Gujarat Police Transfers: ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થતાની સાથે જ રાજ્યના ગૃહ વિભાગે પોલીસ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કર્યા છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યના 254 બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વર્ગ-2 ના સંવર્ગમાં બઢતી (Promotion) આપીને નવા નિમણૂક સ્થળોએ બદલી કરવામાં આવી છે.
Gujarat Police Transfers: પગાર ધોરણમાં વધારો અને હંગામી બઢતી
બઢતી પામેલા આ 254 અધિકારીઓને હવે પે-મેટ્રિક્સ લેવલ-7 (₹39,900 – ₹1,26,600) માંથી વધારીને લેવલ-8 (₹44,900 – ₹1,42,400) ના પગાર ધોરણમાં મૂકવામાં આવ્યા છે. હાલમાં આ બઢતીઓ હંગામી ધોરણે આપવામાં આવી છે અને તમામ અધિકારીઓને તેમના નવા નિયુક્તિના સ્થળે તાત્કાલિક હાજર થવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
Gujarat Police Transfers: ચૂંટણી પૂર્વે પોલીસ તંત્રમાં મોટી ગોઠવણ
રાજકીય વિશ્લેષકોના મતે, આ ફેરફારો આગામી મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી પૂર્વે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે લેવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પોલીસ બેડામાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે.











હજુ 600 PI અને DySP સ્તરે પણ બદલીના સંકેત
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તો માત્ર શરૂઆત છે. માર્ચના અંત સુધીમાં હજુ પણ અંદાજે 600 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની આંતરિક બદલી થવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત, DPC (Departmental Promotion Committee) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ PI થી DySP સ્તરના ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશો પણ છૂટા થઈ શકે છે.




