Influencers Drunken Drive :સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લ્હાય અને કાયદાનો ડર ન હોવાના પરિણામે સુરતના રસ્તા પર વધુ એક નશાખોરનો આતંક જોવા મળ્યો છે. જૂનાગઢના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલ (બુહા)એ સુરતમાં નશાની હાલતમાં લકઝરી કાર હંકારી ગંભીર અકસ્માત સર્જતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. હજારો નહીં પરંતુ લાખો ફોલોવર્સ ધરાવતા આ યુવકની ‘રીલ લાઈફ’ હવે તેની ‘રીયલ લાઈફ’ માટે મોટી મુસીબત બની ગઈ છે.
Influencer’s Drunken Drive : રીલ બનાવવા સુરત આવ્યો, નશો કરી અકસ્માત સર્જ્યો

મળતી માહિતી મુજબ, 28 વર્ષીય હિરેન પટેલ મૂળ જૂનાગઢનો રહેવાસી છે અને સોશિયલ મીડિયા પર 7 લાખથી વધુ ફોલોવર્સ ધરાવે છે. તે દર મહિને બે વખત સુરત રીલ બનાવવા આવતો હતો. 22મી તારીખે તે મોટા વરાછામાં એક જાહેરાતનો વીડિયો બનાવવા સુરત આવ્યો હતો. આ પહેલાં તે સવારે મિત્ર સાથે દમણ ગયો હતો, જ્યાં તેણે દારૂ પીીને રીલ બનાવી હતી.
દમણથી સાંજે સુરત પરત ફર્યા બાદ પણ તેણે મોટા વરાછામાં રીલ શૂટ કરી હતી. રીલ પૂરી કર્યા બાદ નશાની હાલતમાં કાર ચલાવતા ઉમરા વિસ્તાર તરફથી આવતા મોટા વરાછા દુખિયારા દરબાર રોડ પર તેણે કાર પરથી કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જ્યો.
Influencers Drunken Drive :અકસ્માત એટલો ભયાનક કે લોકો દોડી આવ્યા

અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા. જ્યારે લોકોએ ડ્રાઈવરની સીટ પરથી હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો હતો. તે સરખી રીતે ઊભો પણ રહી શકતો નહોતો.
નશામાં ચકચૂર ઈન્ફ્લુએન્સરને જોઈને સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. લોકોએ ઘટનાસ્થળે જ તેને પકડીને મેથીપાક ચખાડ્યો અને બાદમાં પોલીસને હવાલે કર્યો.
Influencers Drunken Drive : દારૂ ગ્લોરીફાય કરતી રીલ્સ હવે બની ગળે ફાંસ
હિરેન પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેના મોટાભાગના વીડિયો દારૂ પીવા, દારૂ સાથે કોમેડી કરવી અને નશાને ગ્લોરીફાય કરતી રીલ્સ પર આધારિત છે. જે રીલ્સ તેને ફેમ અને કમાણી અપાવતી હતી, એ જ વ્યસન આજે તેને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યું છે.
ડ્રિંક એન્ડ ડ્રાઈવ હેઠળ ગુનો, કાયદેસરની કાર્યવાહી
આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ દિગ્વિજય બારડે જણાવ્યું હતું કે, આરોપી હિરેન પટેલ નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેની ધરપકડ કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયા સ્ટાર્સ માટે ચેતવણી સમાન કિસ્સો
આ ઘટના સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા દોડતા યુવાનો માટે એક મોટો બોધપાઠ છે. વ્યૂઝ અને ફોલોવર્સ માટે વ્યસનોને પ્રોત્સાહન આપવું અંતે પોતાને જ ભારે પડે છે. હિરેન પટેલની ‘રીલ’ લાઈફની મોજ આજે તેની વાસ્તવિક જિંદગીમાં અંધકાર બની ગઈ છે. સુરત પોલીસે પણ આવા કેસોમાં કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.
આ પણ વાંચો :UNHRC Vote: UNમાં ભારતે ઈરાનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું, પશ્ચિમી દેશો ચોંક્યા




