Major Blow to AAP in Gujarat: ગુજરાત આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને જિતાડવા માટે રાત-દિવસ એક કરનાર કરપડાએ પક્ષના જ નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરીને રાજીનામું ધરી દીધું છે.
Major Blow to AAP in Gujarat: જેલવાસ દરમિયાન મદદ ન મળતા નારાજગી

રાજુ કરપડાના રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગોપાલ ઇટાલિયા અને પક્ષના નેતૃત્વની નિષ્ક્રિયતા હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ:
- કપરા સમયમાં એકલા છોડ્યા: રાજુ કરપડા ૧૦૮ દિવસ (સાડા ત્રણ મહિના) સુધી જેલમાં રહ્યા, પરંતુ આ દરમિયાન ગોપાલ ઇટાલિયા કે પક્ષના અન્ય મોટા નેતાઓએ તેમની મુલાકાત લીધી નહોતી કે તેમના પરિવારને કોઈ આર્થિક કે લીગલ મદદ કરી નહોતી.
- જશ ખાટવાની રાજનીતિ: આરોપ છે કે જ્યારે રાજુ કરપડા જેલમાંથી બહાર આવ્યા ત્યારે ઇટાલિયા જશ ખાટવા દોડી આવ્યા હતા, પરંતુ જ્યારે જેલવાસ દરમિયાન જરૂર હતી ત્યારે કોઈ ફરક્યું પણ નહોતું.
- ચૂંટણીમાં કરી હતી મહેનત: વિસાવદર વિધાનસભા ચૂંટણી વખતે રાજુ કરપડાએ દોઢ મહિના સુધી મહેનત કરી હતી, છતાં કપરા સમયે મદદ ન મળતા તેઓ ભારોભાર નારાજ હતા.
Major Blow to AAP in Gujarat: સૌરાષ્ટ્રમાં AAPની પકડ નબળી પડવાની શક્યતા
રાજુ કરપડા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં સારી પકડ ધરાવે છે. કડદાપ્રથા સામેના આંદોલન બાદ ખેડૂતો AAP તરફ વળ્યા હતા, પરંતુ હવે પાયાના ખેડૂત નેતાના રાજીનામાથી પાર્ટી સૌરાષ્ટ્રમાં નબળી પડી શકે છે. કરપડાની નજીકના લોકોનું કહેવું છે કે, જેલના ખર્ચમાં પણ ખેડૂત મિત્રોએ જ મદદ કરી હતી, પક્ષે હાથ ઊંચા કરી લીધા હતા.
Major Blow to AAP in Gujarat: ભાજપનું ‘પ્રેશર’ કે અંગત નારાજગી?

AAP નેતા પ્રવીણ રામે આ રાજીનામા પાછળ ભાજપની ‘પ્રેશર ટેક્નિક’ હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે, રાજુ કરપડાના સમર્થકો આ વાતને નકારી રહ્યા છે અને ઇટાલિયાની સ્વાર્થી રાજનીતિને જવાબદાર ઠેરવી રહ્યા છે. અટકળો એવી પણ છે કે આગામી સમયમાં રાજુ કરપડા વિધિવત્ રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે.
રાજુ કરપડાએ જેલમુક્તિ બાદ જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોના વીજળી અને પાણીના પ્રશ્નો માટે લડતા રહેશે. હવે તેઓ કયા પ્લેટફોર્મ પરથી લડત આપશે તેના પર સૌની નજર છે.




