ઉત્તરપ્રદેશના રામપુરમાં તૈયાર થયું દુનિયાનું સૌથી મોટું ‘રામપુરી’

0
164

નવાબી યુગથી રામપુરમાં ચપ્પુ બનાવવામાં આવે છે. આ શહેરમાં ચપ્પાનું બજાર પણ છે. એટલું જ નહિ પણ આ શહેર રામપુરી ચપ્પુથી ઓળખાય છે. ઘણી ફિલ્મોમાં રામપુરના ચપ્પુ પર સીન શૂટ કરવામાં આવ્યા હતા. જેમ રિવોલ્વર-પિસ્તોલ અને બંદૂક માટે લાયસન્સ જરૂરી છે, તેમ જ મોટા ચપ્પુ રાખવા માટે પણ લાયસન્સ જરૂરી છે. અહીંના દુકાનદારો પાસે ચપ્પુઓ વેચવાના લાયસન્સ પણ છે, પરંતુ સમય બદલાતા ચપ્પુની માંગમાં ઘટાડો થયો છે. રામપુરી ચપ્પુને ઓળખ આપવાની કવાયત નવેસરથી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જ્યારે રામપુર આવે છે ત્યારે આ શહેરના  ચપ્પુનો ઉલ્લેખ કરતા હોય છે. ચપ્પુનો બિઝનેસ વધારવા માટે રામપુરમાં ચોકના બ્યુટીફિકેશન પાછળ 50.57 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વિશ્વનું સૌથી મોટું ચપ્પુ બનાવનાર અફસાન રઝા ખાને જણાવ્યું હતું કે, ‘આ રામપુરી ચપ્પુ બનાવવામાં આઠ મહિના જેટલો સમય લાગ્યો હતો. 20 ફૂટ લાંબુ અને ત્રણ ફૂટ પહોળું ચાકુ મિશ્ર ધાતુથી બનેલુ છે. જેમાં પિત્તળ, સ્ટીલ અને લોખંડનો સમાવેશ થાય છે. આ ચાકુનું વજન 8.5 ક્વિન્ટલ છે અને તેની કિંમત લગભગ 29 લાખ રૂપિયા છે.

વર્ષ 1990ના સમય દરમિયાન તત્કાલીન ઉતર પ્રદેશ સરકારે નિર્ણય લીધો હતો કે, ‘બ્લેડની લંબાઈમાં 4.5 ઈંચ કરતાં વધુ લાંબા ચપ્પુ બનાવવામાં આવશે નહીં. આ નિર્ણયને કારણે રામપુરી ચપ્પુ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેના કારણે ચપ્પુની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો. રામપુરી ચપ્પુમાં 9 ઇંચની બ્લેડ હતી અને સમય જતાં કાચા માલની વધતી કિંમતના કારણે આ વેપારમાં નફો પણ ઓછો થઇ ગયો હતો, જેના કારણે રામપુરી ચપ્પુનો ધંધો ઘટી ગયો હતો.