મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પટના માં યોજાયેલ વિપક્ષ ની બેઠક પર કટાક્ષ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે પૂર આવે ત્યારે જે રીતે સાપ,વાંદરા અને દેડકા એક વૃક્ષ પર ચડી જાય છે તેવી જ હાલત વિપક્ષ ની છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પટનામાં તમામ વિપક્ષના નેતાઓ એકઠા થયા છે. ત્યાં પણ વિપક્ષ ના નેતાઓની એકતા નહી પરંતુ તેમનો મુખ્ય મુદ્દો રાહુલ ગાંધીના લગ્ન રહ્યા છે. ત્યારે પટના માં વિપક્ષ ની બેઠકને લઇને ભાજપના નેતાઓ પ્રહાર કરીરહ્યા છે,
વિપક્ષોની યોજાઈ હતી બેઠક
શુક્રવારે પટનામાં 15 થી વધુ વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક યોજાઈ હતી. મુખ્ય મુદ્દો આગામી વર્ષની લોકસભાની ચૂંટણી ભાજપ સામે સંયુક્ત વ્યૂહરચના સાથે લડવાનો હતો. આ બેઠક બાદ તમામ નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે રાહુલના લગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો. શિવરાજે આ પર પણ ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે લાલુ યાદવજી બેઠક દરમિયાન કહી રહ્યા છે કે તમારી મમ્મી ઘણી ફરિયાદ કરી રહ્યા છે કે તમે લગ્ન નથી કરી રહ્યા. તું લગ્ન ગોઠવ અને વરરાજા બની જા, જાન લઈને અમે આવીશું. બાકી તે વરરાજા કોણ છે, જાનૈયા કોણ છે તેનું કોઈ ઠેકાણું નથી.
શિવરાજ સિંહ પ્રાણીઓ સાથે કરી સરખામણી
શિવરાજે વિપક્ષના નેતાઓની સરખામણી પ્રાણીઓ સાથે પણ કરી હતી.તેમણે કહ્યું કે જ્યારે ભારે પૂર આવે છે ત્યારે ઘણા પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચડી જાય છે. એક જ વૃક્ષ પર તમે જોશો કે દેડકો પણ છે, સાંપ પણ છે અને વાંદરો પણ છે કેમ કે નીચે પુરનું પાણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમર્થન અને લોકપ્રિયતાનું એવું પુર છે કે બધા એક વૃક્ષ પર ચડવાના પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે.
કમલનાથે શિવરાજ પર કર્યો પલટવાર
મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કમલનાથે શિવરાજ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે શિવરાજજી, આજે ફરી એકવાર તમે રાજકારણમાં શબ્દોની મર્યાદા તોડી છે. તમે વિપક્ષને સાપ, દેડકા અને વાનર કહ્યા. છેલ્લા ઘણા દિવસોથી તમે અપશબ્દો અને હલકી કક્ષાની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો. તમારી આ ભાષા અને આ લાગણી લોકોમાં તમારા પ્રત્યે નફરત પેદા કરી રહી છે. જ્યારે તમે અમને સાપ કહો છો, ત્યારે જનતા અમને ભગવાન શિવની માળા માને છે. જ્યારે તમે અમને વાનર કહો છો, ત્યારે જનતા અમને ભગવાન રામની વાનર સેના ગણશે જેણે રાવણના પાપો માટે લંકાનો નાશ કર્યો હતો. તમે ગાળો આપતા રહો પણ અમે સત્ય અને ગૌરવનો માર્ગ નહીં છોડીએ. ભગવાનને પણ પ્રાર્થના કરો કે તમને શાણપણ અને સહિષ્ણુતા આપે.