લવ મેરેજ માં માતા પિતાની સંમતિ કેમ છે જરુરી, ભુપેન્દ્ર પટેલથી લઇને કોંગ્રેસના ધારાસભ્યો પણ કેમ આવ્યા મૈદાને

0
210
લવ મેરેજ
લવ મેરેજ

લવ મેરેજ મુદ્દે નવો કાયદો બનાવવાની માંગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હકારાત્મક વલણ બાદ કોંગ્રેસ પણ સમર્થનમાં આવી છે. અમદાવાદના જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું છે કે જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકાર લવ મેરેજ માટે સંમતિની શરત ઉમેરવા માટે વિધાનસભામાં બિલ લાવે તો તેઓ તેને સમર્થન આપશે. 30 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે લવ મેરેજ માં આ શરતનો સમાવેશ કરવાની માંગને કાયદામાં ધ્યાનમાં લેવામાં આવશે. સીએમએ કહ્યું હતું કે અભ્યાસ કરવામાં આવશે અને શ્રેષ્ઠ પરિણામ લાવવામાં આવશે. હવે કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીના નિવેદનને આવકાર્યું છે અને કહ્યું છે કે મુખ્યમંત્રીનું નિવેદન સારું છે. આ શરત લવ મેરેજમાં સામેલ કરવામાં આવે તો સારું રહેશે. 

મહેસાણામાં મુખ્યમંત્રી શું બોલ્યા હતા
એક દિવસ પહેલાં જ મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના નેજા હેઠળ આયોજિત સ્નેહ મિલનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી કહ્યું હતું કે હું અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવી રહ્યાં હતા ત્યારે અમારી સામે માંગ કરવામાં આવી હતી કે યુવતીઓને ભગાડી લઈ જનારા સામે કંઈ કરવું પડશે. પ્રેમ લગ્નમાં માતા-પિતાની પણ સંમતિ હોવી જોઈએ. આવું કંઈક હોવું જોઈએ. આ કાયદામાં ધ્યાનમાં લેવામાં આવશે, અભ્યાસ કરવામાં આવશે અને શ્રેષ્ઠ પરિણામ લાવશે. ગુજરાતમાં પાટીદાર સમાજની માંગ છે કે લવ મેરેજની નોંધણીમાં આ શરત ફરજીયાત કરવામાં આવે, જેથી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે અને લવ મેરેજની સાથે લવ જેહાદના કિસ્સાઓ પણ ઘટી શકે. ગત વર્ષે પાટીદાર સમાજે આ માંગ સૌપ્રથમ ઉઠાવી હતી. જેમાં તેમના હસ્તાક્ષરિત પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ જરૂરી બનાવવાની માંગ કરવામાં આવી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં બ્લડ રિલેશનમાં આવતા સ્વજનોની સહી જરૂરી બનાવવા માંગ કરાઇ હતી. એટલું જ નહીં લવ મેરેજની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની માંગ કરવામાં આવી હતી.

સરકારને સાથ આપશેઃ ખેડાવાલા
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવેદનને સમર્થન આપ્યું છે. ખેડાવાલાનું કહેવું છે કે જો સરકાર લવ મેરેજ કાયદામાં સુધારો કરીને બિલ લાવશે તો તેઓ સરકારને સમર્થન આપશે. ઈમરાન ખેડાવાલાએ ટ્વીટ કરીને સીએમના નિવેદનનું સમર્થન કર્યું છે. એવું માનવામાં આવે છે કે જો લવ મેરેજમાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત બની જશે તો ઘણા સામાજિક સુધારા થશે અને લવ જેહાદના કિસ્સાઓ પણ ઘટી શકે છે. ઈમરાન ખેડાવાલા પહેલાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ આ માંગણી ઉઠાવી છે, જોકે આ મુદ્દે સરકાર તરફથી પહેલીવાર કોઈ જાહેર પ્રતિક્રિયા આવી છે. ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ આ મામલાની વિચારણા કરવાનું કહ્યું છે. આવી સ્થિતિમાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે કે કેમ? જ્યાં પ્રેમ લગ્નના કેસની નોંધણીમાં માતા-પિતાની સહી જરૂરી રહેશે.

ગેનીબેને પણ માંગણી કરી છે
ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકરે પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. ગેનીબેને સરકાર પાસે માંગણી કરી હતી કે પ્રેમ લગ્નના વધતા જતા ગુના અને ધર્મ પરિવર્તનના કિસ્સાઓ રોકવા માટે સરકારે પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી ફરજીયાત કરવી જોઈએ. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી લગ્નને માન્ય ન ગણવું જોઈએ. આ મુદ્દે અન્ય કેટલાક નેતાઓ ગનીબેનના સમર્થનમાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં તાજેતરના વર્ષોમાં પ્રેમ લગ્નના કિસ્સાઓ ખૂબ વધી ગયા છે. સરદાર પટેલ ગ્રુપના નેજા હેઠળ યોજાયેલા આ વિશાળ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી રજની પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.