Horrific Accident on Kheda Highway: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ખેડા ટોલ પ્લાઝા નજીક રવિવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક થાર ગાડીના ચાલકે આગળ જઈ રહેલી ઈકો ગાડીને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી હતી કે ઈકો ગાડી હવામાં ફંગોળાઈને હાઈવે પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર 10 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 3ની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Horrific Accident on Kheda Highway: શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર, ઈકો ગાડી હાઈવેની પ્રથમ લેનમાં પોતાની નિયત ઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી યમદૂત બનીને આવેલી એક થાર ગાડીના ચાલકે સ્ટિયરિંગ પર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ઈકોના પાછળના ભાગે પ્રચંડ ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો ગાડી માર્ગ પર જ ગોથા ખાઈ ગઈ હતી. અકસ્માત થતા જ હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી.

Horrific Accident on Kheda Highway: માનવતા નેવે મૂકી થાર ચાલક ફરાર
આ અકસ્માતમાં સૌથી ચોંકાવનારી બાબત થાર ચાલકની માનવતાહીનતા રહી હતી. અકસ્માત સર્જ્યા બાદ ઈજાગ્રસ્તોને મદદ કરવાને બદલે થારનો ચાલક પોતાની ગાડી ડિવાઈડર પર ચડાવી, સામેના ટ્રેક પર કૂદાવીને નડિયાદ તરફ ફિલ્મી ઢબે ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળે થારના બમ્પરનો તૂટેલો ભાગ પણ મળી આવ્યો છે. પ્રત્યક્ષદર્શી હિતેશ પટેલના જણાવ્યા અનુસાર, ચાલકે ઉભા રહેવાની તસ્દી પણ લીધી ન હતી.

Horrific Accident on Kheda Highway: ઈજાગ્રસ્તોની સ્થિતિ
- કુલ ઘાયલ: 10 મુસાફર
- ગંભીર ઈજા: 3 મુસાફર (સઘન સારવાર હેઠળ)
- સામાન્ય ઈજા: 7 મુસાફર
સ્થાનિકો અને અન્ય વાહનચાલકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ કાર્યવાહી અને ટ્રાફિક જામ
અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ખેડા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ક્રેન વડે ઈકો ગાડીને ખસેડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત સ્થળેથી મળેલા પુરાવા અને ગાડીના નંબરના આધારે ફરાર થાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




