Fraud Case :પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે.એન. રૂપારેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (MBA) કોલેજ ફરી એકવાર ગંભીર વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. કોલેજની ઘોર બેદરકારી અને નિયમવિરોધી કામગીરીને કારણે 42 નિર્દોષ વિદ્યાર્થીઓના અભ્યાસના છ મહિના બગડ્યા હોવાનો મુદ્દો હજી શાંત પડ્યો નથી, ત્યાં હવે કોલેજ અને સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય સામે વધુ એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે.
Fraud Case :વિદેશ મોકલવાના બહાને લાખોની છેતરપિંડીનો આરોપ

પોરબંદરના સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય સુમિતભાઈ સામે વિદેશ મોકલવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે રાણાવાવના જાણીતા કોસ્મેટિક ડેન્ટલ સર્જન ડો. ધર્મદેવ હિતેશકુમાર જોષીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ મુજબ ગઈકાલે સોગંદનામું પણ કરવામાં આવ્યું છે અને આગામી સોમ કે મંગળવારે આચાર્ય સામે સમન્સ નીકળવાની સંભાવના છે.
Fraud Case : “મારી પાસેથી 12થી 13 લાખની માંગ કરી”

ફરિયાદી ડો. જોષીએ જણાવ્યું કે, આચાર્ય સુમિતભાઈએ પોતાને ચંદીગઢની એક એજન્સીના એજન્ટ તરીકે ઓળખાવીને વિદેશ મોકલવાની વાત કરી હતી. તેના બદલે મારી પાસે કુલ 12થી 13 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી મેં દોઢ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. લાંબા સમય સુધી કોઈ પ્રક્રિયા આગળ ન વધતા મેં પૈસા પરત માગ્યા હતા, પરંતુ આચાર્યએ આપેલા ચેક બે વખત બાઉન્સ થયા હતા. અંતે મારે કોર્ટનો આશરો લેવો પડ્યો છે.
15થી 20 લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો દાવો
ડો. જોષીએ વધુમાં દાવો કર્યો છે કે, તેમના જેવા 15થી 20 લોકો પોરબંદરમાં આ જ રીતે છેતરપિંડીનો ભોગ બન્યા છે. મહત્વની વાત એ છે કે આ તમામ મિટિંગો અને નાણાકીય વ્યવહારો સ્વામિનારાયણ ગુરુકુળમાં આવેલી આચાર્યની ઓફિસમાં જ થયા હતા, જેના વીડિયો પુરાવા પણ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે.

GTU રજિસ્ટ્રારનો મોટો ખુલાસો
આ વચ્ચે MBA કોલેજના 42 વિદ્યાર્થીઓના ભણતર બગડવાના મુદ્દે GTUના રજિસ્ટ્રાર કે.એન. ખેરે અત્યંત ગંભીર ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ સંસ્થાએ AICTE દ્વારા ફરજિયાત જનરેટ થતું Extension of Approval (EOA/UAE) યુનિવર્સિટીમાં સબમિટ કર્યું જ નહોતું, જેના કારણે કોલેજને યુનિવર્સિટી તરફથી એફિલિએશન મંજૂર થયું નહોતું.
નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
માન્યતા ન હોવા છતાં કોલેજ દ્વારા ACPC (Admission Committee for Professional Courses) મારફતે નહીં પરંતુ પોતાની રીતે બારોબાર એડમિશન આપવામાં આવ્યા હતા. આ ગંભીર નિયમભંગના કારણે યુનિવર્સિટી પાસે આ વિદ્યાર્થીઓની કોઈ નોંધણી જ નહોતી.
નોંધણી નહીં, હોલ ટિકિટ પણ નહીં
યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની નોંધણી ન હોવાથી તેમનું એનરોલમેન્ટ થઈ શક્યું નહોતું અને પરિણામે હોલ ટિકિટ પણ રિલીઝ થઈ નહોતી, જેના કારણે 42 વિદ્યાર્થીઓનું એક સેમેસ્ટર બગડી ગયું છે.
તપાસની માગ અને કડક કાર્યવાહીની માંગ
આ સમગ્ર ઘટનાએ પોરબંદર સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. એક તરફ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા છે, તો બીજી તરફ વિદેશ મોકલવાના બહાને થયેલી છેતરપિંડીના આક્ષેપો સામે આવ્યા છે. હવે આ મામલે ટ્રસ્ટ, કોલેજ સંચાલન અને આચાર્ય સામે કડક કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે.




