Humanity Shamed in Vapi: દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપી નજીક નેશનલ હાઈવે-48 પર એક એવી હૃદયદ્રાવક હિટ-એન્ડ-રનની ઘટના સામે આવી છે, જેણે માનવીય સંવેદનશીલતા પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. અકસ્માત બાદ એક રાહદારીનો મૃતદેહ 20 મિનિટ સુધી હાઈવે પર રઝળતો રહ્યો અને અનેક વાહનો તેને કચડીને પસાર થઈ ગયા, છતાં કોઈએ માનવતા દાખવી વાહન થોભાવવાની તસ્દી લીધી નહીં.

Humanity Shamed in Vapi: શું હતી સમગ્ર ઘટના?
શનિવારે રાત્રે બલીઠા હાઈવે પર પૂરઝડપે દોડી રહેલા એક અજાણ્યા વાહને રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે, રાહદારી હવામાં ફંગોળાઈને સીધો હાઈવેના ડિવાઈડર પર બનેલી સેફ્ટી દીવાલ પર જઈ પટકાયો હતો.

Humanity Shamed in Vapi: CCTVમાં કેદ થયો મોતનો ભયાનક ખેલ
સીસીટીવી ફૂટેજમાં દેખાતી વિગતો મુજબ, અકસ્માત બાદ રાહદારી અંદાજે 20 મિનિટ સુધી સેફ્ટી દીવાલ પર લટકતો રહ્યો હતો. ત્યાર બાદ તે રસ્તા પર પટકાયો હતો. આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે, હાઈવે પરથી પસાર થતાં ચાલકોમાં સંવેદનહીનતા એટલી હદે હતી કે, એક પછી એક અનેક વાહનો આ મૃતદેહ પરથી પસાર થઈ ગયા હતા, જાણે રસ્તા પર કોઈ માનવી નહીં પણ કચરો પડ્યો હોય!

Humanity Shamed in Vapi: એક જાગૃત નાગરિકે દાખવી માનવતા

જ્યારે સેંકડો વાહનચાલકો આ ભયાનક દૃશ્ય જોઈને પણ અનદેખું કરી રહ્યા હતા, ત્યારે એક જાગૃત કારચાલકે પોતાની કાર રોકી માનવતા દાખવી હતી. તેણે તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ત્યાં સુધીમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે રાહદારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસ અને કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ વાપી ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રસ્તા પર વિખરાયેલી હાલતમાં પડેલા મૃતદેહનો કબજો મેળવ્યો હતો.
- ઓળખ: હાલ મૃતકની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે.
- ગુનો: સીસીટીવી ફૂટેજના આધારે ટક્કર મારનાર અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
- પોસ્ટમોર્ટમ: મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચલા CHC ખાતે ખસેડવામાં આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : સુરતીઓ આનંદો! ડાયમંડ સિટીમાં મેટ્રોનો મંગલ પ્રારંભ ડ્રીમ સિટીથી અલથાણ વચ્ચે દોડી ટ્રેન, આજથી ટ્રાયલ રન શરૂ




