Surat news:સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા એક આવાસમાં બુધવારે સવારે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પાંચ વર્ષના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, માતા-પુત્ર નીચે પાર્ક કરેલી કાર પર પડી ગયા હતા. બાળકના માથા અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે મહિલા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. કારને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.
Surat news: માતાની હાલત નાજુક, પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતા જ અલથાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અલથાણ પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે, સવારે અંદાજે 10:30 વાગ્યાની આસપાસ સુમન અમૃત આવાસ (ભટાર ચોકી વિસ્તાર) ખાતે આ બનાવ બન્યો છે. આશરે 30 વર્ષની મહિલાએ પોતાના બાળક સાથે 14મા માળેથી કૂદકો માર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાળકનું અવસાન થયું છે અને મહિલાની હાલત હાલ ગંભીર છે.

Surat news: આવાસમાં મહિલાની ઓળખ નથી
પોલીસના જણાવ્યા અનુસાર, હાલ સુધી મહિલા અને બાળકની ઓળખ થઈ શકી નથી. આવાસમાં રહેતા લોકોએ પણ જણાવ્યું છે કે તેઓ મહિલાને ઓળખતા નથી. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલા તાજેતરમાં ત્યાં રહેવા આવી હોય અથવા બહારથી આ બિલ્ડિંગમાં આવી હોય.

Surat news: આત્મહત્યાના પ્રયાસની આશંકા
પ્રાથમિક તપાસમાં બનાવ આત્મહત્યાના પ્રયાસનો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ સાધનોના આધારે તપાસ કરી રહી છે. મહિલાએ આ ગંભીર પગલું કયા કારણસર ભર્યું તેની તપાસ ચાલુ છે.

આ ચકચારી ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો.
Aravalli:અરવલ્લીમાં નવી માઇનિંગ લીઝ પર સંપૂર્ણ પ્રતિબંધ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય




