Silver Price Crash Reason :શુક્રવારનો દિવસ બુલિયન માર્કેટ માટે જાણે ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો. સતત તેજી વચ્ચે રહેલા સોના અને ચાંદીની કિંમતોમાં એકાએક ભયંકર કડાકો બોલાયો. ચાંદીમાં એક જ દિવસે લગભગ ₹1,07,971નો ઘટાડો થયો, જ્યારે સોનાની કિંમતમાં ₹33,000થી વધુનો ક્રેશ નોંધાયો. આ ઘટાડાએ 2008ની વૈશ્વિક મંદી દરમિયાન આવેલા ભાવઘટાડાના રેકોર્ડને પણ પાછળ છોડ્યા છે.
Silver Price Crash Reason : સોના-ચાંદીમાં તેજી કેમ હતી?

છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી હતી, તેના પાછળ અનેક કારણો જવાબદાર હતા.
ચાંદીનો ઉપયોગ આજે માત્ર આભૂષણ સુધી સીમિત નથી. ઇલેક્ટ્રિક વાહન, સોલર પેનલ, બેટરી, સર્કિટ બોર્ડ અને મેડિકલ ડિવાઈસમાં વધતા ઉપયોગને કારણે તેની માંગ ઝડપથી વધી છે. બીજી તરફ, સપ્લાય મર્યાદિત રહેતા ભાવ ઉપર જતાં રહ્યા.
આ ઉપરાંત અમેરિકા અને અન્ય દેશો વચ્ચેની ટેરિફ ટેન્શન, રશિયા-યુક્રેન યુદ્ધ અને પૂર્વ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ઈરાન પર હુમલાની ધમકીઓએ વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવ વધાર્યો હતો. આવી સ્થિતિમાં અનેક દેશો અને રોકાણકારોએ સોના-ચાંદીને સલામત રોકાણ તરીકે પસંદ કર્યું.
ડોલર અને શેરબજારમાં વધતી અનિશ્ચિતતાને કારણે પણ રોકાણકારો હાર્ડ એસેટ તરફ વળ્યા હતા. સોનાની તુલનામાં સસ્તું હોવાથી ચાંદી નાના રોકાણકારોની પણ પસંદગી બની હતી.
Silver Price Crash Reason : હવે કડાકો કેમ બોલાયો?
લાંબી તેજી બાદ બજારમાં એકાએક મોટા પાયે પ્રોફિટ બુકિંગ શરૂ થયું, જેના કારણે ભાવોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો.
મોટું કારણ એ છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કેવિન વોશને ફેડરલ રિઝર્વના આગામી પ્રમુખ બનાવવાની જાહેરાત કરી છે. ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની સંભાવનાને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાંથી નાણાં પાછા ખેંચવાનું શરૂ કર્યું.
ચાંદી પહેલેથી જ ₹4 લાખનો ઐતિહાસિક સ્તર પાર કરી ચૂકી હતી, જેના કારણે નફાખોરી સ્વાભાવિક બની ગઈ.
આ સાથે જ, અમેરિકામાં સંભવિત શટડાઉન ટળતાં ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સમજૂતી થઈ, જેના પરિણામે ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો આવ્યો અને સોના-ચાંદી પર દબાણ વધ્યું.
ભવિષ્યમાં શું થશે?
નિષ્ણાતોના મત મુજબ, શોર્ટ ટર્મમાં સોના-ચાંદીના ભાવોમાં ભારે ઉથલપાથલ રહી શકે છે. જોકે લાંબા ગાળે ચાંદીની સપ્લાયની અછત અને ઉદ્યોગોમાં વધતી માંગને કારણે ભાવ ફરી મજબૂત બની શકે છે અને ₹4 લાખના લેવલને ફરી પાર કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરંતુ કેટલાક બજાર વિશ્લેષકોનું માનવું છે કે ચાંદીમાં હજી વધુ કરેક્શન આવી શકે છે, તેથી રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી છે.




