Mini Kumbh :મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢની ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં પરંપરાગત મેળાનો આસ્થાભેર પ્રારંભ થયો છે. આજે (11 ફેબ્રુઆરી) સવારે સાધુ-સંતો અને વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરના શિખર પર 55 કિલોના મજબૂત દંડ પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી. આ સાથે જ પાંચ દિવસીય ‘મિની કુંભ’ મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
Mini Kumbh :ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

ધ્વજારોહણ બાદ નાગા સાધુઓએ ધૂણી ધખાવી અલખનો આરાધ શરૂ કર્યો છે. મેળામાં પધારેલા લાખો શ્રદ્ધાળુઓ માટે અન્નક્ષેત્રો અને ઉતારાઓ ધમધમતા થયા છે. ભવનાથની તળેટીમાં શિવભક્તોના ઘોડાપૂર ઉમટી રહ્યા છે. મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિની મધ્યરાત્રિએ નીકળનારી સાધુ-સંતોની ભવ્ય ‘રવેડી’ અને મૃગીકુંડમાં થનારું શાહી સ્નાન રહેશે.
Mini Kumbh :વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ: અધિકારીઓ પણ ચાલતા પહોંચ્યા
આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આજે સવારે મનપા અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ સામાન્ય ભાવિકોની જેમ પગપાળા ચાલીને મંદિર પહોંચ્યા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે પાર્કિંગના 8 પોઈન્ટ વધારીને 24 કરવામાં આવ્યા છે.

Mini Kumbh :3500 પોલીસ જવાનો અને ડ્રોનથી લોખંડી બંદોબસ્ત
મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે:
- ઝોનલ વહેંચણી: મેળા વિસ્તારને 5 મુખ્ય ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.
- સીસીટીવી દેખરેખ: 570 હાઈ રિઝોલ્યુશન કેમેરા અને ડ્રોન દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમથી સતત નજર રખાશે.
- સુરક્ષા બળ: 3500 પોલીસ જવાનો, SRPની 2 કંપની, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તહેનાત છે.
- સ્વયંસેવકો: પ્રથમવાર 800 સ્વયંસેવકો પોલીસની મદદે રહેશે.

આરોગ્ય અને સુવિધા
યાત્રિકોની સુવિધા માટે 15 સ્થળે મેડિકલ ટીમ અને 5 સ્થળે 108 એમ્બ્યુલન્સ તહેનાત રાખવામાં આવી છે. ફાયરફાઈટર અને રાહત-બચાવની ટીમો પણ સજ્જ છે. ગિરનારની ગુફાઓ અને તળેટી હવે ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગુંજી ઉઠી છે.




