Subhash Bridge News: અમદાવાદ: સુભાષબ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજનું રિપેરિંગ કરી મજબૂતીકરણ

0
111
Subhash Bridge
Subhash Bridge

Subhash Bridge News: અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ સુભાષબ્રિજને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) મોટો નિર્ણય લીધો છે. સાબરમતી નદી પર આવેલા આ બ્રિજને વધુ પહોળો અને મજબૂત બનાવવા માટે અંદાજે ₹250 કરોડના ખર્ચે વિસ્તરણ અને રિસ્ટોરેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

Subhash Bridge News

AMC દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, હાલના બ્રિજની બંને બાજુ નવી લેન સાથે નવા બ્રિજ બનાવવામાં આવશે, જ્યારે હાલના બ્રિજને સંપૂર્ણ રીતે રિપેર કરી મજબૂત બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવા 7 પિલરનું નિર્માણ, જૂના પિલરનું સ્ટ્રેન્ધનીંગ, તેમજ બ્રિજના સુપર સ્ટ્રક્ચરનું ડિમોલિશન કરીને સંપૂર્ણ રિસ્ટોરેશન કરવામાં આવશે.

Subhash Bridge News: બંને તરફ બે-બે લેનનો વધારો

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ મુખ્ય બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે હાલના બ્રિજની બંને બાજુએ બે-બે નવી લેન ઉમેરવામાં આવશે. આ કામ પૂર્ણ થયા બાદ વાહનચાલકોને કુલ 36 મીટર પહોળો રસ્તો મળશે, જેના કારણે પીક અવર્સ દરમિયાન થતા ટ્રાફિક જામમાં નોંધપાત્ર રાહત મળશે.

Subhash Bridge News

Subhash Bridge News: 9 મહિનામાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

AMC તંત્ર દ્વારા આગામી સોમવારે આ પ્રોજેક્ટ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવશે. તંત્રનો દાવો છે કે કામ શરૂ થયા બાદ માત્ર 9 મહિનામાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે, જેથી નાગરિકોને વહેલી તકે સુવિધા મળી શકે.

Subhash Bridge News: AI અને જર્મન ટેક્નોલોજીથી કરવામાં આવી તપાસ

તાજેતરમાં સુભાષબ્રિજ પર તિરાડો પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના સામે આવતા સલામતીના કારણોસર બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ AMC દ્વારા AI અને જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હાઈટેક સર્વે કરાવવામાં આવ્યો હતો. નિષ્ણાત એજન્સીઓના પ્રાથમિક અહેવાલના આધારે આજની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.

Subhash Bridge News

નિષ્ણાતોએ સૂચવ્યા ત્રણ વિકલ્પ

બ્રિજ નિષ્ણાતો અને એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓએ AMCને ત્રણ મહત્વના વિકલ્પો સૂચવ્યા હતા—

  1. સમગ્ર બ્રિજ તોડી નવો બનાવવો
  2. નબળા સ્પાન નીચે વધારાનો પિલર ઉભો કરવો
  3. હાલનું સ્ટ્રક્ચર હટાવી સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર કરવું

નિષ્ણાતોના મતે 50 વર્ષ જૂના આ બ્રિજને તોડી નવો બનાવવો એ લાંબા ગાળાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જોકે, તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને AMCએ હાલના બ્રિજને રિપેર કરીને બંને બાજુ નવા બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.

👉 આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદના ટ્રાફિક સિસ્ટમમાં મોટો ફેરફાર જોવા મળશે અને નાગરિકોને લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે.

આ પણ વાંચો :Gujarat Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઈગર સ્ટેટ’ જાહેર ભારતમાં સિંહ, વાઘ અને દીપડો ધરાવતું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત