Kankaria Carnival 2025: અમદાવાદીઓ માટે મનોરંજનનો મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-2025 આગામી 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા તળાવ ખાતે ભવ્ય રીતે યોજાશે. દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમટતા સહેલાણીઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અનેક નવા આકર્ષણો સાથે અદ્યતન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

Kankaria Carnival 2025: ડ્રોન શો અને દુબઈનો પાયરો શો આકર્ષણનું કેન્દ્ર
આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં મનોરંજનનો રંગ અનેકગણો વધારવામાં આવ્યો છે. ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત ખાસ દુબઈમાં યોજાતો પાયરો શો (આગ સાથેનો ડાન્સ) દર્શકો માટે મુખ્ય આકર્ષણ બનશે.

આ સાથે જ જાણીતા ગુજરાતી કલાકારો કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઈશાની દવે અને બ્રિજદાન ગઢવીના રંગારંગ મ્યુઝિકલ પરફોર્મન્સ પણ યોજાશે. કાર્નિવલ દરમિયાન સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તમામ લોકો માટે ફ્રી એન્ટ્રી રહેશે.
Kankaria Carnival 2025: સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૂડ ફેસ્ટિવલ
AMC દ્વારા કાર્નિવલ માટે ત્રણ અલગ-અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે.
- સ્ટેજ નં-1: પુષ્પકુંજ ગેટ પાસે
- સ્ટેજ નં-2: બાલવાટિકા પાસે
- સ્ટેજ નં-3: વ્યાયામ વિદ્યાલય નજીક
ત્રણેય સ્ટેજ પર સાત દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ વર્ષે ખાસ કરીને અન્ય રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રખ્યાત ફૂડ સ્ટોલ્સ પણ કાર્નિવલનો ભાગ બનશે, જેથી લોકો વિવિધ રાજ્યોના સ્વાદ અને સંસ્કૃતિનો આનંદ માણી શકશે.
80 હજારથી 1 લાખ લોકોની કેપેસિટી

ભીડ નિયંત્રણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા આ વર્ષે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કાંકરિયાના તમામ 7 એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવશે, જેના માધ્યમથી કેટલા લોકો અંદર પ્રવેશ કરી રહ્યા છે અને અંદર હાજર છે તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે.
જો ભીડ 80 હજારથી 1 લાખ સુધી પહોંચશે તો તાત્કાલિક ગેટ બંધ કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત 34 CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવશે.
🔐 સુરક્ષાને લઈને AMC સજ્જ
કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા અને લોકો સલામત રીતે કાર્નિવલનો આનંદ માણી શકે તે માટે પોલીસ, મ્યુનિસિપલ સ્ટાફ અને વોલન્ટિયર્સની પણ વિશાળ ટીમ તૈનાત કરવામાં આવશે.

