23 સપ્ટેમ્બરથી ચીન ના ઝાંગુમાં યોજાનારી 19મી એશિયન ગેમ્સમાં અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને એન્ટ્રી ન આપવાના ચીન ના પગલાં પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીમાં ચીની દૂતાવાસ અને બીજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.આ સાથે જ ભારતના કેન્દ્રીય રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ચીનનો પ્રવાસ રદ્દ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે (22 સપ્ટેમ્બર) કહ્યું કે ચીન હંમેશા ભારતીય નાગરિકો સાથે વંશીયતાના આધારે ભેદભાવ કરી રહ્યું છે. ભારત આવી વાતચીતને સંપૂર્ણપણે નકારી કાઢે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ હતો, છે અને રહેશે.
એશિયન ગેમ્સની ભાવનાઓનું ઉલ્લંઘન
બાગચીએ કહ્યું કે અરુણાચલના ભારતીય ખેલાડીઓને એશિયન ગેમ્સમાં પ્રવેશ ન દેવાની ચીનની કાર્યવાહી એશિયન ગેમ્સની ભાવના અને તેમાં ભાગ લેવાના નિયમોનું ઘોર ઉલ્લંઘન છે. આમાં સામેલ સભ્ય દેશોએ ભેદભાવ વિના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા સુનિશ્ચિત કરવી પડશે. આના પર સખત વિરોધ વ્યક્ત કરવા માટે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી અને યુવા અને રમતગમત બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સનો તેમનો પ્રવાસ રદ કર્યો છે. બાગચીએ જણાવ્યું કે અનુરાગ ઠાકુર એશિયન ગેમ્સમાં મહેમાન તરીકે હાજરી આપવાના હતા, પરંતુ ચીનના આ પગલા બાદ તેમણે સખત વિરોધ વ્યક્ત કરવા માટે પોતાની મુલાકાત રદ કરી દીધી છે.
શું છે મામલો?
હકીકતમાં, ચીને એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે અરુણાચલના ત્રણ ખેલાડીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે. ચીન અરુણાચલને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરી રહ્યું છે અને તેના નાગરિકોને ભારતીય કહેવા પર વાંધો ઉઠાવે છે. અગાઉ જુલાઈમાં પણ ચીને આવી જ રીતે અરુણાચલના ખેલાડીઓને પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો, જેનો ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીને સતત આવું બીજી વખત કર્યું છે.