ગુજરાતમાં શિયાળાની શરૂઆત થાય તે પહેલાં જ માવઠાની શરૂઆત થઈ ગઈ છે. 26 નવેમ્બરની સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. રાજ્યમાં ભરશિયાળે માવઠાનો કહેર જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ અને સુરતમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. 61 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તાલાલામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. વંથલી, પાટણ વેરાવળમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત, કેશોદ, લોધિકામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજી આવનારા 24 કલાક રાજ્ય માટે ભારે છે અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા જણાઈ રહી છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી આપી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગો સામેલ છે.
ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. મહેસાણાના કડીમાં શિયાળામાં અષાઢ જેવો માહોલ છે. કડીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. જોટાણામાં માવઠાના પાણી રોડ પર ફરી વળ્યા છે. ભારે ગાજવીજ, તેજ પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં કરા સાથે ભારે કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટમાં બરફની ચાદર છવાઈ જતાં સર્જાયો હિમાચલ પ્રદેશ જેવો માહોલ જોવા મળ્યો.
અમદાવાદમાં પણ શિયાળાની શરૂઆતમાં માવઠું જોવા મળી રહ્યું છે. સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમેરેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ પણ થઈ ગયો છે. અત્યાર સુધી ગુજરાતમાં વાતાવરણ શુષ્ક હતું પરંતુ એકાએક હવામાનમાં પલટો આવ્યો છે.
શિયાળામાં વરસાદ થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કેમ કે હાલ ખેતરમાં મોલ ઊભો છે અને માવઠાને લીધે ભારે નુકસાન થઈ શકે છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ કેમ થયો?
ચોમાસામાં સામાન્ય રીતે બંગાળની ખાડી પરથી આવતી સિસ્ટમોને કારણે ગુજરાત સહિત દેશભરમાં વરસાદ પડે છે. ચોમાસું પૂરું થયા બાદ ઉત્તર અને પશ્ચિમ ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ ચોમાસું પૂરું થયા બાદ ખાસ કરીને ઉત્તર ભારતને વધારે અસર કરે છે પરંતુ ક્યારેક તે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને પણ અસર કરે છે.
કેટલા દિવસ સુધી વરસાદની શક્યતા?
હવામાન વિભાગના અનુસાર 26 નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં સર્જાયેલો વરસાદી માહોલ 27 નવેમ્બરના રોજ ઓછો પડવાની શરૂઆત થઈ જશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ પણ થઈ જશે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 27 નવેમ્બરના રોજ પણ વરસાદ પડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 27 તારીખથી વરસાદી ગતિવિધિમાં ઘટાડો જોવા મળશે. જ્યારે 28 નવેમ્બરની આસપાસ ગુજરાતના તમામ વિસ્તારોમાંથી વરસાદ બંધ થઈ જાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે.