ચીન શ્રીલંકાના ખભાનો કરી શકે છે ઉપયોગ- ભારત પર નજર રાખવા રડાર કરશે સ્થાપિત

0
160

પાડોશી દેશ શ્રીલંકાને ચીન દેવાદાર બનાવીને ફસાવી ચુકયુ છે. શ્રીલંકાની આ મજબૂરીનો લાભ ઉઠાવીને ચીન ભારત પર નજર રાખવા માટે આ દેશનો ઉપયોગ કરવા માંગે છે. જો કે આ વખતે ચીન જે કાવતરૂ ઘડી રહ્યુ છે તેના કારણે ભારત જ નહીં પણ અમેરિકા અને બ્રિટન માટે પણ ખતરો સર્જાઈ શકે છે.ચીનની સરકાર શ્રીલંકાના જંગલોમાં એક મહાશક્તિશાળી રડાર સ્થાપવા માંગે છે.

બ્રિટિશ મીડિયાના રિપોર્ટ પ્રમાણે ચીન આ રડારની મદદથી હિન્દ મહાસાગરમાં ભારત, અમેરિકા અને બ્રિટનની નૌસેનાની દરેક હિલચાલ પર નજર રાકવા માટે પ્લાનિંગ કરી રહ્યુ છે. એટલુ જ નહીં આ રડારની પહોંચ એટલી હશે કે ભારતે તામિલનાડુમાં સ્થાપેલા ન્યુક્લિયર એનર્જ પ્લાન્ટ પર નજર રાખી શકશે. તેમજ ભારતના આંદામાન નિકોબાર તથા બ્રિટન-અમેરિકાના હિન્દ મહાસાગરમાં ડિયાગો ગાર્સિયા ટાપુ પર આવેલા સંયુક્ત નેવી બેઝ સુધી આ રડારની પહોંચ હશે.

બ્રિટિશ મીડિયાએ શ્રીલંકાની ગુપ્તચર એજન્સીના સૂત્રોને ટાંકીને ઉપરોક્ત અહેવાલ પ્રકાશિત કર્યો છે. જાણકારોનુ માનવુ છે કે, ચીનની સરકાર શ્રીલંકાનો વ્યૂહાત્મક ફાયદો ઉઠાવવા માંગે છે. ચીને રડાર સ્થાપવાની જવાબદારી ચાઈનિઝ એકેડમી ઓફ સાયન્સને સોંપી છે. રડાર શ્રીલંકાના દક્ષિણ હિસ્સામાં આવેલા ગીચ જંગલમાં સ્થાપવામાં આવશે. આ જંગલો દરિયા કિનારાથી નજીક છે અને તે શ્રીલંકાનો અત્યંત વ્યૂહાત્મક રીતે મહત્વનો વિસ્તાર છે. આ રડાર થકી હિન્દ મહાસાગરમાં હંકારી રહેલા દરેક યુધ્ધ જહાજોને ચીન મોનિટર કરશે.

સૌથી મોટો ખતરો ભારતને છે. કારણકે ભારતના શ્રીહરિકોટા અંતરિક્ષ સ્ટેશન, ઓરિસ્સાના ચાંદીપુરમાં આવેલી મિસાઈલ ટેસ્ટિંગ રેન્જ પર પણ લુચ્ચુ ચીન જાસૂસી કરી શકશે. સાથે સાથે ચીન અંતરિક્ષમાં મોકલાયેલા પોતાના સેટેલાઈટસનુ મોનિટરિંગ કરવા માટે પણ આ રડાર સ્ટેશનનો ઉપયોગ કરી શકશે. ચીને એમ પણ અંતરિક્ષમાં સેટેલાઈટ મોકલવાની ઝડપ વધારી દીધી છે. આ વર્ષે ચીન 200 સેટેલાઈટ અંતરિક્ષમાં લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યુ છે.

ચીન આ પહેલા શ્રીલંકાનુ હંબનટોટા બંદર અગાઉ આપેલી લોનના બદલામાં કબ્જે કરી ચુકયુ છે. ચીને શ્રીલંકાને બે વર્ષ સુધી લોન નહીં ચુકવવા માટે રાહત આપીને બદલામાં રડાર સ્ટેશન બનાવવા માટે સોદો કર્યો છે. આ જ પ્રકારનુ રડાર સ્ટેશન આર્જેન્ટિનામાં પણ ચીન સ્થાપી ચુકયુ છે.