રાહુલ ગાંધી ‘મોદી સરનેમ’ માનહાનિ કેસ અંગે હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. જેને લઈને રાહુલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે હવે મંગળવારે સુનાવણી હાથ ધરાશે. આ અંગે થયેલી સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલ અભિષેક મનુ સિંધવીએ દલીલ કરતા કહ્યું હતું કે, “આ કોઈ ગંભીર ગુનો નથી કે માફી ન આપી શકાય. અમે કન્વીક્શન પર સ્ટેની માગ કરી રહ્યાં છીએ. નોન આઇડેન્ટિફાય કેસમાં આવી ફરિયાદ દાખલ ન થઈ શકે. નિવેદનમાં જે વ્યક્તિનું નામ નથી લેવાયું તેમણે ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી લોક પ્રતિનિધિ અને સાંસદ પણ છે. ઈલેક્શન કમિશન ચૂંટણી જાહેર કરી દેશે તો કોર્ટ તે નિર્ણયને કેવી રીતે પરત ખેંચાવી શકશે? દેશમાં 13 કરોડ મોદી છે, કેમ કોઈએ ફરિયાદ કરી નહીં? આવા કેસોમાં કન્વિક્શન પર 3થી 6 મહિનાની સજા હોઈ શકે. આટલી મોટી સજા ન હોય. સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે.”