Unnao Rape Case:ઉન્નાવ દુષ્કર્મ કેસ: સુપ્રીમ કોર્ટનો સ્ટે, કુલદીપ સેંગર જેલમાં જ રહેશે

0
120
Unnao Rape Case
Unnao Rape Case

Unnao Rape Case: ઉત્તર પ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી અને ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ સાથે આગામી સુનાવણી સુધી કુલદીપ સેંગરને જેલમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેસની આગામી સુનાવણી ચાર અઠવાડિયા બાદ હાથ ધરવામાં આવશે.

Unnao Rape Case: સુપ્રીમ કોર્ટ જામીન રોકવાના મૂડમાં

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જજોએ સેંગરની તરફેથી હાજર વકીલોને કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, “આડી-અવળી દલીલો છોડીને સ્ટે મુદ્દે વાત કરો. અમે હાઇકોર્ટના જામીન આદેશ પર સ્ટે આપવા તૈયાર છીએ. જો જામીન ચાલુ રાખવા માગતા હોવ તો તેના મજબૂત કારણ રજૂ કરો.”
કોર્ટના આ વલણથી સ્પષ્ટ થઈ ગયું હતું કે સેંગરને તાત્કાલિક રાહત મળવાની સંભાવના ઓછી છે.

Unnao Rape Case

Unnao Rape Case: સીબીઆઈએ કેસને ‘ભયાનક અપરાધ’ ગણાવ્યો

સીબીઆઈ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે દુષ્કર્મની ઘટના બની ત્યારે પીડિતાની ઉંમર માત્ર 15 વર્ષ હતી, એટલે આ કેસ પોક્સો એક્ટ હેઠળ પણ આવે છે. તેમણે કહ્યું કે આ એક અત્યંત ગંભીર અને જઘન્ય અપરાધ છે, જે સાબિત પણ થયો છે. તેમ છતાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા સેંગરને જામીન આપવામાં આવ્યા, જે પર સીબીઆઈએ વાંધો ઉઠાવ્યો હતો.

Unnao Rape Case: શું છે ઉન્નાવ દુષ્કર્મ કેસ?

ઉન્નાવ દુષ્કર્મ કેસ ભારતના સૌથી ચર્ચિત અને હચમચાવી દેનારા ગુનાઓમાંથી એક ગણાય છે. 2017માં ઉન્નાવ જિલ્લાના બાંગરમઉ વિસ્તારની એક સગીરાએ તત્કાલીન ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર નોકરી અપાવવાના બહાને સામૂહિક બળાત્કારનો આરોપ મૂક્યો હતો.

પીડિતાનો સંઘર્ષ અને સિસ્ટમ સામે લડાઈ

Unnao Rape Case

પીડિતાએ જ્યારે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો ત્યારે તેને અને તેના પરિવારને પોલીસ અને પ્રશાસન તરફથી દબાણ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો. એપ્રિલ 2018માં પીડિતાએ લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ કેસ દેશભરમાં ચર્ચામાં આવ્યો. થોડા સમય બાદ પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું.

અકસ્માત’ બાદ સુપ્રીમ કોર્ટની દખલ

જુલાઈ 2019માં પીડિતા, તેના વકીલ અને પરિવારજનો સાથે થયેલા માર્ગ અકસ્માતમાં તેના બે નજીકના સંબંધીઓના મોત થયા હતા. આ ઘટનાને લઈને દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કેસને ઉત્તર પ્રદેશમાંથી દિલ્હી ટ્રાન્સફર કરી સીબીઆઈને તપાસ સોંપી હતી.

સજા અને હાલની સ્થિતિ

ડિસેમ્બર 2019માં દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સિંહ સેંગરને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ કેસમાં પણ તેને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, ડિસેમ્બર 2025માં દિલ્હી હાઈકોર્ટે સેંગરને શરતી જામીન આપ્યા હતા, જેને લઈને ભારે રાજકીય અને સામાજિક વિરોધ થયો હતો.

હાલ સુપ્રીમ કોર્ટના તાજા સ્ટે બાદ કુલદીપ સેંગરની મુક્તિ પર ફરીથી બ્રેક લાગી છે અને કેસ એકવાર ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

આ પણ વાંચો :Aravalli Case:પર્યાવરણપ્રેમીઓની જીત! અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો અગાઉના આદેશ પર બ્રેક