પ્રધાનમંત્રી આ દિવાળી પર ગુજરાતને શું આપશે મોટી ભેટ? ઉ. ગુજરાતમાં વધશે આ સુવિધાઓ!

0
78
પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી સોમવારે સવારે સાડા દર વાગ્યે અંબાજી મંદિર પહોંચશે જ્યાં તેઓ દર્શન અને પૂજા કરશે. પ્રધાનમંત્રીના આગમન સમયે અંબાજી મંદિરને ફુલોથી સજાવવામાં આવશે. પ્રધાનમંત્રીના આગમન માટે અંબાજીના ચીખલામાં હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, આ દરમિયાન તેઓ ત્રણ જિલ્લાનો પ્રવાસ ખેડશે. ઉત્તર ગુજરાતને કેટલીક વિકાસ પરિયોજનાઓની ભેટ પણ મળશે. ત્યારે કેવો રહેશે પ્રધાનમંત્રીનો વતનનો પ્રવાસ? એક મહિના બાદ પ્રધાનમંત્રી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બનાસકાંઠા, મહેસાણા અને નર્મદા જિલ્લાની મુલાકાત લેશે. દિવાળી પહેલાં તેમના હસ્તે રાજ્યમાં ઘણા વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરાશે.   

30 અને 31મીએ પ્રધાનમંત્રી વતનના પ્રવાસે
પ્રધાનમંત્રી સોમવારે સવારે સાડા દર વાગ્યે અંબાજી મંદિર પહોંચશે જ્યાં તેઓ દર્શન અને પૂજા કરશે. પ્રધાનમંત્રીના આગમન સમયે અંબાજી મંદિરને ફુલોથી સજાવવામાં આવશે. પ્રધાનમંત્રીના આગમન માટે અંબાજીના ચીખલામાં હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. સમગ્ર અંબાજીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે. જેમાં સ્વયંસેવકોથી માંડી નેતાઓ જોડાયા હતા. અંબાજીથી પ્રધાનમંત્રી બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણાના ખેરાલુ તાલુકાના ડભોડા પહોંચશે, જ્યાં તેઓ પાંચ હજાર 800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, સાથે જ જનસભાને સંબોધન પણ કરશે. આ માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ડભોડામાં 3 હેલિપેડ પણ તૈયાર કરાયા છે. 

5,866 કરોડના 16 વિકાસકાર્યોનું લોકાર્પણ, શિલાન્યાસ કરાશે
ડભોડામાં પ્રધાનમંત્રી પાંચ હજાર 866 કરોડના 16 વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 7 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી જે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે તેમાં 3 હજાર 154 કરોડના ભાન્ડુ-સાણંદ રેલવે કોરિડોર અને 375 કરોડના કટોસણ-બહુચરાજી રેલવે લાઈન મુખ્ય છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મહેસાણા અને ગાંધીનગરમાં ગ્રામ્ય તળાવોના રિચાર્જના પ્રોજેક્ટ, મહેસાણામાં સાબરમતી નદી પર વાલાસણા બેરેજ, પાલનપુરમાં પીવાના પાણીની બે યોજનાઓ તેમજ પાલનપુર જીવાદોરી યોજનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

ઉત્તર ગુજરાતમાં સુવિધાઓ વધશે
આ ઉપરાંત તેઓ મહીસાગરના સંતરામપુરમાં સિંચાઈ પ્રોજેક્ટ, નરોડા – દેહગામ- હરસોલ – ધનસુરા રોડને પહોળો કરવા, કલોલ નગરપાલિકાના સુએઝ અને સેપ્ટેજ મેનેજમેન્ટ પ્રોજેક્ટ તેમજ સિદ્ધપુર, પાલનપુર, બાયડ, અને વડનગર માાટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિએ પ્રધાનમંત્રી નર્મદાના કેવડિયામાં આયોજિત એકતા પરેડમાં ભાગ લેશે. આ પરેડમાં બીએસએફ તેમજ વિવિધ રાજ્યોની પોલીસની ટુકડીઓ ભાગ લેશે. મહિલા સીઆરપીએફ બાઇકર્સનો ડેરડેવિલ શો, બીએસએફની મહિલા પાઇપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસનો કોરિયોગ્રાફી પ્રોગ્રામ અને એરફોર્સની ફ્લાય પાસ્ટ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ હશે. પરેડમાં ભાગ લેવા 17 રાજ્યોના 250થી વધુ કેડેટ્સ કેવડિયા આવ્યા છે. આ કેડેટ્સ કાર્યક્રમમાં પોતાના લોકનૃત્ય રજૂ કરશે.

SoU આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો
પ્રધાનમંત્રી કેવડિયામાં 160 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે. જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં એકતા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેન, નર્મદા આરતી માટેનો પ્રોજેક્ટ લાઇવ, કમલમ પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર વોક-વે, 30 નવી ઇ-બસ, 210 ઇ-સાઇકલ અને મલ્ટીપલ ગોલ્ફ કાર્ટ, એકતા નગરમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ”સહકાર ભવનનો સમાવેશ થાય છે. કેવડિયામાં ટ્રોમા સેન્ટર સાથેની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સોલાર પેનલનું ભૂમિપૂજન પણ કરાશે. એટલે કે દિવાળી સમયે ગુજરાતન પ્રવાસન અને માળખાગત સુવિધાની ભેટ મળશે.