G20 સમિટ એ  બદલી દિલ્લીની સુરત, સમગ્ર શહેર છાવણીમાં ફેરવાયું, તૈયારીઓને આખરી ઓપ

0
106
જી-20
જી-20

રાજધાની દિલ્લીમાં 9 અને 10 સપ્ટેમ્બરે જી-20 સમિટ યોજાવાની છે. આ સમિટ માં વિદેશના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષ ભારતમાં આવવાના છે. જી-20 સમિટના આયોજન માટે દિલ્લીની કાયાકલ્પ કરવામાં આવી છે. વિદેશી મહેમાનોના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. બે દિવસની જી20 સમિટ માટે દિલ્લીની કાયાપલટ કરી દેવાઈ છે. જાહેર જગ્યાઓનો નકશો બદલાઈ ગયો છે. સમગ્ર શહેર છાવણીમાં ફેરવાઈ ગયું છે, સમિટ માટે સરકારી કચેરીઓ અને શાળાઓમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે.

સમગ્ર દિલ્લી અત્યારે જી 20 સમિટના રંગમાં રંગાઈ ગઈ છે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી સમિટને આડે હવે બે દિવસનો સમય બાકી છે, ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દિલ્લીની ભાગ્યે જ કોઈ એવી જાહેર જગ્યા હશે, જ્યાં જી20 સમિટના રંગ જોવા ન મળે. 

દિલ્લી શહેરમાં ઠેર ઠેર બ્યુટિફિકેશનું કામ ચાલી રહ્યું છે. જાહેર દિવાલોથી માંડીને રસ્તા અને બગીચામાં પણ સજાવટ કરવામાં આવી છે. આ કામગીરીમાં ઘણી NGO પણ જોડાઈ છે. જાહેર દિવાલો પર પેઈન્ટિંગ કરવા મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ઉમટી પડે છે. 

બગીચાઓ સહિતની જાહેર જગ્યાઓ પર સેલ્ફી પોઈન્ટ માટે ખાસ શિલ્પ તૈયાર કરાયા છે. એક રીતે લોકો માટેની સુવિધાઓ વધી ગઈ છે, તો ક્યાંક સુધરી ગઈ છે. દિલ્લી એરપોર્ટ અને તેની આસપાસના મુખ્ય રસ્તા પર પણ આકર્ષક લાઈટિંગ, બ્યુટિફિેકેશન સાથે જી20 સમિટનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે. આ રસ્તાની કાયાપલટ કરી દેવાઈ છે.

જી 20ના આમંત્રિતોના ભોજન માટે પણ ઘણી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજનનું મેનુ જ્યાં વૈવિધ્યપૂર્ણ છે, ત્યાં મોંઘેરા મહેમાનોના જમવા માટે સોના અને ચાંદીના ગિલેટ સાથેના વાસણોની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંપરાગત ઢબના આ વાસણોની ડિઝાઈન અને આકાર પોતાનામાં અનોખા છે, વાસણોની થીમ જે તે રાજ્યની સંસ્કૃતિ પ્રમાણે છે. જી 20 સમિટ હેઠળ દેશભરમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ મહેમાનો માટે આ પ્રકારના વાસણોનો ઉપોગ કરાયો હતો.  

દિલ્લી પોલીસના એસીપી રાજેદ્ર કલકાલે પોલીસ અધિકારી તરીકેની ફરજ બજાવવા ઉપરાંત કાર્ટૂનિસ્ટ તરીકેની પોતાની કલાકારી પણ દેખાડી છે. તેમણે જી 20 સમિટમાં આમંત્રિત રાષ્ટ્રાધ્યક્ષો અને મહેમાન દેશોના વડાઓના કેરિકેચર તૈયાર કર્યા છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કેરિકેચર પણ બનાવ્યું છે, તેમની આ કામગીરી અત્યારે ચર્ચામાં છે.

જી 20 સમિટને જોતાં સુરક્ષા એજન્સીઓની જવાબદારી સૌથી મોટી છે, ત્યારે પોલીસ અને પેરા મિલિટ્રી ફોર્સે ઘણા દિવસ પહેલાથી જ દિલ્લીમા મોરચો સંભાળી લીધો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્વોડની સાથે એન્ટી સબોટેજ સેલ પણ તૈનાત છે. જે કોઈ પણ પ્રકારન વિસ્ફોટકોને શોધીને તેમને નિષ્ક્રિય કરી શકે છે..દિલ્લીમાં આ માટેની મોકડ્રીલ પણ ચાલી રહી છે. 

જી 20 સમિટ દરમિયાન જ્યાં આખી દુનિયાની નજર દિલ્લી પર હશે, ત્યાં દિલ્લીના લોકોએ થોડી અગવડનો સામનો જરૂર કરવો પડશે. 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ તેમજ અન્ય દેશોનાં આમંત્રિતો ઉપસ્થિત રહેનાર હોવાથી સમગ્ર દિલ્લી છાવણીમાં ફેરવાયું છે. લોકોને બે દિવસ જરૂર વિના જાહેર માર્ગો પર ન નીકળવાની સલાહ અપાઈ છે. દિલ્લી સરકારે 8થી 10 સપ્ટેમ્બર સુધી દિલ્લીની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. સમિટના બે દિવસ સુધી દિલ્લી સરકાર અને એમસીડીની કચેરીઓ બંધ રહેશે. 

જી 20 સમિટને જોતાં દિલ્લીની કાયાપલટ થઈ છે. આ સમિટ આગામી અન્ય સમિટ અને ઓલિમ્પિક જેવા આયોજનો માટે ઘણી રીતે બોધપાઠ સમાન સાબિત થશે.