢીને કદાચ ખબર રહી હોય કે ભૂકંપ પછી ગુજરાતની શું સ્થિતિ હતી! ૨૦૦૧ પહેલાંના વર્ષોમાં સતત પાણીનો દુકાળ અને ત્યારબાદ આવેલા ભૂકંપથી હજારો ઘરોની તારાજી લાખો લોકોની બેહાલી અને તકલીફ ભર્યું જીવન હતું.પીએમએ કહ્યું કે, આવા મુસિબતના સમયે તેમણે સંકલ્પ લીધો કે કોઈપણ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર લઈ આવું છે, આગળ લઈ જવું છે, આ વિચારમાંથી સમિટનોપ્રારંભ થયો અને ગુજરાતનું માત્ર પુનઃનિર્માણ નહીં પરંતુ દાયકાઓ આગળનું વિચારી રાજ્યના વિકાસ માટેના કાર્ય સરકારે આરંભ્યા. આ દીર્ઘકાલીન વિકાસનું એક માધ્યમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બની છે.

વડાપ્રધાનએ કહ્યું કે, ૨૦મી સદીમાં ગુજરાતની છાપ ટ્રેડર્સ તરીકેની હતી, તેને ૨૧મી સદીમાં બદલીને ટ્રેડની સાથે એગ્રીકલ્ચરલ પાવર હાઉસ, ફાઇનાન્સિયલ હબ તેમજ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ તરીકે નવી ઓળખ અપાવી. આના કારણે ગુજરાતની વ્યાપારી ઓળખ પણ વધુ મજબૂત બની. આ બધુ વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાને આભારી છે, જે આઈડિયા. ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીઝના ઇન્ક્યુબેટર તરીકે કામ કરી રહી છે.