ગુજરાતમાં વિધિવત રીતે શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે. આમ, તો શિયાળો શરૂ થતા શાકભાજીના ભાવોમાં ઘટાડો થતો જોવા મળે છે, પરંતુ માવઠાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટા અને શાકભાજીના ભાવ માં ધરખમ વધારો થતા ગૃહિણીઓને રોજ શું બનાવું તેની ચિંતા વધી છે. માવઠા અને લગ્નસરાની સીઝનના કારણે શાકભાજીના ભાવ માં તોતિંગ વધારો થયો છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં સરેરાશ 30 થી 40 ટકાનો વધારો થયો છે.
શાકભાજીનો ભાવ કિલો એ 100 પહોચ્યો
ફુલાવર, કોબીજ, તુવેર, વટાણા, લીલા મરચા જેવા શિયાળામાં મળતા શાકભાજીનો ભાવ કિલો એ 100 પહોચી ગયો છે. માવઠાના લીધે રિંગણ તુવેરસીંગ, વાલપાપાડી, ધાણા, મેથીની ભાજી, પાલકની ભાજી, મૂળા સહિતનો શાકભાજીનો પાક નિષ્ફળ ગયા છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીની ખેતીમાં નુકસાન થયું છે. જેના કારણે શાકભાજીના ભાવ માં તોતિંગ વધારો થયો છે.
ફળોના ભાવમાં પણ તોતિંગ વધારો :
શાકભાજી બાદ ફળો પણ લોકોના ખિસ્સા પર ભાર પાડી રહ્યા છે. અમદાવાદમાં છૂટક બજારમાં ફળોના ભાવમાં તોતિંગ વધારો થયો છે. રાજ્યમાં મેઘતાંડવે વેરેલા વિનાશથી ભાવ આસમાને પહોંચી ગયા છે. ફળના ભાવોમાં થયેલો ધરખમ વધારો જોઇ મીઠા ફળ પણ ખાટા થઇ ગયા હોય તેવો તાલ સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે, માવઠાથી જીરુની વાવણીને પણ અસર થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં વરિયાળી, ગુલાબની ખેતીને પણ નુકસાન થયુ છે. મધ્ય ગુજરાતમાં પણ ડાંગરના પાકને મોટું નુકસાન થયુ છે.