Delhi DTC Bus : શનિવારે દિલ્હીના રોહિણી વિસ્તારમાં ડીટીસી (DTC) બસ નિયંત્રણની બહાર નીકળી ગઈ હતી અને અનેક વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક 30 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. બસ ચાલકને પોલીસે કસ્ટડીમાં લીધો છે.
દિલ્હીના રોહિણીમાં તેજ ગતિએ જઈ રહેલી ડીટીસી (DTC) બસ અચાનક બેકાબૂ થઈ ગઈ હતી. બસ રોડ પર આગળ વધી રહેલા વાહનોને ટક્કર મારી અને પછી રોડની બાજુમાં પાર્ક કરેલા સ્કૂટરને ટક્કર માર્યા બાદ થંભી ગઈ.

તે દરમિયાન અચાનક થયેલા આ અકસ્માતથી પસાર થતા લોકો અને રોડ કિનારે ઉભેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. બસની (DTC) ટક્કરથી બચવા લોકો રસ્તા પરથી ભાગતા જોવા મળ્યા હતા.
એવું કહેવાય છે કે ડીટીસી (DTC) ઇલેક્ટ્રિક બસનું સંતુલન ગુમાવવાને કારણે અકસ્માત થયો. જોકે પ્રાથમિક રીતે જોતા બસની બ્રેક ફેઈલ થવાની સંભાવના છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની હાલત નાજુક છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગયા મહિને પૂર્વ દિલ્હીમાં ડીટીસી બસે બે ઈ-રિક્ષા અને એક ફળ વિક્રેતાને ટક્કર મારી હતી. જેના કારણે એક 36 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. બસ ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો અને બાદમાં પોલીસે તેની ધરપકડ કરી.
પ્રાપ્ત માહિતીનુસાર આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘાયલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના સમયે બસના ચાલકને અચાનક એપીલેપ્ટીક એટેક (વાઈ/ખેંચ) આવ્યો હતો જેના કારણે તેણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને મોટો અકસ્માત સર્જાયો હતો.