ગુજરાતમા ભાજપને જીતાડશે સીઆર પાટીલનું આ ગેમ પ્લાન,26 સીટો પાંચ લાખ માર્જીનથી જીતવાનો કરે છે દાવો

0
280
સીઆર પાટીલ
સીઆર પાટીલ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના સીઆર પાટીલ દરેક લોકસભા 5 લાખ વોટોથી જીતનો દાવો કરી રહ્યાં છે ત્યારે દરેકને આ ટાઢા પ્હોરનાં ગપ્પાં લાગતાં હશે પણ સીઆરનું માઈક્રોપ્લાનિંગ કોર્પોરેટ કંપનીઓને પણ પાછળ રાખે એવું છે. ગુજરાતના 5 કરોડ મતદારોમાં પૈકી 2.47 કરોડ મતદારોને એક્ટિવ કરવા ભાજપે કરેલી તૈયારીઓ કોંગ્રેસ અને આપને મોટો ઝટકો આપશે. કોંગ્રેસ અને આપમાં સંગઠન લેવલના ઠેકાણા નથી અને આ પાર્ટીઓ ભાજપને જીતતાં રોકવાના દાવાઓ ઠોકે છે. અમે અહીં તમને ભાજપનું માઈક્રોપ્લાનિંગ જણાવવા જઈ રહ્યાં છે. આ પ્લાનિંગ જોઈને તમે પણ કહેશો કે કોંગ્રેસ અને આપને એક બેઠક નહીં મળે. ગુજરાતમાં સરકાર વિરોધી વિચારધારા રાખનારા લોકો ઓછા નથી, 30  વર્ષથી રાજ કરતી ભાજપ સામે એન્ટિ ઈન્કમ્બસીનો માહોલ હોવા છતાં ભાજપની તૈયારીઓ આ તમામ સામે ભારે પડે છે અને ભાજપ છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં પોતાનો દબદબો જાળવી રહી છે. 

પીએમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં નથી કરી શક્યા એ પાટીલે કરી બતાવ્યું એની પાછળ પાટીલની મહેનત અને ભેજું પણ એટલું જ જવાબદાર છે. ગુજરાતમાં સંગઠન જ એટલું મજબૂત છે કે સરકાર સામે કોઈ પણ પ્રકારનો માહોલ હોય છતાં ભાજપમાંથી નવો નિશાળીયો પણ ઉભો રહે તો વન વે વિજેતા બને છે. 

હાલમાં ભાજપે Twitter નહીં પણ સરળ એપમાં 2.47 કરોડ લોકોનું રજિસ્ટ્રેશન કરાવી બ્લુ ટીક મેળવવાનો ટાર્ગેટ મૂક્યો છે. જેની દેખરેખ પાટીલ અને રત્નાકર કરી રહ્યાં છે. રાજ્યમાં 5 કરોડથી વધારે મતદારો વચ્ચે એક એપમાં 2.47 કરોડ ભાજપીઓ એક્ટિવ થઈને કામગીરી કરશે તો આગામી દિવસોમાં ભાજપને જીતતાં કોઈ પણ પાર્ટી નહીં રોકી શકે. અમે તમને અહીં ભાજપના માઈક્રો પ્લાનિંગ વિશે વિગતો આપી રહ્યાં છીએ.  

પેજ પ્રમુખથી લઈ મંડળ પ્રમુખ સુધીની ભાજપની વ્યવસ્થા

  • – 30 પ્રાથમિક સભ્ય પર 1 સક્રિય સભ્ય
  • – 30 મતદારો પર 1 પેજ પ્રમુખ
  • – 35થી 40 પેજ પ્રમુખ પર એક બુથ પ્રમુખ
  • – 4થી 5 બુથ પર એક શકિત કેન્દ્ર પ્રમુખ
  • – 15થી 20 શક્તિ કેન્દ્ર પર એક મંડળ પ્રમુખ
  • – પ્રદેશ ભાજપના જુદા જુદા સાત મોર્ચા
  • – એક વિધાનસભામાં 3થી 5 મંડલ પ્રમુખ

વર્તમાનમાં ભાજપના કેટલા સભ્યો

  • – 1 કરોડ 14 લાખ  પ્રાથમિક સભ્યો
  • – 60 લાખ સભ્યો
  • – 13 લાખ પેજ પ્રમુખ
  • – 1 લાખ 29 હજાર સક્રિય સભ્યો

લોકસભા પહેલાંની સેમીફાઈનલ અંતર્ગત ભાજપનું હાલમાં ફોકસ એ 5 વિધાનસભાની ચૂંટણીઓ હોવા છતાં અમિત શાહ સતત ગુજરાત માટે બેઠકો કરી રહ્યાં છે. ગઈકાલે અડધીરાતે અમિત શાહે અમદાવાદમાં યોજેલી બેઠકો બાદ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં મંત્રી મંડળના વિસ્તરણથી લઈને નવા પદોની લ્હાણી થાય એવી સંભાવનાઓ વચ્ચે ગુજરાતમાં ભાજપ સંગઠન જ એટલું મજબૂત છેકે ભાજપને હવે ફક્ત રણનીતિનો સારી રીતે અમલ કરવાની જરૂર છે. વિધાનસભાની ચૂંટણી સમયે એન્ટિઈન્કમ્બસીનો માહોલ છતાં ભાજપે 156 સીટો જીતીને વિરોધીઓને ધૂળ ચાટતા કરી દીધા હતા.  

આગામી લોકસભાની ચૂંટણી (upcoming Loksabha assembly elections)ને લઇને ભાજપ (Bharatiya Janata Party) સહિતની રાજકીય પાર્ટીઓ રણનીતિ ઘડવામાં લાગી ગઇ છે. દર વખતની જેમ ભાજપમાં માઈક્રો પ્લાનિંગ (micro planning) ચાલી રહ્યું છે. પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડળ વગેરે ભાજપના માઇક્રો પ્લાનિંગના ખાસ ઘટકો છે. કાર્યકરોની ફોજ એ મતદાર સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા ગોઠવામાં આવી રહી છે. ભારતીય

સીઆર પાટીલ માટે એમ કહેવાય છે કે પેજ પ્રમુખનો કોન્સેપ્ટ એમનો છે. નવસારી લોકસભા વિસ્તારમાં પાટીલે ઉભી કરેલી રણનીતિનો એમને રાજ્યભરમાં અમલ કર્યો છે. જેના મીઠા ફળ હવે ભાજપ ખાઈ રહ્યું છે, જોકે, ભાજપનો આ પ્રોજેક્ટ બીજા રાજ્યોમાં ચાલ્યો નથી એ વાસ્તવિકતા પણ છે. ગુજરાત એ પીએમ મોદી અને અમિત શાહનું હોમટાઉન હોવાથી ભાજપ કોઈ પણ કચાશ રાખવા માગતી નથી. ભાજપ દ્વારા પેજ પ્રમુખની વ્યવસ્થા, સોસાયટીના પ્રમુખો, મંડળ, ગણપતિ મંડળ, નાનીમોટી સામાજિક સંસ્થા, સત્સંગ મંડળની બહેનો, સખી મંડળ અને નાના મોટા એસોસિયેશનના આધારે મતદાન વધારવામાં આવે છે. 

ભાજપની બુથ સમિતિમાં નિશ્ચિત ઘરોની જવાબદારી આપી દેવામાં આવે છે. ચૂંટણીમાં લીડ સાથે જીત મેળવા પ્રદેશ ભાજપ ઘર ઘર સંપર્ક, ખાટલા બેઠક, ગ્રુપ બેઠક, સમાજની બેઠક, સમાજના સંમેલન, રેલી અને સભાઓ કરી જનતાને મત આપવા અપીલ કરી છે. સાથે જ હવે માઈક્રો પ્લાનિંગ સાથે મતદારોને બુથ સુધી પહોંચાડવા પણ આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં હવે લોકસભા ચૂંટણી પહેલા એક નવું અભિયાન પ્રદેશ ભાજપ દ્વારા શરુ કરાયું છે. ભાજપે  દરેક પેજ પ્રમુખને 19 સભ્યો સાથે ભાજપની સરલ એપમાં રજિસ્ટ્રેશન કરાવી તેમના મોબાઇલ નંબર પર ઓટીપી મેળવીને વેરીફિકેશન કરાવવાનો ટાર્ગેટ અપાયો છે. જેના નામનું વેરીફિકેશન થશે તેના નામ આગળ એપમાં બ્લુ ટીક થશે. દરેક પેજ પ્રમુખે તેના સભ્યોના નામ સામે બ્લુ ટીક મેળવવી ફરજિયાત છે. હાલ આ કામગીરી પચાસ ટકા જેટલી તો પૂર્ણ થઇ ચૂકી છે. બાકીના પચાસ ટકા લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ કરાશે.

હાલ ગુજરાતમાં અંદાજે 55000 જેટલા બુથો છે. બુથ ઇન્ચાર્જ અને બુથ સમિતિની બ્લુ ટીક કામગીરી પર હાલ સીધી દેખરેખ સી.આર.પાટીલ અને રત્નાકર રાખી રહ્યા છે. રાજ્યમાં 5 કરોડથી વધારે મતદારો છે. જો ભાજપ આ લક્ષ્યાંકમાં સફળ રહેશો તો ભાજપની સરળ એપમાં જ 2.47 કરોડ સભ્યો અને 13 લાખ પેજપ્રમુખો સાથે 2.60 કરોડ લોક ભાજપના એક્ટિવ સભ્યો થશે. આમ ભાજપના આ સક્રિય સભ્યો જો મહેનત કરી પોતાની રણનીતિમાં સફળ રહેશે તો ભાજપને દરેક સીટ પર 5 લાખ મતથી વધારે જીતના લક્ષ્યાંકને પાર કરતાં કોઈ પણ નહીં રોકી શકે.