કમલમના બાદશાહ પ્રદિપ સિંહ વાઘેલા હવે વનવાસ ભોગવશે, પત્રિકાયુદ્ધમાં નોંધાઈ શકે છે ફરિયાદ

0
125
પ્રદીપ સિહ
પ્રદીપ સિહ

આપણે વાત કરી રહ્યાં છીએ ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રદિપ સિંહ વાઘેલાની… વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા અને મૂળ સાણંદના રાજકારણ સાથે સંકળાયેલા પ્રદિપસિંહ નો સીઆર પાટીલના સમયમાં સિતારો તપવાનો શરૂ થયો હતો. પાટીલના ખાસ ગણાતા પ્રદીપસિંહનો પાવર એટલો વધી ગયો હતો કે કમલમમાં એમને પૂછ્યા વિના પાણી પણ પીવાતું ન હતું. સંગઠનમાં કદ વધવાની સાથે એમની સરકારમાં પણ ચંચૂપાત વધી હોવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી પણ સત્તા આગળ શાણપણ નકામું માની તમામ ચૂપ રહ્યાં હતા. હવે પ્રદિપસિંહ વાઘેલાનો ભાજપમાં ચઢતો સૂરજ ડૂબવા લાગ્યો છે. કમલમના બાદશાહ હવે વનવાસ ભોગવવાની તૈયારી કરી રહ્યાં છે.

કમલમની સત્તા ચલાવવાના નિયમો કોના હાથમાં?
પાટીલના સમયમાં સંગઠનમાં ફેરફારો અને કમલમથી સત્તા ચલાવવાના નવા નિયમો એ પ્રદિપસિંહને આભારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક તબક્કે તો એક દિવસ મંત્રીઓએ પણ કમલમમાં બેસવું પડે તેવી સ્થિતિ આવી ગઈ હતી. હવે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. દરેકને પોતાની ઔકાતનું ભાન થયું છે પણ જેમને તેઓ નડ્યા છે તેઓ સક્રિય થયા છે. પત્રિકા યુદ્ધ તો પ્રદિપસિંહ વાઘેલા સામે પણ શરૂ થયું હતું એમાંથી તો તેઓ સાંગોપોંગ બહાર આવી ગયા પણ હવે દિલ્હી સુધીના છેડા ધરાવતા નેતાઓએ તેમને ભરાવી દીધા હોવાનું કહેવાય છે. ગુજરાતમાં આ પત્રિકાયુદ્ધમાં આગામી દિવસોમાં ફરિયાદ થાય તો પણ નવાઈ નહીં. સુરતમાં પાટીલ સામે પત્રિકાયુદ્ધમાં 3 વ્યક્તિઓની ધરપકડ પણ થઈ છે. આગામી દિવસમાં પત્રિકાયુદ્ધ મામલે અમદાવાદમાં નોંધાયેલી અરજી પ્રદીપસિંહ ફરિયાદમાં ફેરવે તો પણ નવાઈ નહીં…

બાપુ બેઠાં બેઠાં ચાલવતા હતા સરકાર!
પ્રદિપસિંહ વાઘેલા માટે એવું કહેવાય છે કે તેઓ કમલમ બેઠા બેઠા સરકારમાં કંઈ પણ કરાવી શકતા હતા. પ્રદિપસિંહને દૂધ અને દહીમાં પગ રાખવા ભારે પડ્યાં છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂટણી લડવી હતી. જેઓએ વેજલપુર વિધાનસભા માટે ધમપછાડા કર્યા હતા પણ આખરી તબક્કે ટિકિટ કપાઈ ગઈ હતી બાદમાં લોકસભા માટે ટિકિટ આપવાના વાયદામાં તેમને શાંત કરી દેવાયા હતા. એમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ધારાસભ્ય બની સરકારમાં સામેલ થવું હતું અને સુપર ગૃહમંત્રી બનવું હોવાનું કહેવાય છે પણ ટિકિટ જ ન મળતાં તેઓ તે સમયે જ વેતરાઈ ગયા હતા. હવે એમના નામે છેક દિલ્હી સુધી રજૂઆતો થતાં તેઓ માટે કમલમના દરવાજા બંધ થયા છે. ભલે એ એમ કહે છે કે એવો કોઈ આદેશ નથી પણ સૌ જાણે છે કે ભાજપમાં કોઈ લેખિતમાં આદેશ થતા નથી. આ પહેલાં પણ મોટા નેતાઓને સાઈડલાઈન કરી દેવાયા છે. એમાં એક વધુ નામ ઉમેરાયુ છે. પ્રદિપસિંહ વાઘેલા માટે કહેવાય છે કે તેમનો સૂરજ તપતો હતો ત્યારે તેમને કરેલા કર્મોનું હવે ધીમેધીરે ફળ મળી રહ્યું છે.