રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત મુખ્ય માહિતી કમિશનર (Chief Information Commissioner Heeralal Samariya) બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે માહિતી કમિશનર હીરાલાલ સામરિયાને મુખ્ય માહિતી કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા. હીરાલાલ સામરિયા હાલમાં માહિતી કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ તરીકે પણ કામ કર્યું છે. હવે તેમને મુખ્ય માહિતી કમિશનર (Chief Information Commissioner) બનાવવામાં આવ્યા છે.
હીરાલાલ સામરિયા (Heeralal Samariya) દેશના પ્રથમ દલિત CIC બન્યા છે. તેમનો જન્મ રાજસ્થાન (Rajasthan) ના ભરતપુર જિલ્લાના એક દૂરના અને નાના ગામ પહારીમાં થયો હતો. તેઓ 1985 બેચના IAS અધિકારી છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સવારે 10 વાગ્યે યોજાયેલા સમારોહમાં હીરાલાલ સામરિયાને કેન્દ્રીય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. 3 ઓક્ટોબરે વાય.કે સિંહા મુખ્ય માહિતી કમિશનર (Chief Information Commissioner) નો કાર્યકાળ પૂરો થતાં મુખ્ય માહિતી કમિશનરનું પદ ખાલી હતું. હવે દેશને પહેલ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર મળી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 30 ઓક્ટોબરના રોજ કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ પદ પર નિમણુંક કરવા ટકોર કરી હતી, અને યોગ્ય પગલાં લેવા કહ્યું હતું, તેમણે સરકારને કહ્યું હતું કે જો આ ખાલી પદ ભરવામાં નહિ આવે તો 2005 નો માહિતી અધિકારનો કાયદો “ડેડ લેટર” બની જશે. સામરિયાની નિમણૂક બાદ પણ આઠ માહિતી કમિશનરની જગ્યા ખાલી છે. કમિશનનું નેતૃત્વ મુખ્ય માહિતી કમિશનર કરે છે અને તેમાં વધુમાં વધુ 10 માહિતી કમિશનર હોઈ શકે છે.