હિંડનબર્ગ કેસ : SCના આકરા સવાલ કહ્યું- અખબારોમાં છપાયેલા અહેવાલોને અંતિમ સત્ય ન માની શકાય

1
116
Hindenburg case
Hindenburg case

Hindenburg and OCCRP report : શુક્રવારે હિંડનબર્ગ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ તેમજ OCCRP રિપોર્ટ પર કડક ટિપ્પણી કરી હતી, જેને સેબીએ પણ સંપૂર્ણ રીતે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન, સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) ના રિપોર્ટ પર ટિપ્પણી કરતા કહ્યું કે, જો આવા ‘સ્વ-સેવા’ અહેવાલોને ધ્યાનમાં લેવામાં આવે તો સેબીનો કોઈ અર્થ રહેશે નહીં અને SC દ્વારા નિયુક્ત નિષ્ણાત સમિતિ સહિત દરેકનું કાર્ય વ્યર્થ જશે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, OCCRP પાસેથી તેના રિપોર્ટની વિગતો માંગવામાં આવી હતી, પરંતુ તેમણે એક NGOનો સંપર્ક કરવા કહ્યું, જે અરજદાર વકીલ પ્રશાંત ભૂષણની જ NGO છે. સોલિસિટર જનરલના જણાવ્યા અનુસાર, પ્રશાંત ભૂષણે જે રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે તે વાસ્તવમાં તેમની NGOમાંથી લેવામાં આવ્યો હતો અને પછી તેમણે પોતાના રિપોર્ટની તપાસ માટે PIL દાખલ કરી છે.

જ્યારે પ્રશાંત ભૂષણે હિંડનબર્ગ રિપોર્ટ (Hindenburg Report)નો ઉલ્લેખ કર્યો ત્યારે CJIએ કહ્યું કે, અમારે હિંડનબર્ગ રિપોર્ટ જોવાની જરૂર નથી કારણ કે તેના તથ્યો અમારી સામે નથી, અને તેથી જ અમે સેબીને આ મામલાની તપાસ કરવા કહ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટની સત્યતા અંગે કોઈ પુરાવા નથી, તેથી તપાસ સેબીને સોંપવામાં આવી છે.

પ્રશાંત ભૂષણે SC દ્વારા રચાયેલી નિષ્ણાત સમિતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સુપ્રીમે તમામ પક્ષકારો પાસેથી લેખિત દલીલો માંગી :

હિંડનબર્ગ કેસ (Hindenburg case)ની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારો પાસેથી સોમવાર સુધી લેખિત દલીલો માંગી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મહત્વની વાત એ હતી કે સુનાવણી દરમિયાન કોર્ટે રોકાણકારોના હિત અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોને સાચા માની શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની કમિટીએ 19 મે 2023ના રોજ અદાણી-હિંડનબર્ગ કેસ (Adani Hindenburg case)ની તપાસ રિપોર્ટ સાર્વજનિક કરી દીધી હતી. સમિતિએ કહ્યું હતું કે, શું અદાણીના શેરના ભાવમાં કથિત હેરાફેરી પાછળ સેબીની નિષ્ફળતા છે કે નહીં? આ નિષ્કર્ષ પર હજી સુધી પહોંચી શકાયું નથી. સમિતિએ એમ પણ કહ્યું હતું કે જૂથ કંપનીઓમાં વિદેશી ભંડોળ અંગે સેબીની તપાસ અનિર્ણિત રહી છે.

1 COMMENT

Comments are closed.