India and Venezuela News: અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કરવામાં આવેલા હુમલાની અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર સાથે-ભારતની ઓઇલ આયાત પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આ ઘટનાના કારણે ભારતને રોજિંદા આશરે 6 લાખ બેરલ ક્રૂડ ઓઇલની સપ્લાય ખોરવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
India and Venezuela News: વેનેઝુએલાનું તેલ ભારત માટે કેમ મહત્વપૂર્ણ?
ભારત લાંબા સમયથી વેનેઝુએલા પાસેથી સસ્તું અને વધુ ઘનતાવાળું (હેવી ક્રૂડ) તેલ આયાત કરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત ભારતની મોટી રિફાઇનરીઓ ખાસ કરીને આવા હેવી ક્રૂડને રિફાઇન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રૂડમાંથી પેટ્રોલ અને ડીઝલ જેવા મૂલ્યવાન ઇંધણનું મોટા પાયે ઉત્પાદન થાય છે.

India and Venezuela News: સપ્લાય બંધ થતાં શું અસર પડશે?
જો વેનેઝુએલાની ઓઇલ સપ્લાય લાંબા સમય માટે બંધ રહે છે તો ભારતીય ઓઇલ કંપનીઓને મધ્યપૂર્વના દેશો અથવા કેનેડાથી મોંઘું ક્રૂડ ઓઇલ ખરીદવું પડશે. આથી ઇંધણના ભાવ અને આયાત ખર્ચ પર દબાણ વધવાની શક્યતા છે.
India and Venezuela News: રશિયાના ક્રૂડ તરફ ભારતનું વળતર
અમેરિકાના વલણનો અંદાજ અગાઉથી લગાવી ચૂકેલી ભારતીય ઓઇલ કંપનીઓએ ફરી એકવાર રશિયાના ઉરલ્સ ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી હોવાનું માનવામાં આવે છે. આ પગલું ઊર્જા સુરક્ષા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
2024ના આયાત આંકડા શું કહે છે?
વર્ષ 2024 દરમિયાન ભારતે વેનેઝુએલા પાસેથી અંદાજે 2.2 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. આ આંકડો દર્શાવે છે કે ભારત માટે વેનેઝુએલાનું તેલ કેટલું સસ્તું અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રહ્યું છે.
ONGC વિદેશેને મોટો આર્થિક ઝાટકો
સરકારી કંપની ઓએનજીસી વિદેશે (ONGC Videsh) વેનેઝુએલામાં મોટા પાયે રોકાણ કર્યું છે. અમેરિકન પ્રતિબંધોના કારણે ઓએનજીસી વિદેશેના અંદાજે 60 કરોડ ડોલર વેનેઝુએલામાં અટવાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જે કંપની માટે ગંભીર આર્થિક પડકાર છે.
ભારત-વેનેઝુએલા વેપાર સંબંધો

વર્ષ 2025માં ભારત અને વેનેઝુએલા વચ્ચે કુલ વેપાર અંદાજે 4 કરોડ ડોલર રહ્યો હતો. તેમાં:
- ભારતની આયાત: 2 કરોડ ડોલરથી વધુ
- ભારતની નિકાસ: અંદાજે 1.5 કરોડ ડોલર
ભારત વેનેઝુએલાને દવાઓ, મશીનરી, સુરતી કપડાં, કેમિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓ નિકાસ કરે છે. ખાસ કરીને વેનેઝુએલાની દવાઓની જરૂરિયાતો ભારત મોટા પાયે પૂરી કરે છે, ઘણી વખત ઓછી કિંમતે અથવા મફતમાં પણ દવાઓ આપવામાં આવે છે.
રાજકીય રીતે સાવચેતીપૂર્ણ વલણ
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંઘર્ષ મુદ્દે ભારત હાલ કોઈપણ પ્રકારની રાજકીય દરમિયાનગીરી કરવા માંગતું નથી. અગાઉ અમેરિકાએ વેનેઝુએલા પર પ્રતિબંધો લાદ્યા ત્યારે પણ ભારતે ખુલ્લી ટીકા કરી ન હતી.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર અસરનો ભય
હાલ ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ હજી સુધી અંતિમ તબક્કે પહોંચી નથી. આવી સ્થિતિમાં જો ભારત આ મુદ્દે કોઈ કડક નિવેદન આપે તો ટ્રેડ ડીલ પર અસર પડી શકે છે. આ કારણે ભારત ખૂબ જ સંતુલિત અને વ્યાવહારિક વલણ અપનાવી રહ્યું છે.




