Mehsana:મહેસાણાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ગામમાં આવેલી આદર્શ નિવાસી મોડલ સ્કૂલની હોસ્ટેલમાં ફૂડ-પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ક્રિસમસની ઉજવણી બાદ રાત્રે ભોજન લીધા પછી અચાનક 20થી 22 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી ગઈ હતી, જેના કારણે સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.

Mehsana:ઊલટી, ઉધરસ અને પેટમાં દુખાવાની ફરિયાદ
રાત્રિનું ભોજન લીધા બાદ તેમજ ચોકલેટ ખાધા પછી વિદ્યાર્થિનીઓને અચાનક સતત ઉધરસ, ઊલટી અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ ઊઠી હતી. કેટલીક વિદ્યાર્થિનીઓની હાલત વધારે બગડતા શિક્ષકોએ તાત્કાલિક પગલા લઈ પાંચ એમ્બ્યુલન્સ મારફત તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.
Mehsana:ઓક્સિજન લેવલ પણ ઘટ્યું
જિલ્લા પંચાયતના સદસ્ય કુલદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, કેટલીક વિદ્યાર્થિનીઓને અસહ્ય ઉધરસને કારણે ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. જોકે, હાલ તમામ વિદ્યાર્થિનીઓની તબિયત સુધારા પર છે અને કોઈ ગંભીર સ્થિતિ નથી.

ક્રિસમસ ઉજવણી દરમિયાન ઘટના
વિદ્યાર્થિની ડામોર પ્રિંકલબેન લક્ષ્મણભાઈએ જણાવ્યું કે સ્કૂલમાં ક્રિસમસની રજા હોવાથી સાંજે ડેકોરેશન અને ઉજવણી કરવામાં આવી હતી. ભોજન લીધા બાદ થોડો સમય નૃત્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેડમે ચોકલેટ આપી હતી. ચોકલેટ ખાધા બાદ થોડા સમય પછી જ વિદ્યાર્થિનીઓને ઉધરસ અને ઊલટી શરૂ થઈ હતી, જેના પગલે શિક્ષકોએ તાત્કાલિક તેમને દવાખાને લઈ ગયા હતા.
આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી
સ્કૂલમાં અભ્યાસ કરતી કુલ 165 વિદ્યાર્થિનીમાંથી 20થી 22ને રાત્રે ફૂડ-પોઇઝનિંગની અસર થઈ હતી. હાલ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્ટેલના ભોજનના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત હોસ્ટેલમાં રહેલી તમામ વિદ્યાર્થિનીઓનું ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે.
હાલ સ્થિતિ કાબૂમાં
સદનસીબે હાલ તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર અને સુધારા પર છે. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તપાસના અહેવાલ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :Kutch news:કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, વહેલી સવારે લોકો ફફડ્યાં


