Tragedy in Anand: આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીકથી વહેતી મહીસાગર નદીમાં આજે રવિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. રજાના દિવસે નદીમાં નહાવા ગયેલા આણંદ વેટરનરી કોલેજના ચાર વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં ડૂબ્યા હતા. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજતા સમગ્ર કોલેજ કેમ્પસ અને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Tragedy in Anand: નહાતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા ચાર મિત્રો રવિવારની રજા હોવાથી મહીસાગર નદીના કિનારે ફરવા અને નહાવા માટે ગયા હતા. નદીમાં નહાતી વખતે પાણીના ઊંડાણ અને પ્રવાહનો અંદાજ ન આવતા ચારેય યુવાનો અચાનક ડૂબવા લાગ્યા હતા અને બચવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી.
Tragedy in Anand: સ્થાનિકોની સમયસૂચકતા: બે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
યુવાનોની બૂમો સાંભળીને આસપાસના સ્થાનિકો અને તરવૈયાઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ તરવૈયાઓએ બે વિદ્યાર્થીઓને જીવતા બહાર કાઢી લીધા હતા, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, કમનસીબે અન્ય બે વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
Tragedy in Anand: શોધખોળ બાદ બે મૃતદેહ મળ્યા
ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટી તંત્ર પણ દોડી આવ્યું હતું. લાંબી શોધખોળ બાદ પાણીમાં ડૂબી ગયેલા બંને વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક યુવાનો વેટરનરી કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર વાયુવેગે કોલેજમાં પહોંચતા મિત્રો અને સ્ટાફમાં ગમગીની છવાઈ ગઈ હતી.
પોલીસ કાર્યવાહી
સ્થાનિક પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ‘અકસ્માતે મોત’નો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અવારનવાર મહીસાગર નદીમાં અજાણ્યા પાણીમાં નહાવા પડતા યુવાનો જીવ ગુમાવતા હોય છે, છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




