Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ..
Gujarat Top News: ગુજરાત રાજ્યમાં બની શું ઘટના, ગુજરાત સરકારે શું લીધા નિર્ણય તેમજ સમગ્ર રાજ્યના મુખ્ય ગુજરાતી સમાચાર (Gujarati Samachar) માટે આગળ વાંચો…
ભારત જોડો ન્યાય યાત્રા: ગોધરામાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યા પેપર લીક અને ખેડૂતોના મુદ્દા
ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી. મુફ્તી આછોદી માર્ગ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં જ્યાં રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધી પણ હતી. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાન નફરતનો દેશ નથી. ભારતમાં યુવાનોને રોજગાર આપવામાં આવતો નથી. નાના દુકાનદારો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે. દરેક સેક્ટરમાં અત્યારે માત્ર અદાણી જ જોવા મળે છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નાના વેપારી પાસે જતા રૂપિયા અત્યારે અદાણી પાસે થઈ રહ્યા છે. અત્યારે હથિયાર પણ અદાણીની કંપની બનાવી રહી છે
અમદાવાદ : આજથી ત્રિદિવસીય ફૂડ ફેસ્ટિવલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજથી ત્રણ દિવસ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ દ્વારા ફૂડ ફેસ્ટિવલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ફૂડ ફેસ્ટિવલમાં કોફી પેવેલિયન બનાવવામાં આવ્યો છે. જેમાં વિવિધ પ્રકારની કોફીના સ્વાદની મજા માણવા મળે છે.
ફૂડ ફેસ્ટિવલમાં 72 પ્રકારના વિવિધ સ્ટોલ, લોન- Aમાં ત્રણ પેવેલિયન, કુકરી ડેમો, સહિતના મુખ્ય સ્ટેજ લોન-Bમાં, કોફી પેવેલિયનમાં પ્લાન્ટ, લલણી સહિતના અનુભવ, રોયલ પેવેલિયનમાં કિચન ઓફ ધ કિંગ, મંદિરોમાં ધરાવતાં ભોગ જેવું આધ્યાત્મિક પેવલિયન, આધ્યાત્મિક ફૂડ મળશે.
સુરત: જિતેન્દ્ર કાછડિયાના ઘરમાં આગ, 17 વર્ષના પુત્રનું મોત
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટર જિતેન્દ્રભાઈ કાછડિયા સંયુક્ત પરિવારમાં રહે છે. ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ધરાવે છે. બીજા માળે જિતેન્દ્ર કાછડિયાના પરિવારના સાત સભ્ય સૂતા હતા. એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતા હતા, જેને તેના કાકાએ ધુમાડાની વચ્ચે જઈને જગાડ્યા હતા. ત્યાર બાદ તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નીચે ઊતરી શકાય એવી સ્થિતિ ન હતી.
પરિવારમાં બે દીકરા છે. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે, જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. પરિવારના છ સભ્યએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. દરમિયાન પ્રિન્સ ધુમાડાને કારણે બહાર નીકળી શક્યો નહોતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો.
વડોદરા : મહીના ધસમસતા પ્રવાહમાં બે મિત્ર તણાયા
વડોદરાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નદીએ નાહવા માટે ગયેલા બે મિત્ર ડૂબી જતાં લાપત્તા થઈ ગયા હતા. બંને મિત્રની NDRFની ટીમ શોધખોળમાં લાગી. બંને યુવકને નદીમાં લાપત્તા થયાને 20 કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે, પણ હજુ સુધી મળ્યા નથી. બંને મિત્રો પરિવારના એકના એક છે અને બે મિત્રો પૈકી એકના એક માસ પહેલાં જ લગ્ન થયા છે.
મળેલી માહિતી પ્રમાણે, શહેરના ન્યૂ વી.આઇ.પી. રોડ પર આવેલા મકાન નંબર-284 સંતોષીનગરમાં રહેતો ધર્મેશ રણછોડભાઇ વાઘેલા (ઉં.વ.26) અને સંતોષીનગરમાં જ રહેતો દીપક અવધેશભાઇ કુશ્વાહા (ઉં.વ.27) ગુરુવારે સવારે 11 વાગ્યાના સુમારે ઘરેથી બાઇક પર સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નાહવા માટે ગયા હતા.
વડોદરા: PCBની રેડ, ડીજેના સ્પીકરની અંદરથી પણ દારૂની બોટલો નીકળી
વડોદરા પીસીબીના એ.એસ.આઇ અરવિંદ કેશવરાવને બાતમી મળી હતી કે, પ્રદિપ ઉર્ફે પિન્ટુ ધનેશભાઇ ગવલી ડીજેનો વ્યવસાય કરે છે અને ડીજેના ઇન્સ્ટ્રુમેન્ટ તેના ઘરે રાખે છે. આ મકાનમાં ડી.જે.ના ધંધાની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પીસીબી પીઇ એસ.ડી. રાતડાની સૂચનાથી ટીમે ઉર્મી એપાર્મેટન્ટમાં રેડ કરી હતી. આ દરમિયાન મકાનના બેઠક રૂમની એત તરફની દિવાલ અને બેડરૂમની એક તરફની દિવાલને પાર્ટીશન કરીને ચણતર કર્યું હતું. આ બંને દિવાલોમાં બનાવેલા ચોર ખાનામાંથી અને ડીજેના નાના-મોટા સ્પીકરોની અંદરથી 3.5 લાખની કિંમતનો 40 પેટી (480 બોટલ) દારૂ મળી આવ્યો હતો.
મહેસાણા બેઠક પર ભાજપની ટિકિટ માટે જબરજસ્ત લોબિંગ શરૂ
ભાજપમાં ઉમેદવાર કોણ હશે તેની ચર્ચા વચ્ચે મહેસાણા બેઠક પર ટિકિટ માટે જબરજસ્ત લોબિંગ શરુ થઈ ચૂક્યુ છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા શારદાબેનને ઉમરના કારણે જો બીજી વાર રિપિટ ન કરાય તો તેમના સ્થાને કોણે ટિકિટ અપાશે તેના પર અનેક તર્ક વિતર્ક છે. ચર્ચા એ વાતની પણ છે શારદાબેન પટેલના સ્થાને શું મહિલાને જ ટિકિટ અપાશે કે પુરુષને. કેમ કે છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપે મહિલાને ટિકિટ આપી સાંસદ બનાવ્યા છે.
મહેસાણા : કડીના વેકરા ગામે મંદિરમાં દાનપેટીની ઘટના
કડી પંથકમાં દિવસેને દિવસે તસ્કરો બેફામ બની ગયા છે. દિવસેને દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળતા લોકોમાં ફાફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે ફરી એકવાર કડી તાલુકાના બાવલુ પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેકરા ગામે અને મેડા આદરજ ગામે ચોરીના બનાવો બનતા પોલીસ દોડતી થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.
મહેસાણા : કડીમાં પોલીસની ખોટી ઓળખ આપી લૂંટ ચલાવી
કડી શહેરના નંદાસણ ઉપર આવેલ એક ગેસ્ટ હાઉસની અંદર નકલી એસ.ઓ.જી પોલીસ મહેસાણાની ઓળખ આપી ગેસ્ટ હાઉસમાં ધસી આવ્યો હતો અને ગેસ્ટ હાઉસમાં નોકરી કરતા કર્મીના ખીચામાં રહેલી રોકડ રકમ ઝૂંટવી લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. જે બાબતે ગેસ્ટ હાઉસના મેનેજરએ કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગુનો દાખલ કરાવ્યો હતો.
મહેસાણા : PM વિશ્વકર્મામાં અન્ય જ્ઞાતિમાંથી દરજીકામ માટે 4000 સિવણ ફોર્મ ચકાસણી
18 પ્રકારના વ્યવસાયમાં કારીગરોની વિશ્વકર્મા તરીકે ઓળખ ઉભી કરી તેમને તાલીમથી કૌશલ્યમાં વૃધ્ધિ કરવાના હેતુ માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના ઓનલાઇન ફોર્મ ભર્યા પછી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત અને શહેરીમાં નગરપાલિકા કક્ષાએ ચકાસણી પછી મંજૂરીમાં આગળના લેવલે મોકલાય છે. જેમાં મહેસાણા પાલિકાએ ચકાસણીમાં આવેલ અરજીઓ પૈકી એક મહિનામાં જ અન્ય વિવિધ જ્ઞાતિઓના 4000 જેટલા અરજદારોએ દરજીકામ માટેના સિવણની અરજી કરી હોઇ ચકાસણીમાં મંજૂર કરવી કે નહીં તેને લઇને નગરપાલિકા તંત્ર અવઢળમાં મૂકાયું છે.
વિસનગર : માતાપિતાની દેહદાનની ઈચ્છા સંતાનોએ પૂર્ણ કરી
વિસનગરની સાંકળી શેરીમાં રહેતા દીકરા દીકરીએ પોતાના માતાપિતાના દેહદાનની ઈચ્છા મુજબ મેડિકલ કોલેજમાં તેમની બોડીને દાન કરી ઈચ્છા પૂર્ણ કરી છે. જેમાં પુત્રએ પિતાનું 2015માં અવસાન થતા તેમનું દેહદાન કર્યું હતું, જ્યારે 2024માં 87 વર્ષીય માતાનું સારવાર દરમિયાન મોત થતાં નૂતન મેડિકલ કોલેજમાં દેહદાન કર્યું છે. દેહદાન કરનાર પરિવારનો નૂતન મેડિકલ કોલેજના ચેરમેન પ્રકાશ પટેલે આભાર વ્યક્ત કર્યો.
બનાસકાંઠા: ગેનીબેન ઠાકરોનો ચૂંટણી લડવાનો હુંકાર
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોગ્રેસની મહિલા નેતાઓ વચ્ચે જંગ જામશે તે લગભગ નિશ્ચિત થઈ ચુક્યું છે. ભાજપ તરફથી ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ તરફથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગેનીબેન ઠાકોરે શિવ મંદિરમાં દર્શન બાદ ચૂંટણી લડવા મુદ્દે નિવેદન આપ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તો બનાસકાંઠા બેઠક પર લોકસભા લડવા અને જીતવાનો ગેનીબેને હુંકાર કર્યો છે.
બનાસકાંઠા : 6 દિવસ ગબ્બર પર રોપ-વેની સુવિધા બંધ
જગતજનની અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયા ચઢીને અને રોપ-વેની સેવાનો લાભ લઇ ગબ્બર પર્વતની ટોચ પર આવેલા માતાજીના દર્શન કરવા પહોંચે છે. ત્યારે આવનાર દિવસોમાં ગબ્બર પર્વત પર રોપ-વેની સેવા 6 દિવસ સુધી બંધ રહેશે. આવનાર તારીખ 11/3/2024થી લઈને તારીખ 16/3/2024 સુધી ગબ્બર પર્વત પર રોપ-વેની સુવિધા બંધ રહેશે. 17/3/2024થી રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવશે.
બનાસકાંઠા: ભૂખ હડતાળ કરી રહેલી એક આશાવર્કર મહિલાની તબિયત લથડી
બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનો પગાર વધારાની માગ સાથે આંદોલન કરી રહી છે. છેલ્લા આઠ દિવસથી આશા વર્કર બહેનો ભૂખ હડતાળ પર ઉતરી છે. આજે એક આશા વર્કરની તબિયત લથડતા 108 મારફત સારવાર માટે ખસેડવામાં આવી હતી.
ડીસા: સીપુ કેનાલની જમીન પર ગેરકાયદેસર દબાણ કરતા નોટિસ
સરકાર દ્વારા લોકોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સીપુ જળાશય યોજનામાંથી અંતરિયાળ વિસ્તારોમાં નહેર બનાવવામાં આવી છે, પરંતુ નહેરની આજુબાજુમાં સંપાદિત કરેલી જગ્યાની બાજુમાં આવેલા ખેતર માલિકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સીપુ નહેર એમએમ 2/2 જગ્યામાં વધારસિંહ દરબાર દ્વારા દબાણ થયું હોવાની માહિતી મળતા સીપુ જળાશય યોજનાના અધિકારીઓ તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા તેમણે દબાણ કર્યું હોવાનું માલુમ પડતા જ દબાણદારને નોટિસ આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર: મનપા બનાવવા સામે વિરોધ, વિશ્વાસમાં લીધા વગર ઠરાવ પસાર
રાજ્ય સરકારે સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જો કે, આ જાહેરાતની સાથે જ વિરોધ પણ શરૂ થયો છે. સુરેન્દ્રનગર શહેર આસપાસના 11 ગામોને મહાનગરપાલિકામાં ભેળવવાના ઠરાવ મામલે તમામ 11 ગામોના સંરપંચે વિરોધ કર્યો છે. સરપંચોનો આરોપ છે કે, તેમને અને ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વિના જ સુરેન્દ્રનગર પાલિકાએ સીધો જ ઠરાવ કરી દીધો છે.
રાજકોટ : પાકિસ્તાની હિન્દુ નિરાશ્રિતોની કોલોની તોડી પડાશે
રાજકોટમાં 75 વર્ષ જૂનાં આઝાદીકાળનાં રેફ્યુજી ક્વાર્ટરો હવે ભૂતકાળ બની જશે. પાકિસ્તાનથી આવેલા હિન્દુ નિરાશ્રિતો માટે જંક્શન વિસ્તારમાં 100 ક્વાર્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં મામૂલી ભાડું ભરી નિરાશ્રિતો વસવાટ કરતા હતા. જોકે સમયાંતરે અહીં હવે 17 ક્વાર્ટર રહ્યાં છે. હવે આ વારસદારો અનઅધિકૃત રીતે ત્યાં રહેતા હોવાનો ઉલ્લેખ કરી આ ક્વાર્ટરધારકોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી જમીન હોવાથી ખાલી કરવા માટે આદેશ આપ્યો હતો. જોકે આ લોકો સેશન્સ કોર્ટમા ગયા અને ત્યાં જીતી ગયા, પરંતુ પ્રથમ હાઇકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ક્વાર્ટરધારકો વિરુદ્ધ ચુકાદો આપ્યો અને સરકારી જમીન ખાલી કરી દેવાનો હુકમ કર્યો, જેથી હવે 31 માર્ચ સુધીમાં કબજો ખાલી કરી દેવા માટે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
મોરબી : વધુ એક બ્રિજ પર ભ્રષ્ટાચારનું ગાબડું
મોરબીમાં જૂની RTO કચેરી પાસે મચ્છુ નદી પરના નવા પૂલ પર ગાબડું પડ્યું છે. જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી પર બનાવવામાં આવેલ નવા પુલ પર ગાબડું પડ્યું છે. દોઢ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા આ પૂલમાં ગાબડા પડતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. આરટીઓ કચેરી નજીક આવેલ જૂનો પુલ કાઢી ને નવો પુલ બનાવવામાં આવ્યો હતો. હાલ ગાબડા ને ફરતા પથ્થર ગોઠવી દેવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં બાકી રહેલા વિકાસના કામો શરૂ
વર્ષોના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવતા કૌશિક વેકરીયાએ તાજેતરમાં જમાં તાલુકાના વાવડી-બાદનપુર,ખજુરી-પીપળીયા-ખડખડ, તરઘરી-ખજુરી-પીપળીયા, તરઘરી-મેઘા પીપળીયા, ખજુરી-સુલતાનપુર વચ્ચે નોન પ્લાન (કાચાથી પાકા) માર્ગનું ખાતમુહૂર્ત કર્યુ છે. જુના બાદનપુરથી બાંભણિયા રોડ તેમજ જંગરથી અમરાપુર રોડ કામનું ખાત- મહુર્ત તથા લુણીધારથી જીથુડી વચ્ચે રિસર્ફેસીંગના કામનું ખાતમુહૂર્ત કર્યું છે. કુંકાવાવ તાલુકાને વિકાસની મુખ્યધારા સાથે જોડવાના સંકલ્પ સાથે ધારાસભ્ય કૌશિક વેકરીયાએ આ વિસ્તારમાં અંદાજિત રૂ.2500 લાખના ખર્ચે 7 રસ્તાનું ખાતમુહૂર્ત.
અમરેલી જિલ્લા પંચાયતમાં પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક
અમરેલીમાં પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત અમરેલી જિલ્લા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા આરોગ્ય અધિકારી જોષીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે બેઠક યોજાઈ હતી નવા તથા રિન્યુઅલ રજીસ્ટ્રેશન સંદર્ભે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અમરેલી જિલ્લામાં તાલુકા વાઇઝ જાતિ દર અંગે ચર્ચા કરવામાં આવી હતી તાલુકાઓમાં સોનોગ્રાફી ક્લિનીક વેરિફિકેશન વધારવા તથા સ્ટીંગ અને ડિકોય ઓપરેશનો હાથ ધરવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું હતું વધુમાં સમાજમાં દિકરીની સંખ્યામાં વધારો થાય તે હેતુ એક અથવા બે દિકરીવાળા માતા પિતાઓના સન્માન કાર્યકમનું આયોજન કરવા ઠરાવવામાં આવ્યું હતુ.
અમરેલી : કુંડલાના જીરામાં 39 ખેડૂતે ગૌચરની જમીન પર કરેલા દબાણ દુર કરાયા
સાવરકુંડલા તાલુકાના જીરા ગામે ગૌચર જમીન સર્વે નં.283/1-અ વાળી જમીન પર ડીઆઈએલઆર કચેરી દ્વારા આપેલી માપણી શીટ મુજબ હે.આરે. 11-44-26 ચો.મી.ની જમીન પરનું દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં 39 ખેડૂતો દ્વારા રૂપિયા 2,10,00,000ની કિંમતની જમીન પરનું દબાણ કરવામાં આવ્યું હતું. જીરામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
એકલ દોકલ સંબંધએ સતત વ્યાભિચાર ન ગણી શકાય: ગુજરાત હાઇકોર્ટ
ભરણપોષણની અરજીને લઇને હાઇકોર્ટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ડીવોર્સી પત્નીએ ભરણપોષણ માટેની માંગણી કરતી પતિ સામે કોર્ટમાં અરજી કરી હતી. જો કે આ અરજી સામે પતિએ પણ વાંધાજનક અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ડિવોર્સ બાદ પત્નીને અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાથી તે ભૂતપૂર્વ પતિ સામે ભરણપોષણની માંગણી કરે તે યોગ્ય નથી. જો કે કોર્ટે પતિની અરજીને ફગાવતા જણાવ્યું કે, મહિલાના લગ્ન બાદ કોઇ પુરુષ સાથેના સંબંધને વ્યભિચાર ન ગણાવી શકાય.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો