Tuberculosis in Gujarat: ટ્યુબરક્યુલોસિસ (Tuberculosis) અથવા ટીબીને નાથવાની તમામ કોશિશો કેન્દ્ર સરકાર કરી રહી છે. ભારત સહિત વિશ્વને ટીબીમુક્ત કરવાના પ્રયાસો વૈશ્વિક સ્તરે પણ થઈ રહ્યા છે, પરંતુ હકીકત કંઈક અલગ છે.
ફેફસાંને અસર કરતો આ રોગ વધુ વકરી રહ્યો છે. ટીબી (Tuberculosis)નો ઈલાજ શક્ય છે અને તેને અટકાવી શકાય તેવું છે, આ બીમારી એક ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે.
આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે વિધિવત ડેટા જાહેર કરવામાં આવ્યા છે જેમા તબીબોના કહેવા પ્રમાણે ટીબીના દર્દીની સારવાર દરમિયાન પૌષ્ટીક આહાર ખુબજ આવશ્યક હોય છે. ટીબી માઈક્રોબેક્ટેરીયમ ટ્યુબરક્યુલોસિસ (Tuberculosis) નામના બેક્ટેરીયાના કારણે ફેલાય છે.
2018માં ભારતે 2025 સુધીમાં પલ્મનરી ટ્યુબરક્યુલૉસિસ (ટીબી) નાબૂદ કરવાનું ઉચ્ચ લક્ષ્ય નક્કી કર્યું હતું. જે સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસનાં લક્ષ્યો દ્વારા નિર્ધારિત સમયમર્યાદાથી પાંચ વર્ષ વહેલું છે.
માર્ચ-2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી શહેરમાં આયોજિત ‘વન વર્લ્ડ ટીબી સમિટ’માં આ બાબતે કટિબદ્ધતા દર્શાવી હતી.
પરંતુ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)નો ગ્લોબલ ટ્યુબરક્યુલૉસિસ રિપોર્ટ અલગ ચિત્ર રજૂ કરે છે. ભારતમાં દર બે મિનિટે એક વ્યક્તિ આ રોગથી મૃત્યુ પામે છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં 2022માં 10.6 મિલિયન લોકોમાંથી 27 ટકા લોકોમાં આ રોગનું નિદાન થયું હતું. જેમાં સૌથી વધુ વૈશ્વિક ટીબીના દર્દીઓ મામલે ભારત પહેલા ક્રમે હતું.
TB થી ગુજરાતમાં વર્ષ 2024ના જાન્યુઆરીથી જૂન સુધીના મહિનામાં 2784 દર્દીઓના ટીબીના કારણે મોત
રોજના 15થી 16 દરદી ટીબીને લીધે જીવ ગુમાવે છે
ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ની ઘાતકતા જાણે ઘટવાનું નામ જ લઈ રહી નથી. વર્ષ 2019થી જૂન 2024માં 34,834 વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા છે. આ વર્ષે જ 2784 વ્યક્તિએ ટીબી સામે જીવ ગુમાવ્યો છે. આમ, આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે સર્રેરાશ 15થી વધુ વ્યક્તિ ટીબી સામે જીવ ગુમાવે છે.
6 વર્ષમાં 34 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
હવે 1 જાન્યુઆરી 2019થી જૂન 2024 સુધીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કુલ 5.05 લાખથી વધુ લોકો ટીબીની ઝપેટમાં આવેલા છે. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 2019થી 2023માં મલેરિયાથી માત્ર બે, 2019થી 2023 દરમિયાન ડેન્ગ્યુથી 47, ટાઇફોઇડથી 17 જ્યારે ન્યુમોનિયાથી ચાર વ્યક્તિના મૃત્યુ થયેલા છે.
ગુજરાતમાં Tuberculosis થી સૌથી વધુ મૃત્યુ વર્ષ 2020માં
ગુજરાતમાં ટીબીથી સૌથી વધુ 6780 મૃત્યુ વર્ષ 2020માં થયા હતા. આ સિવાય 2019 થી 2023માં પાંચ હજારથી વધુ લોકોએ ટીબી સામે જીવ ગુમાવ્યો છે. 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધી ગુજરાતમાં ટીબીના 73,211 કેસ નોંધાયેલા છે. જેમાં 48,645 કેસ સરકારી હોસ્પિટલમાં જ્યારે 24,566 કેસ ખાનગી હોસ્પિટલમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
સૌથી વધુ કેસ ટીબીના કેસ ઉત્તર પ્રદેશમાં
આ વર્ષે જે રાજ્યમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાય હોય તેમાં ઉત્તર પ્રદેશ 3.44 લાખ દર્દીઓ સાથે મોખરે છે. આ વર્ષે જૂન સુધી જે રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મહારાષ્ટ્ર 1.14 લાખ સાથે બીજા, બિહાર 1.01 લાખ સાથે ત્રીજા, મધ્ય પ્રદેશ 92,892 સાથે ચોથા સ્થાને છે.
ગુજરાતમાં વર્ષ 2023માં સરકારી હોસ્પિટલમાં 91,731 અને ખાનગી હોસ્પિટલમાં 49,797 એમ કુલ 1,41,258 કેસ નોંધાયા હતા. ગુજરાત આ લિસ્ટમાં પાંચમાં નંબર પર છે.
TB ને નાબૂદ કરવા સરકારે ઘણી મહેનત કરવી પડશે
કૉંગ્રેસ સાશિત કેન્દ્ર સરકારે DOT નામનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો જે દરદીઓને મફતમાં સારવાર અને દવાઓ આપવા માટે હતો. આ પ્રોગ્રામની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ. ત્યારબાદ નક્ષય-મિત્ર નામનો કાર્યક્રમ મોદી સરકારે શરૂ કર્યો. જેમાં ટીબીના દરદીને પૌષ્ટિક આહાર આપવા માટે દાનવીરો આગળ આવ્યા. આ પ્રોગ્રામે પણ સારો પ્રતિસાદ મેળવ્યો છે, પરંતુ ટીબીના રોગને નાબૂદ કરવા હજુ સરકારે ઘણી મહેનત કરવી પડશે.
2019થી વૈજ્ઞાનિકો સાત સંશોધન કેન્દ્રોમાં બે રસીઓનું પરીક્ષણ કરી રહ્યા છે. પરંતુ ટીબીની રસી વિકસાવવી એટલી સરળ નથી.
કૅનેડાના મૅકગિલ યુનિવર્સિટી હેલ્થ સેન્ટરના ચેપી રોગ વિભાગના ડિરેક્ટર ડૉ. માર્સેલ બેહર કહે છે, “આપણે એ જાણતા નથી કે રસી કેમ જોઈએ છે. જ્યાં સુધી આપણી પાસે એ વાતની મૂળભૂત સમજણ નથી કે માનવો ટ્યુબરકલ બેસિલસ [ટીબી બૅક્ટેરિયા] નો પ્રતિકાર કેવી રીતે કરે છે કે નથી કરતા, ત્યાં સુધી રસી બનાવવી મુશ્કેલ છે.”
જેનો અર્થ એ થયો કે અત્યાર સુધી ટીબીની રસી ઍન્ટિબોડીઝ, ઍન્ટિજન-વિશેષ ટી-સેલ્સ (વિશિષ્ટ બૅક્ટેરિયાના ભાગો દ્વારા પેદા થતા લડાયક કોષો) પ્રેરે છે કે ટીબી સામે રક્ષણ માટે જન્મજાત રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
કોનો ચેપ દૂર થાય છે અને કોનો નથી થતો તે જાણવા માટે દર્દીનું સતત મૉનિટરિંગ કરવું મુશ્કેલ છે કેમ કે, ટેસ્ટ આ પરિણામો વચ્ચે તફાવત કરી શકતો નથી. પરંતુ સરકાર સમર્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વૈજ્ઞાનિકો બરાબર આ જ કામનો પ્રયાસ કરી રહ્યા છે. ચાર વર્ષથી ટીબીનાં દર્દીઓનાં ઘરેલુ સંપર્કમાં રહેતા લોકોનું નિરીક્ષણ કરીને તે નક્કી કરવાની કોશિશ કરી રહ્યા છે.
ટીબી વિશેની મહત્ત્વની જાણકારી
- બૅક્ટેરિયલ ચેપ ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંકમાંથી નીકળેલાં નાના ટીપાં શ્વાસમાં લેવાથી ચેપ ફેલાય છે
- મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે પરંતુ તે શરીરના કોઈપણ ભાગને અસર કરી શકે છે
- ટીબી થવાની શક્યતા – ટીબીનું જોખમ ચેપગ્રસ્ત વ્યક્તિના નજીકના સંપર્કમાં ઘણા કલાકો પસાર કરવાથી વધી જાય છે અને જો સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ છે
- જો યોગ્ય ઍન્ટિબાયૉટિક્સ સાથે સારવાર કરવામાં આવે તો તે સાજા થઈ શકે છે
- સૌથી સામાન્ય લક્ષણો ત્રણ અઠવાડિયાંથી વધુ સમય સુધી સતત ઉધરસ, વજનમાં અસ્પષ્ટ ઘટાડો, તાવ અને રાત્રે પરસેવો છે.
- BCG રસી બાળકોમાં ટીબી સામે આંશિક રક્ષણ આપે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો