Surat Crime News:અમદાવાદમાં બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયાના ગણતરીના દિવસોમાં જ હવે સુરત ક્રાઈમ બ્રાંચે એક મોટી સફળતા મેળવી છે. મહારાષ્ટ્રથી માત્ર 10 દિવસની માસૂમ બાળકીને લાવી સુરતમાં અઢી લાખ રૂપિયામાં વેચવાનો કારસો પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. આ કેસમાં પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી બાળકીને સુરક્ષિત બચાવી લીધી છે.
Surat Crime News: ગુપ્ત બાતમીના આધારે ફ્લેટમાં દરોડો

ક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર જાડેજા અને પીએસઆઈ પઢિયારની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વેડરોડ વિસ્તારની વિશ્રામનગર સોસાયટીમાં આવેલ રાંદલ પાર્ક એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બે મહિલાઓ નવજાત બાળકીને વેચવા માટે ગ્રાહકની શોધમાં છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી તપાસ કરતા ત્યાંથી 10 દિવસની બાળકી મળી આવી હતી.
Surat Crime News: મોબાઈલ પર ફોટા મોકલી થતો હતો સોદો
તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મહિલાઓ બાળકીના ફોટા પાડી સંભવિત ગ્રાહકોને મોબાઈલ પર મોકલતી હતી. બાળકીનો સોદો ₹2 થી ₹2.5 લાખમાં નક્કી કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલી મહિલાઓની ઓળખ નીચે મુજબ છે:
- અંજલીબેન નિર્મલભાઈ મિશ્રા (39 વર્ષ): મૂળ ઉત્તર પ્રદેશની વતની અને હાલ ચોકબજારમાં રહે છે.
- લક્ષ્મીબેન બાલાજી સોનવણે (44 વર્ષ): મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગરની વતની અને હાલ જહાંગીરપુરામાં રહે છે.
Surat Crime News: બાળકી પોતાની હોવાનો ખોટો દાવો કર્યો

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી મહિલા અંજલીએ શરૂઆતમાં બાળકી પોતાની હોવાનું કહી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંજલીને પહેલેથી જ 22 અને 16 વર્ષના બે પુત્રો છે. હોસ્પિટલના કોઈ પણ દસ્તાવેજો કે જન્મના પુરાવા ન મળતા મહિલાનો ભાંડો ફૂટી ગયો હતો. આખરે કબૂલાત કરી હતી કે તેઓ મહારાષ્ટ્રના સંભાજીનગર (ઔરંગાબાદ) થી આ બાળકીને વેચવા માટે લાવ્યા હતા.
પોલીસ તપાસનો ધમધમાટ
ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, આ મહિલાઓ અગાઉ પાડોશમાં રહેતી હોવાથી મિત્રતા ધરાવતી હતી. તેઓ ઓનલાઇન ટ્રેડિંગ સાથે પણ જોડાયેલી છે. હાલ પોલીસ નીચેના મુદ્દાઓ પર તપાસ કરી રહી છે:
- બાળકીને મહારાષ્ટ્રમાં કોની પાસેથી લાવવામાં આવી?
- શું આ પહેલા પણ કોઈ બાળકોનો સોદો કરવામાં આવ્યો છે?
- બાળકીને ખરીદવા માંગતા 2-3 ગ્રાહકો કોણ હતા અને તેમણે પોલીસને જાણ કેમ ન કરી?
નોંધ: હાલ બાળકી સુરક્ષિત છે અને પોલીસ આંતરરાજ્ય બાળ તસ્કરીના નેટવર્કને તોડી પાડવા માટે મહારાષ્ટ્રમાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો :મતદાર યાદી સુધારણા પૂર્ણ: ગુજરાતમાં SIR ઝુંબેશ હેઠળ 14.70 લાખ દાવા-વાંધા નોંધાયા




