ગુજરાતમાં ખળભળાટ! સૌથી મોટી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ ; આ રીતે ઝડપાયો 79 કરોડનો મુદ્દામાલ

0
90
કેમિકલ કૌભાંડ
કેમિકલ કૌભાંડ

સુરત જિલ્લા LCB એ કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત પી આઈ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાંથી એક કેમિકલ ભરેલું કન્ટેનર નીકળ્યું અને સુરત ના હજીરા પોર્ટ પરથી જહાજ મારફતે જર્મની પહોંચ્યું. સુરત જિલ્લા LCB પોલીસે કેમિકલ ચોરીનો પર્દાફાશ કરી ગુજરાત રાજ્યનું સૌથી મોટું ચોરીનું ડિટેક્શન કર્યું છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી 79 કરોડનો મુદ્દામાલ રિકરવર કર્યો છે. હજુ પણ 6 આરોપી પોલીસ પકડથી દુર છે.

કેમિકલ મિલમાંથી નીકળ્યું, એ જર્મની પહોંચતા માટી થઈ ગયું!
સુરત જિલ્લા LCB એ કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત પી આઈ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાંથી એક કેમિકલ ભરેલું કન્ટેનર નીકળ્યું અને સુરતના હજીરા પોર્ટ પરથી જહાજ મારફતે જર્મની પહોંચ્યું. પરંતુ જે કેમિકલ મિલમાંથી નીકળ્યું હતું એ જર્મની પહોંચતા માટી થઈ ગયું હતું. જર્મનીમાં માલ મંગાવનાર વ્યાપારીએ જંબુસર સ્થિત મિલના સંચાલકોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી મીલના માલિકે સુરત જિલ્લા  LCB ને સમગ્ર ઘટનાથી વાકેફ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ માત્ર એક કન્ટેનરના 7 કરોડ હતી, પણ અહીં તો 15 કરોડનો ખજાનો મળ્યો! 
ઘટના બાદ જિલ્લા  LCBની ટીમ કામે લાગી હતી અને જિલ્લામાં તપાસ શરૂ કરી હતી. તે દરમ્યાન પોલીસને કડી મળી હતી કે કીમ ચાર રસ્તા નજીક કેમિકલ ભરેલા કન્ટેનર ચાલકે એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં માલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જેથી જિલ્લા પોલીસે પોતાના બતમીદારો થકી કન્ટેનરના ચાલકને ઝડપી પાડ્યો હતો. કન્ટેનરના ચાલકને ઝડપી લીધા બાદ સમગ્ર ઘટના બહાર આવી હતી.

પોલીસ ફરિયાદ માત્ર એક કન્ટેનરમાં ભરેલા કેમિકલની ચોરીની 7 કરોડની હતી, પરંતુ જે મુદ્દામાલ મળી આવ્યો તે 15 કરોડથી વધુનો હતો. જેથી પોલીસે તપાસ કરતા અલગ અલગ કન્ટેનર ચાલકોએ એક નહીં પરંતુ અનેક કન્ટેનરના માલની ચોરી કરી હતી. પોલીસે ઓલપાડના સાયણ, વેલનજા, શેખપુર સહિતના અલગ અલગ ગોડાઉનમાંથી કુલ 79 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે અને 6 અલગ અલગ કન્ટેનરના ચાલકોને વોન્ટેડ જાહેર કર્યા છે. 

કેમિકલ મોંઘુ હોવાને કારણે કોઈ ગ્રાહક મળતો ન હતો
હાલ પોલીસે તમામ મુદ્દામાલ પાનોલી સ્થિત એક ગોડાઉનમાં સિઝ કર્યો છે. કબ્જે કરવામાં આવેલું કેમિકલ એગ્રો કેમિકલ હોવાનું અને પેસ્ટીસાઈડ બનાવવામાં વપરાતું હોઈ છે. કન્ટેનર ચાલકો દ્વારા આ મુદ્દામાલની ચોરી જુલાઈ અને ઓગસ્ટ માસ દરમ્યાન કરવામાં આવી હતી અને ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો અને ગ્રાહક શોધી વેચવાની ફિરાકમાં હતા. પરંતુ કેમિકલ મોંઘુ હોવાને કારણે કોઈ ગ્રાહક મળતો ન હતો. જેના કારણે પોલીસ 100 ટકા રિકવર કરવામાં સફળતા મળી છે.