Surat RFO Sonal Solanki Death: સુરત જિલ્લાના કામરેજ નજીક મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકીના ગોળીબારના મામલામાં દુઃખદ અંત આવ્યો છે. ગંભીર રીતે ઘાયલ થયેલા સોનલ સોલંકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે કરૂણ અવસાન થયું છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં શોક અને આક્રોશની લાગણી ફેલાવી છે.

ગત 6 નવેમ્બરે કામરેજ નજીક સોનલ સોલંકી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ ઘટના અકસ્માત હોવાનું દર્શાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ પોલીસ તપાસમાં આ મામલો અકસ્માત નહીં પરંતુ પૂર્વયોજિત હત્યાનો પ્રયાસ હોવાનું બહાર આવ્યું હતું. ગોળી વાગ્યા બાદ તેમને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
Surat RFO Sonal Solanki Death: પારિવારિક વિખવાદમાંથી હત્યાનું કાવતરું
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પારિવારિક વિખવાદના કારણે સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામીએ પોતાની જ પત્નીની હત્યાનું કાવતરું રચ્યું હતું. આ માટે તેણે પોતાના મિત્રને સોપારી આપી હતી. ઘટના સમયે આરોપી પતિ નિકુંજ ગોસ્વામી ઘટનાસ્થળથી માત્ર પાંચ કિલોમીટર દૂર હાજર હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

Surat RFO Sonal Solanki Death: શૂટર મહારાષ્ટ્રથી ઝડપાયો
ગોળીબાર કર્યા બાદ આરોપી શૂટર ઈશ્વર ગોસ્વામી ફરાર થઈ મહારાષ્ટ્રના ભીમાશંકર તરફ ભાગી ગયો હતો. પોલીસે ટેકનિકલ પુરાવા અને માહિતીના આધારે ત્યાંથી તેની ધરપકડ કરી છે. સમગ્ર મામલાની તપાસ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લેવામાં આવી હતી, જેમાં ફાયરિંગની પુષ્ટિ થઈ હતી.
પતિની ધરપકડ, આત્મસમર્પણ અરજી ફગાવાઈ
મહિલા RFOના મૃત્યુ બાદ પોલીસે મુખ્ય આરોપી પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. નોંધપાત્ર છે કે આરોપી નિકુંજે અગાઉ સુરતની કઠોર કોર્ટમાં આત્મસમર્પણ માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

વિભાગ અને સમાજમાં શોકની લાગણી
સોનલ સોલંકી એક જવાબદાર અને ફરજપરાયણ અધિકારી તરીકે ઓળખાતી હતી. તેમના અચાનક અને કરૂણ અવસાનથી વન વિભાગ સહિત સમગ્ર પ્રશાસન અને સમાજમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો :Liquor Made Easy in GIFT City:ગુજરાતમાં પહેલીવાર: GIFT Cityમાં દારૂ સેવન માટે મોટી રાહત

