Manipur: મંગળવારે સવારે મણિપુરના તેંગનોપલમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ પોલીસ કમાન્ડોની એક ટીમને વધારાના સુરક્ષા દળ તરીકે સરહદી શહેરમાં મોકલવામાં આવી હતી, પરંતુ રસ્તામાં ઘાત લાગવીને બેઠેલા વિદ્રોહીઓએ સુરક્ષા દળ ઓચિંતો હુમલો કર્યો. પોલીસે જણાવ્યું કે તેંગનોપલ જિલ્લાથી 10 કિમી દૂર થયેલા હુમલામાં ઘણા કમાન્ડો ઘાયલ થયા હતા.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે આસામ રાઈફલ્સના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસ કમાન્ડોને બચાવ્યા. ઘણા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારી ચિંગથમ આનંદને આજે શંકાસ્પદ આતંકવાદીઓએ સ્નાઈપર વડે ગોળી મારીને હત્યા કરી દીધી હતી, તેઓ ભારત-મ્યાનમાર સરહદ પરના તેંગનોપલના મોરેહ શહેરમાં હેલિપેડના નિર્માણનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે તેઓની હત્યા કરવામાં આવી. ઘટના સ્થળ રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ 115 કિમી દૂર છે.
મણિપુર (Manipur) પોલીસે અધિકારીની હત્યા કરનાર શંકાસ્પદ બળવાખોર સ્નાઈપરને મારવા માટે ઓપરેશન શરૂ કર્યા બાદ કમાન્ડો દળોને મોરેહમાં મોકલ્યા હતા. પોલીસ અધિકારી પર ઓચિંતો હુમલો થતાં જ્ઞાતિ હિંસાગ્રસ્ત મણિપુરમાં સુરક્ષા દળો અને બળવાખોરો વચ્ચેની દુશ્મનાવટમાં વધારો થયો છે.
3 મેની હિંસા બાદ મણિપુર પોલીસ કમાન્ડોની એક નાની ટુકડી મોરેહમાં તૈનાત છે, જેને વધુ મજબૂત કરવામાં આવી રહી છે. જો કે, બળવાખોરો દ્વારા રસ્તાઓ અવરોધિત કરવાના કારણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને પોલીસ કર્મચારીઓને સરહદી શહેરમાં મોકલવાનું સરળ નથી. આથી મોટા હેલીપેડની જરૂરિયાત જણાઇ હતી અને તેથી તે બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું
નવા હેલિપેડનું નિર્માણ રાજ્ય અને BSF દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. મોરેહમાં આ ત્રીજું હેલિપેડ હશે, અન્ય બે હેલિપેડ આસામ રાઈફલ્સ હેઠળ છે, જેનું ઓપરેશનલ કંટ્રોલ (સંચાલન) આર્મી પાસે છે.
રાજ્ય દળો અને BSF પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને મણિપુર (Manipur) ના અન્ય ભાગોમાંથી મોરેહ સુધી પહોંચાડવા માટે એક નવું હેલિપેડ બનાવી રહ્યા છે. મોરેહમાં ઘણા સ્થળોએ બળવાખોરો દ્વારા રસ્તાઓ બ્લોક કરવાનું અને ઓચિંતો હુમલો કરવાનું જોખમ વધારે છે. સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓ નવા હેલિપેડને કાર્યરત થતા રોકવા માંગે છે.
કુકી સમાજ જૂથનો પ્રતિભાવ :
કુકી નાગરિક સમાજ જૂથોએ મોરેહમાં પોલીસ મોકલવા અને કુકી નાગરિકો સામે અંધાધૂંધ અભિયાન ચલાવવાનો પ્રયાસ કરવા બદલ મણિપુર (Manipur) સરકારની સખત નિંદા કરી છે. નાગરિક સમાજ જૂથ કુકી ઈન્પીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કુકી ઈન્પી મણિપુરે લઘુમતી કુકી-ઝો સમુદાય સામે કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે મોરેહમાંથી પોલીસ કમાન્ડોને પાછા ખેંચવા માટે ભારત સરકારને વારંવાર અપીલ કરી છે.”
કુકી જૂથ ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ એક નિવેદનમાં મણિપુરના મુખ્ય પ્રધાન બિરેન સિંહની ટીકા કરી હતી, તેમણે દાવો કર્યો હતો કે પોલીસ મૃત્યુના બે કેસોમાં સારવારમાં અસમાનતા છે.