સીઆર પાટીલ વિરુદ્ધ પત્રિકાકાંડમાં પીએમ મોદી બધું જ જાણે છે છતાં ચૂપ કેમ? દિલ્હીએ કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો

0
132
ભાજપ
ભાજપ

ગુજરાત ભાજપ માં  પત્રિકાકાંડનો રેલો ગુજરાતના 5 મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યો સુધી પહોંચ્યો છે. જેઓ પર ભાજપ ના એક સમયે ચાર હાથ અને ગુજરાત ભાજપ નો ચહેરો હતા પણ પાટીલના સૂર્યોદય બાદ આ લોકો અંધકારમાં ધકેલાઈ જતાં એક સમયે ગાંધીનગરમાં મંત્રી ક્વાટર્સમાં મળેલી બેઠકમાં પાટીલ જૂથને પૂરું કરી દેવા ખેલાયેલા ખેલનો ખુલાસો થઈ ગયો છે. આમ છતાં એ હકિકત છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય. ભાજપ એ લાંબાગાળાનો ખેલ પાડ્યો છે અને બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નખાયા છે. 

દરેક પોલ ખૂલે એ માટે ભાજપ તૈયાર નથી

આ પ્રકરણમાં સીધી નજર રાખતા સીએમઓ અને પીએમઓ તમામ બાબતોને ભૂપેન્દ્ર પટેલ, દિલ્હી હાઈકમાન્ડ અને પાટીલ સુધી પહોંચાડે છે પણ ભાજપમાં કોઈ કડાકા ભડાકા થયા નથી. વાતો વહેતી થાય છે કે ગુજરાતમાં મોટા ફેરફારો થશે પણ જેમને પહેલાંથી પૂરા કરી દેવાયા છે એમની સામે કાર્યવાહી કેવી…. હવે ભાજપ આ મામલે કાર્યવાહી કરે તો યાદવાસ્થળી વધુ ભડકે અને નેતાઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળે તો સરકાર અને સંગઠનની દરેક પોલ ખૂલે એ માટે ભાજપ તૈયાર નથી. કારણ કે ઘરના ભૂવા અને ઘરના ડાકલાની જેમ એકબીજા પર કાદવ ઉછાળ ભાજપને મંજૂર નથી.  

પકડાયેલા પ્યાદાઓએ વટાણા વેરી દીધા

પાટીલ જૂથને બદનામ કરવા રચાયેલા ષડયંત્રમાં પ્યાદાઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે પણ મોટા માથાઓને બાકાત રખાયા છે. આ પત્રિકાકાંડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મંત્રીઓ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક પૂર્વ ધારાસભ્યો પણ સામેલ હોવાની ચર્ચા છે. પકડાયેલા પ્યાદાઓએ વટાણા વેરી દીધા છે અને નામો પણ જાહેર કરી દીધા છે પણ ભાજપે સૂમણીમાં વહીવટો કરી લીધા છે એટલે હવે નામો બહાર આવે તેવી પણ સંભાવના નથી. દિલ્હી હાઈકમાન્ડ અને ભાજપ સારી રીતે જાણે છે કે ભાજપના નેતાઓ સામે કાર્યવાહી એટલે પગ પર કુહાડો મારવા જેવી બાબત છે. 

દિલ્હીમાં નેતાઓ મળી આવ્યા

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપમાં તડાં પાર્ટીને નુક્સાન કરાવી શકે છે. ભાજપે આ તમામ નેતાઓના નાક દબાવીને હવે કામ કરવાની આવડત શીખી લીધી છે એટલે આ નેતાઓ ચૂપકીદી તો સાધી લેશે અને ભાજપ માટે ચૂપચાપ હંમેશાં કામ કરતા રહેશે. ભાજપ કંઈ નહીં કરે પણ આ નેતાઓની રાજકીય યાત્રાઓ અહીં પૂરી થઈ ગઈ છે. હાલમાં પાટીલ અને રૂપાણી સહિતના નેતાઓ મોદીને મળીને આવ્યા છે. 

રત્નાકર પણ દિલ્હી પહોંચ્યા છે એ ફક્ત લોકસભાની તૈયારી અને આગામી સરકાર અને સંગઠનમાં ફેરફારોને લઈને મીટિંગો છે. રાજ્યમાં ભાજપમાં મોટા ભડાકા કરીને મોદી આખા દેશનું ધ્યાન ગુજરાત પર લાવવા માગતા નથી. રાજયના સંગઠનમાં મહામંત્રીઓ સહિતની જગ્યાઓ ભરાશે અને આગામી દિવસોમાં પાટીલ વિરોધીઓને ચૂપચાપ હટાવી પણ દેવાશે પણ ભાજપ મોટી કાર્યવાહી કરવાના મૂડમાં નથી. 

લડાઈ લાંબી લડવામાં મજા નથી

ગુજરાતમાં રાજકીય બદલો લેવાઈ ગયો છે એ સૌ સારી રીતે જાણે છે. દહીં અને દૂધમાં પગ રાખતા ભાજપના નેતાઓએ ફાયદા અને નુક્સાન ભોગવી લીધા છે એ પણ સારી રીતે સમજી ચૂકયા છે કે આ લડાઈ લાંબી લડવામાં મજા નથી. દિલ્હી હાઈકમાન્ડથી પણ નેતાઓને લતાડ પડી છે. આમ પહેલીવાર એવું બન્યું છે કે સરકાર અને ભાજપ આ પત્રિકાકાંડમાં ચૂપકીદી સેવી લીપાપોથી કરી રહ્યાં છે. 2 દિવસ પહેલાં પણ આ પ્રકરણમાં સુરત સૂમૂલના રાજેશ પાઠકની પૂછપરછ થઈ છે. જેઓ એક પૂર્વ મંત્રીના ખાસ છે. 

ભાજપ માટે એક આયખું ઘસીને કર્યું છે કામ

આમ પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી ગુજરાત સંગઠન અને દિલ્હી કેબિનેટમાંથી પણ પત્તું કાપવા ઘડાયેલા કારસામાં બંને જૂથને લાભાલાભ થયા છે. આગામી દિવસોમાં ભાજપમાં ફેરફાર થશે પણ મોટા માથાઓ સામે કાર્યવાહી થાય તેવી જરા પણ સંભાવના નથી. ભાજપને પણ લોકસભાની 26માંથી 26 સીટો જીતવાની છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં પોતાના અને ભાજપ માટે એક આયખુ ઘસીને કામ કરનાર નેતાઓ સામે કાર્યવાહી કરવાના મૂડમાં નથી. ભાજપ સારી રીતે જાણે છે કે જે નેતાઓ આ કાંડમાં સામેલ હોવાના આક્ષેપો સાથે બીજું જૂથ કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યું છે એ નેતાઓએ ભાજપ માટે કંઈ પણ કરવામાં પહેલાં બાકી રાખ્યું નથી. આ પત્રિકાકાંડનું રિઝલ્ટ જે પણ હોય પણ કાંડમાં સૌથી ઉપર હાથ એ દિલ્હીનો રહ્યો છે અને દિલ્હીએ બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નાખ્યા છે.