Gujarat High Court :છૂટાછેડા માટે 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

0
180
Gujarat High Court
Gujarat High Court

Gujarat High Court : સંમતિપૂર્વક છૂટાછેડા લેવા ઈચ્છતા દંપત્તિઓ માટે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હિન્દુ મેરેજ એક્ટની કલમ-13બી હેઠળ સંમતિપૂર્વકના છૂટાછેડા માટે છ મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ ફરજિયાત નથી અને યોગ્ય સંજોગોમાં તેને વેવ (જતો) કરી શકાય છે.

સામાન્ય રીતે ફેમિલી કોર્ટ સંમતિપૂર્વક છૂટાછેડાની અરજી બાદ પતિ-પત્નીને છ મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ આપે છે, જેથી આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે સમાધાન શક્ય બને. પરંતુ જો બંને પક્ષો વચ્ચે કોઈ પણ સંજોગોમાં સુમેળ સધાય તેમ ન હોય અને બંનેએ મક્કમતાપૂર્વક અલગ થવાનો નિર્ણય કર્યો હોય, તો આ સમયગાળો જતો કરી શકાય તેમ હાઈકોર્ટે ઠરાવ્યું છે.

Gujarat High Court

Gujarat High Court :ફેમિલી કોર્ટનો હુકમ રદ

જસ્ટિસ સંગીતા કે. વિશેણ અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે સંમતિપૂર્વકના એક છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ હુકમને અયોગ્ય ગણાવી રદબાતલ કર્યો હતો. ફેમિલી કોર્ટે છ મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ પૂરો ન થયો હોવાના આધાર પર અરજી નામંજૂર કરી હતી, જેને હાઈકોર્ટે ખોટું ઠરાવ્યું.

Gujarat High Court :એક વર્ષથી અલગ રહેતા દંપત્તિને રાહત

Gujarat High Court

હાઈકોર્ટે નોંધ્યું હતું કે જ્યારે પતિ-પત્ની અરજી રજૂ કરવાની તારીખથી એક વર્ષ કરતાં વધુ સમયથી અલગ રહી રહ્યા હોય, બંને પક્ષોએ છૂટાછેડા માટે પરસ્પર સંમતિ આપી હોય અને પુનઃમિલનની કોઈ શક્યતા ન હોય, ત્યારે કૂલિંગ ઓફ પિરિયડ ફરજિયાત ગણાવી શકાય નહીં.

અદાલતે વધુમાં કહ્યું હતું કે આવી પરિસ્થિતિમાં અરજી નામંજૂર કરવાથી પક્ષકારોની વેદના અનાવશ્યક રીતે લંબાય છે. બંને પક્ષો યુવાન છે અને પોતાની ઇચ્છા મુજબ પોતાનું જીવન તથા કારકિર્દી આગળ વધારવા માંગે છે, ત્યારે ન્યાયના હિતમાં કૂલિંગ ઓફ પિરિયડ વેવ કરવાની તક આપવી જરૂરી છે.

કાનૂની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ચુકાદો

ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી હવે એવા કેસોમાં મોટી રાહત મળશે, જ્યાં પતિ-પત્ની વચ્ચે સમાધાન સંપૂર્ણપણે અશક્ય છે અને બંને સંમતિપૂર્વક છૂટાછેડા લેવા ઈચ્છે છે. આ ચુકાદો હિન્દુ મેરેજ એક્ટની કલમ-13બી હેઠળના અનેક કેસોમાં માર્ગદર્શક સાબિત થશે.

આ પણ વાંચો :Panchmahal News: પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા