Panchmahal News: પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા

0
197
Panchmahal News
Panchmahal News

Panchmahal News:પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક નર્મદા કેનાલમાં બનેલી દુર્ઘટનાએ સૌને ઝંઝોળી નાખ્યા છે. પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહેલા વડોદરાની ખાનગી શાળાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબી જતા ચકચાર મચી છે. એક શિક્ષકને બચાવવા જતાં બીજો મિત્ર પણ કેનાલના પ્રચંડ વહેણમાં તણાઈ ગયો હતો. ઘટનાને 24 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં હજુ સુધી બંનેમાંથી કોઈનો પત્તો મળ્યો નથી.

Panchmahal News

Panchmahal News: પાવાગઢ દર્શન બાદ બનેલી દુર્ઘટના

વડોદરાની ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા અને વડોદરા ખાતે રહેતા (મૂળ પરપ્રાંતિય) ચાર શિક્ષક મિત્રો—શુભમ મિથિલેશકુમાર પાઠક, રાહુલ વિરેન્દ્ર યાદવ, વિદ્યુત પ્રકાશ રવિન્દ્ર સિંગ અને અસીત જનમેજય ઓઝા—રવિવારે પાવાગઢ દર્શન માટે ગયા હતા. બપોરે દર્શન કર્યા બાદ સાંજે લગભગ 7:30 વાગ્યે તેઓ હાલોલ–વડોદરા હાઇવે પર ખંડીવાળા નજીક આવેલી નર્મદા મુખ્ય કેનાલના પાળ પર બેસ્યા હતા.

Panchmahal News: પગ લપસતા કેનાલમાં પડ્યા

આ દરમિયાન રાહુલ વિરેન્દ્ર યાદવ કેનાલમાં પગ ધોવા માટે ઉતર્યા હતા. અચાનક તેમનો પગ લપસી જતા તેઓ કેનાલના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ દૃશ્ય જોઈ સાથીદારો ગભરાઈ ગયા હતા.

મિત્રને બચાવવા કૂદી ગયા, પણ વહેણે બંનેને તણાવ્યા

Panchmahal News

રાહુલને ડૂબતો જોઈ શુભમ પાઠક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કેનાલમાં કૂદી ગયા હતા. શુભમને તરતા આવડતું હોવા છતાં નર્મદા કેનાલના ધસમસતા અને ઊંડા પ્રવાહ સામે તેઓ બેબસ બન્યા હતા. થોડા જ સમયમાં બંને શિક્ષકો કેનાલના વહેણ સાથે આગળ તણાઈ ગયા હતા.

પોલીસ અને ફાયર ટીમની મોડી રાત સુધી શોધખોળ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને હાલોલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સાંજથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી કેનાલમાં બંને શિક્ષકોની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ કોઈ સફળતા મળી નહોતી. ત્યારબાદ રાત્રે કામગીરી મુલતવી રાખવામાં આવી હતી.

બીજા દિવસે પણ કોઈ ભાળ નહીં

Panchmahal News

સોમવારે સવારથી ફરી એકવાર રેસ્ક્યૂ ટીમોએ નર્મદા કેનાલના સંભવિત વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ પણ સાંજે 6 વાગ્યા સુધી રાહુલ યાદવ અને શુભમ પાઠકના કોઈ પત્તો મળી શક્યો નથી. કેનાલમાં ભારે વહેણ હોવાને કારણે શોધકાર્યમાં મુશ્કેલી પડી રહી છે.

પરિવારને જાણ, માહોલ ગમગીન

ઘટનાની જાણ બંને શિક્ષકોના પરિવારજનોને કરી દેવામાં આવી છે. એકાએક બનેલી આ દુર્ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે સહકર્મીઓ અને મિત્રોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :Bagdana Assault Case :બગદાણા હુમલા કેસમાં SITની રચના, ગાંધીનગરમાં રજૂઆત બાદ સરકારનો મોટો નિર્ણય