વન નેશન વન ઇલેક્શન માટે બની સમિતિ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હશે અધ્યક્ષ

0
255
રામનાથ કોવિંદ
રામનાથ કોવિંદ

‘વન નેશન વન ઇલેક્શન’ ની દિશામાં ઝડપથી આગળ વધીને કેન્દ્ર સરકારે એક સમિતિ ની રચના કરી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સમિતિ ના અધ્યક્ષ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમિતિ ના સભ્યોને લઈને આજે જ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. મતલબ કે આ સમિતિ ના અન્ય સભ્યોના નામની માહિતી ટૂંક સમયમાં શેર કરી શકાશે. એવામાં કેન્દ્રના આ નિર્ણયે ફરી એકવાર એવી અટકળોને વેગ આપ્યો છે કે આ વખતે લોકસભાની ચૂંટણી સમય પહેલા યોજાઈ શકે છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર વન નેશન વન ઈલેક્શન, યુનિફોર્મ સિવિલ કોડ અને મહિલા આરક્ષણ માટે બિલ લાવી શકે છે.

કોંગ્રેસે કર્યો કમિટિ બનાવવાનો વિરોધ
સરકારના નિર્ણયની જાણ થતાં જ કોંગ્રેસે વિરોધ કર્યો અને કહ્યું કે, આખા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની ઉતાવળ શું છે? દેશમાં મોંઘવારી સહિતના ઘણા મુદ્દા છે જેના પર સરકારે પહેલા પગલાં લેવા જોઈએ. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે આ મુદ્દે કેન્દ્રનો ઈરાદો સ્પષ્ટ નથી. તો બીજી તરફ AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ ટ્વીટ કરીને સરકારના આ પગલા પર નારાજગી વ્યક્ત કરી છે.

સરકારની દલીલ
આ નિર્ણયની જાણ થતા જ ભાજપના ઘણા નેતાઓએ તેને દેશના સારા ભવિષ્ય માટે લેવામાં આવેલો યોગ્ય નિર્ણય ગણાવ્યો છે. બીજી તરફ, આ દિશામાં આગળ વધવા માટે કેન્દ્રની દલીલ એ છે કે કાયદા પંચે રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં વારંવાર ચૂંટણી થવાને કારણે તિજોરીના નાણાં અને સંસાધનોનો વધુ પડતો બગાડ થઈ રહ્યો છે. બંધારણના હાલના માળખામાં એક સાથે ચૂંટણી યોજવી શક્ય નથી, તેથી અમે કેટલાક જરૂરી બંધારણીય સુધારા સૂચવ્યા છે. તો બીજી તરફ કમિશને ખાતરી આપી છે કે બંધારણમાં આમૂલ સુધારાની જરૂર છે, જેના પર ચર્ચા થવી જોઈએ. 

દેશમાં પહેલાં પણ એક સાથે થઇ ચૂકી છે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે સંસદના મોનસૂન સત્ર દરમિયાન કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે એક કાર્યકારી રોડમેપ અને માળખું તૈયાર કરવા માટે આ મામલાને આગળની તપાસ માટે વિધિ આયોગ પાસે મોકલવામાં આવ્યો છે. 

તો બીજી તરફ બંધારણીય નિષ્ણાતોના અનુસાર જો એક દેશ-એક કાનૂન બિલને લાગૂ કરવામાં આવે છે તો તેના માટે સંવિધાનમાં ઓછામાં ઓછા 5 ફેરફાર કરવા પડે. 

તમને જણાવી દઇએ કે આ પહેલાં દેશમાં 1951-1952, 1957, 1962 અને 1967 લોકસભા અને તમામ વિધાનસભાઓમાં એકસાથે ચૂંટણી કરાવવામાં આવી હતી.