કમોસમી વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોને ફરીથી ભારે નુકશાન પહોંચ્યું છે. વરસાદની વકી હોઇ ધરતીપુત્રો ચિંતામાં મુકાઇ ગયા છે. કમોસમી વરસાદના કારણે માત્ર ભાવનગર જિલ્લામાં જ નહિ બલ્કે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડૂતોને કપાસ, મગફળી, જીરૂ વગેરે પાકોમાં કરોડોનું નુકશાન થયો હોવાનો અંદાજ છે. અત્યારે શિયાળાના પ્રારંભે જાણે અત્યારી અષાઢી માહોલ હોય તેમ અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાતા ફરીથી વરસાદ પડવાનો પ્રારંભ થયો છે. જેના કારણે ધરતીપુત્રોમાં ફાળ પડી જવા પામી છે. રવિવારે સવારથી જ જિલ્લાભરમાં કમોસમી વાદળાઓથી આકાશ છવાઇ ગયું હતું. બાદમાં ક્યાંક છુટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ તુટી પડતા ખેડૂતો માટે આભ ફાટે ત્યાં થીંગડા ક્યાં દેવા જેવો ઘાટ સર્જાવા પામ્યો છે.
ચાલુ વર્ષે ખેડૂતોને કપાસ તથા અન્ય પાકો તથા વિવિધ ઉપજોના સારા પ્રમાણમાં ભાવો મળી રહ્યાં હતા ત્યાં કુદરતે ઠોકર મારી છે. ખેડૂતોના હજારો મણ કપાસ વીણીને તૈયાર થઇ ખેતરોમાં ખડકાયેલો પડ્યો છે. એકબાજુ પુરતા ખેતમજુરો મળતા નથી અને ત્યાં આ રીતે વરસાદ પડતા કપાસ પલળી જવા પામ્યો છે. મગફળીમાં પણ આવી જ હાલત સર્જાતા ખેડૂતોને હાલત કફોડી થઇ જવા પામી છે. ભાવનગર જિલ્લામાં આ કમોસમી વરસાદને લીધે સિહોર, પાલિતાણા, મહુવા, તળાજા, બોટાદ, ગારિયાધાર, વલભીપુર, ગઢડા વગેરે તાલુકાઓમાં કમોસમી વરસાદને કારણે નુકશાન પહોંચવા પામ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જેમાં વાવઝોડા સાથે વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે. અમુક જગ્યાએ રવી પાક જમીનદોસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલા વરસાદથી ખેડુતો મુંઝાયા છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. મહેસાણા જીલ્લાના ઉંઝા, પાટણ જીલ્લાના પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર અને બનાસકાંઠા જીલ્લાના પાલનપુર અને સુઇગામ પંથકમાં કમોસમી વરસાદના આગમનથી ભારે નુકશાનીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શિયાળાની શરૂઆત વચ્ચે આવેલા વરસાદથી રવી પાકો જેની વાવણી કરવામાં આવી હતી તે જમીનદોસ્ત થયા છે.
વીજળીના કડાકા-ભડાકા સાથે મોડી રાત્રે કમોસમી વરસાદ થવાના કારણે પાલનપુર નજીક આવેલ વિસ્તારોમાં ખેતરોમાં ઉભેલા પાકનું વાવેતર કરેલું હતું જે પાક તૈયાર થઈ ગયો હતો તે કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતના મોંઢામાં આવવાનો કોળિયો છીનવાતા જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. જો કે અત્યારે તો ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સામે આવી છે. ખેડૂતોએ પોતાના પશુઓ માટે મોટી સંખ્યામાં ઘાસચારો સંગ્રહી રાખ્યો હતો તે આ વરસાદના કારણે પલળી જવાથી તેઓ કફોડી હાલતમાં મુકાઇ ગયા છે.
હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કમોસમી માવઠું શરૂ થતાં ખેડૂતવર્ગ અને ગંજબજારમાં મુકેલ જથ્થાના માલિકોમાં દોડધામ મચી હતી. એરંડો, ડાંગર, જીરું, ચણા, મગફળી અને કપાસ અને APMC ખુલ્લામાં પડેલા ડુંગળી, મરચા સહીતની જણસીઓ પલળી જવાથી ભારે નુકશાન થયું છે. ઉત્તર ગુજરાતમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં એક જ દિવસમાં બે ઋતુનો અનુભવ રહીશોને થઇ રહ્યો છે.
વરસાદ બાગાયત અને શાકભાજીની ખેતી (Vegetables Farming) કરતા ખેડૂતો માટે સમસ્યા બની ગયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ટામેટા, કેપ્સીકમ, લીલા મરચા, કોબીજ સહિતના લીલા શાકભાજીને ભારે નુકસાન થયું છે. જેના કારણે હવે અગામી દિવસોમાં શાકભાજીના ભાવે અસામને પહોચે તો નવાઈ નહિ.