Surat News: સુરત શહેરમાં નશાના વેપારને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ શોપિંગ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ‘હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન (MD)’ ડ્રગ્સ ફેક્ટરીને સુરત SOGએ ઝડપી લીધી છે. આ કેસમાં આંતરરાષ્ટ્રીય ‘લંડન કનેક્શન’ ખુલતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.
Surat News: અમરોલીથી ડ્રગ્સ સાથે પકડાયેલા યુવકની કબૂલાતથી ખુલ્યો ભેદ

આ સમગ્ર પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી, 2026ના રોજ થઈ હતી. SOGએ અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભુપતભાઈ ઠુમ્મરને 236.780 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. કડક પૂછપરછ દરમિયાન જીલે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સ બહારના રાજ્યમાંથી નહીં, પરંતુ સુરત શહેરની અંદર જ તૈયાર કરવામાં આવ્યું છે.
Surat News: ફૂડ ટેસ્ટિંગ લેબ નહીં, ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ
જીલની માહિતીના આધારે SOGની ટીમે તપાસનો વ્યાપ વધાર્યો અને પર્વત પાટિયા–વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારીસ શોપિંગ સેન્ટર સુધી પહોંચી. અહીં ‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરી’માં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા.
લેબની અંદર તપાસ કરતા આધુનિક મશીનરી, કેમિકલ્સ અને ડ્રગ્સ બનાવવાના સાધનો મળી આવ્યા હતા. ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવતી ફેક્ટરી હોવાનું સાબિત થયું.

Surat News: લંડનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડનું નેટવર્ક
પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે આ સમગ્ર ડ્રગ્સ રેકેટનો અસલી માસ્ટરમાઇન્ડ લંડનમાં બેસીને કામ કરી રહ્યો છે. લંડનથી આ લેબ માટે ફાઇનાન્શિયલ મદદ અને ડ્રગ્સ તૈયાર કરવાની ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવતું હતું. વિદેશમાં બેસીને સુરતના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું સામે આવ્યું છે.
લેબ ટેક્નિશિયન સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
પોલીસે આ મામલે મુખ્ય આરોપી અને સિનિયર લેબ ટેક્નિશિયન બ્રીજેશ વ્રજલાલ ભાલોડીયા (ઉંમર 28)ની ધરપકડ કરી છે. તેની સાથે ડ્રગ્સ સપ્લાયર ખુશાલ વલ્લભભાઈ રાણપરિયા (ઉંમર 27) અને ભરતભાઈ ઉર્ફે ભાણો દામજીભાઈ લાઠીયા (ઉંમર 32)ને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
બ્રીજેશ પોતાની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન બનાવતો હતો, જે લંડન સ્થિત હેન્ડલરના ઇશારે માર્કેટમાં સપ્લાય થતું હતું.
લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડ્રગ્સ જપ્ત

દરોડા દરમિયાન લેબમાંથી મોટી માત્રામાં જ્વલનશીલ કેમિકલ્સ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં 200 ML મિક્સ કેમિકલ, HB કેમિકલ, H2SO4, મિથાઈલ એમાઈન, Vacuum Oven, Vacuum Pump, Overhead Stirrer અને ડિજિટલ વેઇંગ મશીનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત 16.950 ગ્રામ તૈયાર મેફેડ્રોન ડ્રગ્સ (કિંમત ₹50,850) સહિત કુલ ₹2,92,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી, વધુ ખુલાસાની શક્યતા
હાલમાં તમામ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લંડનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસે 3 મોબાઈલ ફોન (કિંમત ₹1.15 લાખ) સહિતના ડિજિટલ પુરાવાઓની તપાસ શરૂ કરી છે.
આ કેસે સુરત શહેરમાં નશાના નેટવર્કની ગંભીરતા ફરી એકવાર ઉજાગર કરી છે અને પોલીસ દ્વારા વધુ મોટા ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




