G20 Summit: US રાષ્ટ્રપતિ જો બાઈડેન, UK PM ઋષિ સુનક સહિત મહાનુભવોનું ભારતમાં આગમન

    0
    76
    વિદેશી મહેમાન
    વિદેશી મહેમાન

    G20 સમિટ નું આયોજન દિલ્હી માં થયું છે. આ માટે વિદેશી મહેમાનોના આગમનનો સિલસિલો ચાલુ છે. પહેલા બ્રિટનના પીએમ ઋષિ સુનક દિલ્હી પહોંચ્યા અને હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ દિલ્હી પહોંચ્યા છે. આ ઉપરાંત પણ અનેક દેશના મહાનુભવો આજે દિલ્હી પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે જી20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે થવાની છે. તમામ રાષ્ટ્રાધ્યક્ષ જી20 સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. પીએમ મોદી જી20 શિખર સમિટ સંમેલનમાં અલગ અલગ દેશના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે. જી20 બેઠક પહેલા પીએમ મોદીએ એક આર્ટિકલમાં જણાવ્યું કે તેનો હેતુ શું છે. જી20 બેઠક વિશે કહ્યું કે આપણે હવે સંગઠનોમાં બહુપક્ષવાદની અવધારણા પર કામ કરવું પડશે. આપણે ગ્લોબલ સાઉથ સાથે જોડાયેલા દેશોના વિકાસ વિશે પણ વિચારવું પડશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અમે વસુધૈવ કુટુંબકમની ભાવનામાં વિશ્વાસ રાખીએ છીએ. જેમાં ભાષા કોઈ વિધ્ન નથી. આપણે એક પરિવારની જેમ છીએ જેમાં એકબીજાનો હાથ પકડીને આગળ વધવું પડશે. 

    જો બાઈડેન દિલ્હી પહોંચ્યા
    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન જી20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. પીએમ મોદી અને બાઈડેન વચ્ચે થોડીવારમાં દ્વિપક્ષીય મંત્રણા થશે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી કે સિંહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. 

    ઋષિ સુનક પણ ભારત આવ્યા
    યુનાઈટેડ કિંગડમના પીએમ ઋષિ સુનક પણ પત્ની અક્ષતા મૂર્તિ સાથે જી20 સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે. મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ તેમનું સ્વાગત કર્યું. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં સુનકે કહ્યું કે જી20 ભારત માટે એક મોટી સફળતા રહી છે. ભારત તેની મેજબાની માટે યોગ્ય સમય પર યોગ્ય દેશ છે. મને લાગે છે કે આપણી પાસે કેટલાક દિવસ સુધી વિચાર વિમર્શ અને નિર્ણય લેવા માટે ખુબ સારી તક રહેશે. 

    જી 20 ની થીમ વસુધૈવ કુટુંબકમ
    જી20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે ભારતે મહેસૂસ કર્યું કે આપણે આપણી અધ્યક્ષતા વસુધૈવ કુટુંબકમ- દુનિયા એક પરિવાર છે તેની થીમથી શરૂ કરવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની અધ્યક્ષતા સમાવેશી, નિર્ણાયક અને મહત્વકાંક્ષી હોવી જોઈએ. આપણે આપણી અધ્યક્ષતા દરમિયાન સમાવેશી, મહત્વકાંક્ષી અને ખુબ નિર્ણાયક હોવાના તેના દ્રષ્ટિકોણ પર ખરા ઉતર્યા છીએ. 

    તેમણે કહ્યું કે આ સંમેલનમાં 29 વિશેષ આમંત્રિત દેશો અને 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભાગ લીધો છે. અમે આ અવસરનો ઉપયોગ કરીને બેઠકોને ભારતના 60 શહેરોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આયોજિત કરી. જ્યારે જી20 બીજા દેશોમાં આયોજિત થતું ત્યારે તે  દેશના વધુમાં વધુ 2 શહેરોમાં આયોજિત થતું પરંતુ ભારતે તેને 60 શહેરોમાં આયોજિત કર્યું.