Gujarat Tiger State: ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં આજે એક ઐતિહાસિક ક્ષણ ઉમેરાઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ફરી એકવાર ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. આશરે 33 વર્ષના લાંબા સમયગાળા બાદ ગુજરાતમાં વાઘની સત્તાવાર હાજરી નોંધાઈ છે. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં કુદરતી નિવાસસ્થાનમાં સિંહ, વાઘ અને દીપડા ત્રણેય મુખ્ય વન્યજીવ પ્રજાતિઓ એકસાથે અસ્તિત્વ ધરાવે છે.

Gujarat Tiger State: રતનમહાલ બન્યું વાઘનું નવું સરનામું
દાહોદ જિલ્લામાં આવેલું રતનમહાલ વન્યજીવ અભયારણ્ય આ મહત્વપૂર્ણ જાહેરાતનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા દસ મહિનાથી અહીં એક નર વાઘ સતત ટ્રેપ કેમેરામાં કેદ થઈ રહ્યો છે. વાઘે આ વિસ્તારને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું હોવાના નક્કર પુરાવા મળતા NTCAએ ગુજરાતને ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
હવે ટાઈગર રિઝર્વ જાહેર કરવાની તૈયારી

આ ઐતિહાસિક માન્યતા મળ્યા બાદ ગુજરાત વન વિભાગ રતનમહાલને સત્તાવાર રીતે ‘ટાઈગર રિઝર્વ’ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વાઘના સંરક્ષણ અને વંશવેલાની વૃદ્ધિ માટે અન્ય રાજ્યોમાંથી માદા વાઘ લાવવાની સંભાવનાને લઈને ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. સાથે જ વાઘને પૂરતો ખોરાક મળી રહે તે માટે તૃણહારી પ્રાણીઓની સંખ્યા વધારવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત વાઘની સુરક્ષા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સની રચના, આધુનિક ટ્રેપ કેમેરા અને મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
Gujarat Tiger State:વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ
અત્યાર સુધી ગુજરાત વિશ્વભરમાં ‘એશિયાટિક સિંહો’ના ઘર તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જો મળતા ગુજરાતની ઓળખ વધુ મજબૂત બની છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી રાજ્યમાં ઇકો-ટુરિઝમને મોટો વેગ મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે.
ગુજરાતના વન્યજીવ સંરક્ષણમાં નવો અધ્યાય
33 વર્ષ બાદ વાઘની સત્તાવાર વાપસી સાથે ગુજરાતના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને નવી દિશા અને વૈશ્વિક ઓળખ મળશે. આ સફળતા રાજ્યના સંરક્ષણ મોડેલ અને પર્યાવરણીય સંતુલન માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
આ પણ વાંચો :Mehsana:સતલાસણાની મોડલ સ્કૂલમાં ફૂડ-પોઇઝનિંગથી 22 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી


