Nipah Virus in West Bengal: પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસાત વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી એક મહિલા અને એક પુરુષ નર્સમાં નિપાહ સંક્રમણની શંકા ઉઠી છે. બંને દર્દીઓની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેમને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
Nipah Virus in West Bengal: એક જ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સમાં સંક્રમણની શંકા

રાજ્યના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીએ માહિતી આપતા જણાવ્યું કે, બંને શંકાસ્પદ દર્દીઓ બારાસાતની એક જ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને નર્સ ડિસેમ્બર મહિનામાં મિદનાપુર અને બર્ધમાન ખાતે પોતાના વતન ગયા હતા, જ્યાં તેઓ બીમાર પડ્યા હતા. ત્યારબાદ સ્થિતિ વધુ બગડતાં તેમને બારાસાતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
Nipah Virus in West Bengal: સેમ્પલ પુણેની NIV લેબમાં મોકલાયા
નિપાહ વાયરસની પુષ્ટિ માટે બંને દર્દીઓના સેમ્પલ પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે મોકલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સમગ્ર મામલે જાણ કરી દીધી છે. સંભવિત સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે અને હોસ્પિટલ સ્ટાફ સહિત સંપર્કમાં આવેલા તમામ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
Nipah Virus in West Bengal: 70 ટકા મૃત્યુદર ધરાવતો અત્યંત ખતરનાક વાયરસ

નિપાહ વાયરસ મુખ્યત્વે ફળ ખાવા વાળી ચામાચીડિયાઓ (Fruit Bats) દ્વારા ફેલાતો હોવાનું માનવામાં આવે છે. સંક્રમિત ચામાચીડિયાની લાળ અથવા પેશાબના સંપર્કમાં આવવાથી માણસોમાં ચેપ લાગવાની શક્યતા રહે છે. નિપાહ વાયરસનો મૃત્યુદર લગભગ 70 ટકા જેટલો ઊંચો હોવાથી તેને અત્યંત જીવલેણ વાયરસ તરીકે ગણવામાં આવે છે.
કેન્દ્ર-રાજ્ય વચ્ચે સંકલન, સંયુક્ત ટીમ તૈનાત
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્ર સરકારે તમામ ટેકનિકલ અને લોજિસ્ટિક સહાયની ખાતરી આપી છે. આ સાથે એક નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ પશ્ચિમ બંગાળમાં તૈનાત કરવામાં આવી છે.
સંપર્કમાં આવેલા લોકોને હોમ આઈસોલેશનની સૂચના
આરોગ્ય વિભાગે બંને નર્સના સંપર્કમાં આવેલા તમામ લોકોને ઓળખી તેમને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. સંક્રમણ ફેલાય નહીં તે માટે હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં સાવચેતીના તમામ પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યા છે.




