Nationwide Bank Strike: 5 દિવસનું સપ્તાહ અમલમાં મૂકવાની માગ: દેશવ્યાપી બેંક હડતાલથી કામગીરી ખોરવાઈ

0
94
Bank Strike
Bank Strike

Nationwide Bank Strike:દર શનિવારે રજા અને બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માગને લઈ દેશભરના બેંક કર્મચારીઓએ દેશવ્યાપી હડતાલનું આહ્વાન કર્યું છે. જાહેરક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓની 9 યુનિયનોના સંઘ ‘યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન’ દ્વારા મંગળવાર તા. 27 જાન્યુઆરીએ આ હડતાલ યોજાઈ હતી. આ હડતાલમાં દેશભરના અંદાજે 8 લાખ જેટલા બેંક કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.

Nationwide Bank Strike:ગુજરાતમાં પણ હડતાલની વ્યાપક અસર

ગુજરાતમાં પણ હડતાલની વ્યાપક અસર જોવા મળી હતી. રાજકોટમાંથી અંદાજે 1500, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 5500 અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ 15000 જેટલા બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. હડતાલને કારણે બેંકિંગ સેવાઓ ખોરવાઈ હતી, જેના લીધે ગ્રાહકોને પડેલી અસુવિધા બદલ યુનિયન દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.

Nationwide Bank Strike

Nationwide Bank Strike:પવન શર્માએ જણાવ્યું હતું કે

રાજકોટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશનના ડેપ્યુટી જનરલ સેક્રેટરી પવન શર્માએ જણાવ્યું હતું કે, બેંકોમાં પાંચ દિવસના સપ્તાહની માગ 2015થી ચાલુ છે. તે સમયે બે શનિવારની રજા આપવામાં આવી હતી અને બાકીના બે શનિવાર માટે MoU પણ થયા હતા, છતાં આજદિન સુધી આ માગણી અમલમાં આવી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ આઈબીએ સાથે થયેલી સમજૂતીઓ મુજબ બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ અમલમાં મૂકવાનું અને તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નક્કી થયું હતું. તેના બદલે બેંક કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવા તૈયાર થયા હતા. જો કે, સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત ન થતા કર્મચારીઓને હડતાલનો માર્ગ અપનાવવો પડ્યો છે.

યુનિયનના આગેવાનોએ જણાવ્યું હતું કે, શનિ-રવિ બેંકોમાં રજા રાખવાથી ગ્રાહક સેવાને કોઈ અસર પડશે નહીં. કારણ કે આજે ડિજિટલ બેંકિંગ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ATM સહિત નાણાકીય વ્યવહાર માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પર કામનું ભારણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. કેન્દ્ર સરકાર, કેટલીક રાજ્ય સરકારો, LIC, રિઝર્વ બેંક, શેર બજાર અને ફોરેક્સ માર્કેટમાં પહેલેથી જ પાંચ દિવસનું સપ્તાહ અમલમાં છે, ત્યારે બેંક કર્મચારીઓને જ બાકાત રાખવામાં આવ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો :Abhyuday Mahasammelan: અભ્યુદય મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનો હુંકાર: ‘સમાજને કંઈ આપી ન શકું તો રાજનીતિ છોડી દઈશ’;