Maharashtra Local Polls:મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીત,નગરપાલિકા ચૂંટણી પરિણામોએ બદલી મહારાષ્ટ્રની રાજનીતિની દિશા

0
132

Maharashtra Local Polls: મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજ્યની રાજનીતિમાં નવી દિશાનો સંકેત આપ્યો છે. BMC ચૂંટણી પહેલા યોજાયેલી 288 નગર પરિષદો અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપે 129 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સત્તાધારી ‘મહાયુતિ’ ગઠબંધને કુલ 200થી વધુ બેઠકો પર જીત મેળવી હોવા છતાં ભાજપનું વધતું વર્ચસ્વ તેના સાથી પક્ષો—એકનાથ શિંદે જૂથ અને અજિત પવાર જૂથ—માટે ચિંતાજનક બન્યું છે.

Maharashtra Local Polls

આ ચૂંટણીમાં મહાયુતિને કુલ 213 બેઠકો મળી છે, જેમાં ભાજપ 129, શિંદે જૂથ 51 અને અજિત પવાર જૂથ 33 બેઠકો પર વિજયી બન્યા છે. બીજી તરફ, વિપક્ષી મહાવિકાસ અઘાડી (MVA) માત્ર 50 બેઠકોમાં સીમિત રહી ગઈ છે. કોંગ્રેસે 35 બેઠકો જીતી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જૂથને માત્ર 8-8 બેઠકો મળી છે.

Maharashtra Local Polls: સાથી પક્ષો પર નિર્ભરતા ઘટાડવાનો સંકેત

સ્થાનિક ચૂંટણીના આ પરિણામો સ્પષ્ટ કરે છે કે શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ભાજપનું વચસ્વ સતત વધી રહ્યું છે. ભાજપે આ ચૂંટણીને સામાન્ય ચૂંટણીની જેમ ગંભીરતાથી લડીને મોટી સફળતા મેળવી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ જીત ભાજપના ‘શતપ્રતિશત ભાજપ’ના લાંબા ગાળાના વિઝન તરફ સંકેત કરે છે, જેમાં ભવિષ્યમાં સાથી પક્ષો વગર એકલા હાથે સત્તા મેળવવાની રણનીતિ દેખાઈ રહી છે.

Maharashtra Local Polls

Maharashtra Local Polls: દેવેન્દ્ર ફડણવીસ માટે મોટી રાજકીય સફળતા

ભાજપે આ ભવ્ય જીતનો શ્રેય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ અને સંગઠનાત્મક કુશળતાને આપ્યો છે. આંતરિક પડકારો અને સાથી પક્ષો સાથેના તણાવ વચ્ચે પણ ફડણવીસે 38 રેલીઓ કરીને પક્ષને મજબૂત આધાર આપ્યો હતો. ફડણવીસે આ પરિણામોને સુશાસન પર જનતાની મહોર ગણાવી ભાજપને મહારાષ્ટ્રની નંબર-વન પાર્ટી ગણાવી છે. પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે પણ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ફડણવીસના માર્ગદર્શનને જીતનું મુખ્ય કારણ ગણાવ્યું છે.

શિંદે–અજિત પવાર જૂથમાં ચિંતા

મહાયુતિની જીત છતાં ભાજપની એકતરફી મજબૂતી શિંદે અને અજિત પવાર જૂથ માટે ચેતવણીરૂપ છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપનું વધતું વર્ચસ્વ ભવિષ્યમાં સાથી પક્ષોના રાજકીય અવકાશને સીમિત કરી શકે છે, જેના કારણે ગઠબંધન અંદર અસંતોષ વધવાની શક્યતા છે.

Maharashtra Local Polls

વિપક્ષ માટે ખતરાની ઘંટડી

મહાવિકાસ અઘાડી માટે આ પરિણામો ગંભીર ઝટકો સાબિત થયા છે. ખાસ કરીને શિવસેના (UBT) અને શરદ પવાર જૂથના નબળા પ્રદર્શને તેમના કાર્યકર નેટવર્કને આંચકો આપ્યો છે. ત્રણ દાયકાથી મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા ધરાવતા ઉદ્ધવ ઠાકરે જૂથ માટે આ પરિણામો આવનારી BMC ચૂંટણી પહેલા ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસે લગાવ્યા આક્ષેપ

કોંગ્રેસે પોતાની હાર માટે મહાયુતિ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે જણાવ્યું કે ચૂંટણી દરમિયાન પૈસા, બળ અને સરકારી મશીનરીનો બેફામ દુરુપયોગ કરવામાં આવ્યો, જેના કારણે વિપક્ષને નુકસાન ભોગવવું પડ્યું.

BMC ચૂંટણી પહેલા ભાજપનો આત્મવિશ્વાસ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આ પરિણામો 15 જાન્યુઆરીએ યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ અને મહાયુતિનો આત્મવિશ્વાસ વધારતા જણાય છે, જ્યારે MVA માટે આત્મમંથનનો સમય આવ્યો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં હવે આ લડાઈ માત્ર સત્તાની નહીં, પરંતુ ભવિષ્યની દિશા નક્કી કરવાની બની ગઈ છે.

આ પણ વાંચો :Ahmedabad news: બગોદરા-વટામણ હાઈવે પર દંપતી સાથે લૂંટ, માર મારી કાર સહિતની મત્તા ઝૂંટવી